(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • તમારા એન્ડ્રોઇડ ફોનમાં જેલિબિન હોય તો…
  • એઆઇ અલ્ઝાઇમરની સચોટ આગાહી કરશે
  • એપ્સ આધારિત ફોન કોલ્સનું પ્રમાણ ઘટ્યું!
  • ગૂગલ મેપમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન્સ
  • વોટ્સએપમાં આવી રહેલા નવા ફેરફાર
  • મોટાં એપ્લાયન્સિસનું ઓનલાઇન વેચાણ વધ્યું
  • માઇક્રોસોફ્ટની નવી ‘સ્પેન્ડ’ એપ

તમારા એન્ડ્રોઇડ ફોનમાં જેલિબિન હોય તો…

જો તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનું જેલિબિનનું વર્ઝન હોય તો ટૂંક સમયમાં તમે તેમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકશો નહીં. સમગ્ર વિશ્વમાં અત્યારે એન્ડ્રોઇડના તમામ યૂઝર્સમાંથી માત્ર ૩.૫ ટકા લોકો એન્ડ્રોઇડ જેલિબિનવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ એન્ડ્રોઇડના યૂઝર્સની કુલ સંખ્યા એક અબજે પહોંચી હોવાને કારણે સાડા ત્રણ ટકાનો અર્થ થાય છે પાંત્રીસ કરોડ લોકો! અલબત્ત ગૂગલ ક્યારથી આ સપોર્ટ બંધ કરશે તે હજી સ્પષ્ટ નથી.

એઆઇ અલ્ઝાઇમરની સચોટ આગાહી કરશે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટો ઉપયોગ હોવાની શક્યતાઓ ઘણા સમયથી ચર્ચાઈ રહી છે. હમણાં, એક ભારતીય મૂળના વિજ્ઞાની સહિત કેટલાક વિજ્ઞાનીઓએ એક એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અલ્ગોરિધમ વિકસાવ્યું છે જે કોઈ વ્યક્તિને આવતા પાંચ વર્ષમાં અલ્ઝાઇમર (સ્મૃતિ બિલકુલ ગુમાવી દેવાનો રોગ) થશે કે નહીં તેની આગાહી કરી શકે છે.

એપ્સ આધારિત ફોન કોલ્સનું પ્રમાણ ઘટ્યું!

હજી થોડા સમય પહેલાં ભારતની અગ્રણી ટેલિકોમ કંપનીઝ ઇન્ટરનેટની મદદથી થઈ શકતા મફત વોઇસ કોલ સામે કાગારોળ મચાવતી હતી.

એ સમયે ટેલિકોમ કંપનીના ટેરિફ મુજબ એસટીડી કોલ્સ અને ઇન્ટરનેશનલ કોલ્સ ઘણા મોંઘા હતા અને તેની સામે ગૂગલ હેન્ગઆઉટ્સ કે વોટ્સએપ જેવી સર્વિસમાં ફક્ત ઇન્ટરનેટ ડેટા પ્લાન ખર્ચીને બિલકુલ મફતમાં દેશવિદેશ કોલ થઈ શકતા હોવાથી લોકો તેના તરફ વળી ગયા હતા અને ટેલિકોમ કંપનીની આવકમાં ઘટાડો થવા લાગ્યો હતો.

પરંતુ છેલ્લા થોડા સમયમાં સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ખાસ કરીને રિલાયન્સ  જિઓએ અનલિમિટેડ કોલિંગ મફત કરવાની સુવિધા આપતા પ્લાન્સ લોન્ચ કર્યા પછી અને તેમાં વોઇસ કોલિંગની ક્વોલિટી ઘણી સારી મળતી હોવાથી લોકો ફરી ટેલિકોમ કંપનીના નેટવર્ક પર કોલ કરવા તરફ વળવા લાગ્યા છે. જિઓને પગલે અન્ય મોટા ભાગની ટેલિકોમ કંપની હવે એક નિશ્ચિત રકમમાં કોલિંગ, ડેટા વગેરે બધું લગભગ અનલિમિટેડ હોય તેવા પ્લાન આપવા લાગી છે.

તેની અસર દેખાવા લાગી છે. હમણાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) એ જાહેર કરેલા આંકડા મુજબ આ વર્ષે એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં વોટ્સએપ જેવી એપ દ્વારા થતા કોલ્સની સંખ્યામાં ૨૬ ટકા જેટલો તીવ્ર ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને એસટીડીમાં આ ઘટાડો જોવા મળ્યો છે.


ગૂગલ મેપમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન્સ

ભારતમાં ઓટો ઇન્ડસ્ટ્રીમાં ઇલેક્ટ્રિક વ્હિકલ્સથી ટૂંક સમયમાં મોટું પરિવર્તન આવવાની શક્યતા છે. પરંતુ અત્યારે તેની સામેનો સૌથી મોટો અવરોધ પેટ્રોલ કે ડીઝલ પમ્પસની જેમ ઇલેક્ટ્રિક પાવર ચાર્જિંગ સ્ટેશન્સનું નેટવર્ક તૈયાર ન હોવાનો છે (કમસે કમ પેટ્રોલ અને ડીઝલ કાર્સના ઉત્પાદન માટે મોટું રોકાણ કરી ચૂકેલી કાર કંપનીઝ આ દલીલ કરી રહી છે). પરંતુ યુએસમાં ઇલેક્ટ્રિક કાર્સનું ચલણ સતત વધી રહ્યું છે અને તેના એક પુરાવા તરીકે, યુએસમાં ગૂગલ મેપ્સ પર હવે ઇલેક્ટ્રિક વ્હિકલ્સ ચાર્જિંગ સ્ટેશન્સ પણ સર્ચ કરી શકાય છે.

