આગળ શું વાંચશો?
- જીમેઇલ હજી પણ થર્ડ પાર્ટી વાંચી શકે છે
- સરકારી ઉમંગ એપમાં વર્ચ્ચુઅલ આસિસ્ટન્ટ ઉમેરાશે
- શઝામ એડ ફ્રી બનશે
- ભારતમાં ડ્રોનના ઉપયોગ માટે નિશ્ચિત કાયદા ઘડાયા
- મોબાઇલમાં પેટા બ્રાન્ડનો નવો ટ્રેન્ડ
- અને હવે ત્રણ કેમેરાવાળા ફોન!
- ઇનબોક્સ બંધ થશે
- વોટ્સએપે ફરિયાદ નિવારણ અધિકારી નિમ્યા
જીમેઇલ હજી પણ થર્ડ પાર્ટી વાંચી શકે છે
તમને યાદ હશે કે જુલાઈ મહિનામાં જીમેઇલમાંના આપણા મેઇલ્સ, તેની સાથે કનેક્ટેડ થર્ડ પાર્ટી એપ્સના એન્જિનીયર્સ પણ વાંચી શકતા હોવાના મુદ્દે મોટો વિવાદ થયો હતો.
વોલસ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત આ અહેવાલ પછી જીમેઇલની સલામતી વિશે સવાલો ઊભા થયા હતા. હવે બહાર આવેલી વિગતો અનુસાર, ગૂગલ કંપનીએ અમેરિકન સેનેટર્સને આ વિવાદ અંગે એક પત્ર લખીને સ્પષ્ટતા કરી છે પરંતુ તેમાં કંપનીએ જણાવ્યું છે કે જીમેઇલ સાથે કનેક્ટ થતી વિવિધ થર્ડ પાર્ટી એપ્સ પોતાના યૂઝર્સને ડેટાના ઉપયોગ વિશે સ્પષ્ટ રીતે જણાવીને યૂઝરના ડેટાનો ઉપયોગ કરી શકે છે.
સરકારી ઉમંગ એપમાં વર્ચ્ચુઅલ આસિસ્ટન્ટ ઉમેરાશે
ગૂગલ આસિસ્ટન્ટ, એપલ સીરી કે એમેઝોન એલેક્સા સર્વિસમાં વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણી સાથે વાતચીત કરીને આપણી સમસ્યાઓ ઉકેલી આપે છે. હવે ભારત સરકારને પણ આવો વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ડેવલપ કરવાની ઇચ્છા જાગી છે. તમે જાણતાં હશો તેમ ભારત સરકારે સરકારના વિવિધ વિભાગોની સેવાઓ મોબાઇલ પર ઉપલબ્ધ કરવા માટે ‘યુનિફાઇડ મોબાઇલ એપ ફોર ન્યુ એજ ગર્વનન્સ (ઉમંગ)’ નામે એક એપ વિકસાવી છે. સરકારનું આઇટી મંત્રાલય આ એપની અંદર વોઇસ આધારિત અને આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરતી વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સર્વિસ ઉમેરવા માંગે છે. હાલમાં ઉમંગ એપમાં ૬૬ કેન્દ્ર સરકારના વિભાગો તથા ૧૭ રાજ્યોના વિવિધ વિભાગો તથા પાણી તથા વીજળી, ગેસ, મોબાઇલ, બ્રોડબેન્ડ, પાક વીમો વગેરે માટે ચૂકવણી કરવાની સગવડ મળે છે.
આ બધી સેવાઓ હાલમાં સ્માર્ટફોનમાં ટાઇપ કરી શકતા કે લખાણ વાંચી શકતા લોકોને વધુ ઉપયોગી થાય છે. આથી ફોન સાથે ફક્ત વાતચીત કરીને પણ લોકો ઉમંગની સેવાઓનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા સરકાર વિકસાવવા ઇચ્છે છે.
શઝામ એડ ફ્રી બનશે
એપલ કંપનીએ મ્યુઝિક ડિસ્કવરી એપ શઝામને હસ્તગત કરવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે. તમે જાણતા હશો તેમ શઝામ એપની મદદથી આપણે કોઈપણ ગીત સંગીતને ઓળખી શકીએ છીએ. એપલ કંપની આ એપનો ઉપયોગ સૌને માટે બિલકુલ એડ ફ્રી બનાવે તેવી શક્યતા છે.
ભારતમાં ડ્રોનના ઉપયોગ માટે નિશ્ચિત કાયદા ઘડાયા
છેવટે ભારતમાં ડ્રોનના ઉપયોગ માટેનાં ધારાધોરણો નક્કી થઈ ગયાં છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારતમાં ડ્રોન રેગ્યુલેશન ૧.૦ નામે જાણીતા કાયદા હેઠળ ડ્રોનના કમર્શિયલ ઉપયોગને સત્તાવાર મંજૂરી આપી છે.
નવી વ્યવસ્થા અનુસાર ૨૫૦ ગ્રામથી વધુ વજનના ડ્રોનનો ઉપયોગ કરવા માગતા લોકોએ ઓટોમેટેડ વ્યવસ્થા દ્વારા જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે. નવી વ્યવસ્થા અનુસાર ભારતમાં ૨૦૦ ફૂટથી ઓછી ઊંચાઈએ અને બે કિલોથી ઓછા વજનના ડ્રોનનો ઉપયોગ ઘણી સહેલાઇથી કરી શકાશે.