વોટ્સએપમાં આવી રહેલા નવા ફેરફાર

વોટ્સએપમાં આગામી થોડા સમયમાં સંખ્યાબંધ નવાં ફીચર્સ ઉમેરાય તેવી શક્યતા છે. આવી કેટલીક સંભાવનાઓ પર એક નજર :

  • અત્યારે વોટ્સએપના ગ્રૂપના ઇન્ફો પેજ પર એ ગ્રૂપના તમામ સભ્યોનાં નામ અને મોબાઇલ નંબર જોઇ શકાય છે. નવા અપડેટ પછી, આ માહિતી શરૂઆતમાં છૂપાયેલી રહેશે, પરંતુ ‘મોર’ પર ક્લિક કરીને આ માહિતી જોઈ શકાશે!
  • વોટ્સએપના ઇમોજીમાં થોડા સમયમાં નવાં ચેટ સ્ટિકર્સ ઉમેરાશે.
  • વોટ્સએપમાં આપણે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટને લિન્ક કરી શકીએ તેવી સગવડ ઉમેરાવાની શક્યતા છે.
  • વોટ્સએપના સ્ટેટસ સેકશનમાં ટૂંક સમયમાં વોટ્સએપ જાહેરાતો બતાવવા લાગે તેવી શક્યતા છે.
  • વોટ્સએપમાં નવો પિકચર-ઇન-પિકચર મોડ ઉમેરાવાને કારણે ચેટ થ્રેડમાં સ્ક્રોલ કરતા હોઇએ ત્યારે સ્ક્રીન પર બીજી વિન્ડોમાં કોઈ વીડિયો ચાલુ રાખવાની સગવડ મળશે.
  • ટૂંક સમયમાં, કોઈને  મેસેજ મોકલ્યા પછી આપણે તેને લગભગ ૧૩ કલાક સુધીની અવધિમાં ડિલીટ કરી શકીશું.

મોટાં એપ્લાયન્સિસનું ઓનલાઇન વેચાણ વધ્યું

ભારતમાં અત્યાર સુધી ઓનલાઇન શોપિંગમાં મોબાઇલ્સ તથા તેને લગતી એક્સેસરીઝ અને ફેશન ગાર્મેન્ટ્સનો દબદબો હતો પરંતુ હવે લાગે છે કે ઓનલાઇન શોપિંગનો વ્યાપ અન્ય ચીજવસ્તુઓમાં પણ મોટે પાયે વિસ્તરી રહ્યો છે. ખાસ કરીને ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, એરકન્ડિશનર્સ વગેરે મોટાં કદનાં હોમ એપ્લાયન્સિસનું વેચાણ ઓનલાઇન સાઇટ્સ પર સતત વધી રહ્યું છે.

અત્યાર સુધી આવાં મોટાં કદના એપ્લાયન્સિસ માટે સપ્લાય ચેઇન, ડિલિવરી અને ઇન્સ્ટોલેશનની વ્યવસ્થા ગોઠવવી મુશ્કેલ હતી પરંતુ હવે આ પ્લેટફોર્મ્સે તેનો રસ્તો શોધી લીધો લાગે છે.

ઇ-કોમર્સ સાઇટ પર મોટા કદનાં એપ્લાયન્સિસનું વેચાણ ૨૦૧૫થી ૨૦૧૭ દરમિયાન બમણું થઈ ગયું છે અને હવે તે દર વર્ષે ૩૩ ટકાના દરે વધે તેવી શક્યતા છે.

માઇક્રોસોફ્ટની નવી ‘સ્પેન્ડ’ એપ

જો તમે માઇક્રોસોફ્ટની એસએમએસ ઓર્ગેનાઇઝર એપ (જુઓ ઓક્ટોબર ૨૦૧૭નો અંક) નો ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તેમાં આપણા બેન્ક એકાઉન્ટ સંબંધિત એસએમએસને આધારે બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટ્સ પણ જાણી શકાય છે. મૂડીરોકાણ સંબંધિત વિવિધ અન્ય એપ્સ પણ આવી સગવડ આપે છે.

હવે માઇક્રોસોફ્ટે ‘સ્પેન્ડ’ નામે એક અલગ એપ વિકસાવી છે જે તેના યૂઝરે જે કંઈ ખરીદી કે ચૂકવણીઓ કરી હોય તેનું ટ્રેકિંગ કરે છે અને સ્પ્રેડશીટ કે પીડીએફ સ્વરૂપે અઠવાડિક કે માસિક ધોરણે તેનો રિપોર્ટ આપે છે.

આ એપ અત્યારે માત્ર એપલના એપ સ્ટોરમાં પ્રીવ્યૂ તરીકે ઉપલબ્ધ છે તે આઇઓએસ ૧૦.૦ કે ત્યાર પછીનું વર્ઝન ધરાવતા એપલ ડિવાઇસમાં ચાલી શકે છે. આ માઇક્રોસોફ્ટના ગરાજ ઇન્ક્યુબેશન પ્રોજેક્ટ્સમાંનો એક છે. એટલે કે તે પ્રયોગાત્મક ધોરણે વિકસાવવામાં આવેલો છે અને માઇક્રોસોફ્ટ તેની અજમાયશ પછી લોકોના પ્રતિસાદ મુજબ તેનું ફુલફ્લેજ્ડ વર્ઝન લોન્ચ કરશે અથવા પરત ખેંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!