મોબાઇલમાં પેટા બ્રાન્ડનો નવો ટ્રેન્ડ
છેલ્લાં થોડા સમયથી તમે નવો મોબાઇલ લેવાનું વિચારી રહ્યા હશો તો સારા મોબાઈલની તમારી તપાસમાં એક નવો ટ્રેન્ડ તમે જોયો હશે. એ છે જાણીતી કંપનીઓ દ્વારા પેટા બ્રાન્ડને લોકપ્રિય બનાવવાનો ટ્રેન્ડ.
આમ જુઓ તો આ નવી વાત નથી પરંતુ ભારતીય મોબાઈલ મેન્યુફેકચરિંગ કંપનીઝને તેમાં નિષ્ફળતા મળ્યા પછી હવે ચાઇનીઝ કંપનીઝ એ દિશામાં આગળ વધી રહી છે. હમણાં તમે જોયું હશે કે મોબાઇલ હેન્ડસેટના માર્કેટમાં પોકો, રીયલમી અને ઇનેલો જેવી નવી બ્રાન્ડ હલચલ મચાવવા લાગી છે. થોડા ઊંડા ઉતરીએ તો ખબર પડે કે આ બ્રાન્ડઝ ભારતીય માર્કેટમાં પહેલેથી ખાસ્સી લોકપ્રિય બનેલી બ્રાન્ડની પેટા બ્રાન્ડ છે. જેમ કે પોકો એ ઝાયોમી કંપનીની પેટા બ્રાન્ડ છે, રીયલમી ઓપો કંપનીની પેટા બ્રાન્ડ છે અને ઇનેલો પ્રમાણમાં નવી કંપની આઇવૂમીની પેટા બ્રાન્ડ છે. આ પહેલાં હુવેઈ કંપનીએ ઓનર નામે પેટા બ્રાન્ડને ખાસ્સી લોકપ્રિય બનાવી છે.
ભારતીય કંપનીઝની વાત કરીએ તો લાવા કંપનીએ ઝોલો અને માઇક્રોમેક્સ કંપનીએ યુ નામની પેટા બ્રાન્ડ પોપ્યુલર બનાવવાની કોશિશ કરી હતી.
અને હવે ત્રણ કેમેરાવાળા ફોન!
છેલ્લાં થોડા સમયથી સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરાનું મહત્ત્વ વધી ગયું છે, આવા કેમેરાને કારણે ડીએસએલઆર કેમેરાની જેમ બેકગ્રાઉન્ડ બ્લર્ડ હોય તેવી તસવીરો લઈ શકાય છે પરંતુ હવે સેમસંગ ગેલેક્સી એ-૭ (૨૦૧૮)માં બેકસાઇડ પર ત્રણ કેમેરા જોવા મળશે. આ ત્રણેય કેમેરા લેન્સ ડેપ્થ માટે, વાઇડ એંગલ માટે અને ઓટોફોક્સ માટે ઉપયોગી થશે.
ઇનબોક્સ બંધ થશે
જીમેઈલમાં ધરમૂળથી ફેરફારો કરીને ગૂગલે વર્ષ ૨૦૧૪માં ઇનબોક્સ નામે એક નવી સર્વિસ લોન્ચ કરી હતી પરંતુ લોકોએ તેને ધાર્યો પ્રતિસાદ આપ્યો નહીં. છેવટે ગૂગલે ઇનબોક્સમાં ઉમેરેલાં નવા ફિચર્સ જીમેઇલમાં જ સામેલ કરવાનો નિર્ણય કર્યો. હવે આવેલા સમાચાર અનુસાર માર્ચ ૨૦૧૯માં જીમેઇલ તેની ઇનબોક્સ સર્વિસ બંધ કરી દેશે.
વોટ્સએપે ફરિયાદ નિવારણ અધિકારી નિમ્યા
છેવટે ભારત સરકાર અને વોટ્સએપ વચ્ચેના ગજાગ્રહનો વચલો રસ્તો કાઢવામાં આવ્યો હોય તેવું લાગે છે. ભારતમાં વોટ્સએપથી બનાવટી સમાચારોના ફેલાવા અંગે ભારત સરકારે વોટ્સએપને કેટલીક શરતોનું પાલન કરવાની સૂચના આપી હતી પરંતુ વોટ્સએપે કોઈ વાતે નમતું જોખ્યું ન હતું.
એ પછી ભારતમાં વોટ્સએપ પર પ્રતિબંધ લદાય તેવા સમાચારો વહેતા થયા પછી હવે વોટ્સએપે વચલો રસ્તો કાઢ્યો છે અને ભારત માટે ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરી છે. આ કારણે હવે વોટ્સએપના કોઈ યૂઝર કે ભારત સરકારને વોટ્સએપ સંબંધી કોઈ ફરિયાદ હોય તો grievance_officer_wa@support.whatsapp.com ઇમેઇલ પર ફરિયાદ મોકલી શકાશે.
એ ખાસ નોંધવા જેવું છે કે આ અધિકારી અમેરિકા સ્થિત છે અને માત્ર ભારત માટે છે. એટલે કે વોટ્સએપે ભારતમાં ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવાની ભારત સરકારની સૂચનાનું અધકચરું પાલન કર્યું છે.


