બરાબર દસ વર્ષ પહેલાં, જાન્યુઆરી ૨૦૦૮માં ‘સાયબરસફર’ની એક સાપ્તાહિક અખબારી કોલમ તરીકે શરૂઆત થઈ ત્યારે એટલું નક્કી કર્યું હતું કે તેમાં માત્ર અત્યારે, અબઘડી કામની હોય એવી ટેક્નોલોજીની જ વાત કરીશું, “રસોડામાં રોબોટ શાક સમારી આપશે એવી વાતોને ‘સાયબરસફર’માં નહીં જ મળે.
પરંતુ દસ વર્ષમાં સ્થિતિ કેવી બદલાઈ ગઈ છે એ જુઓ, આ લેખમાં રોબોટ રેસ્ટોરાંની વાત કરવાની થઈ છે કારણ કે એ પણ હવે રોજબરોજની ટેક્નોલોજીની વાત બનવા લાગી છે!
હમણાં તમે કદાચ વોટ્સએપ કે ફેસબુકમાં જોયું-વાંચ્યું હશે કે ચેન્નઈમાં ‘રોબોટ’ નામે એક રેસ્ટોરાં ખૂલી છે (www.robotrestaurant.in), જેમાં વેઇટરનું કામ ચાઇનીઝ રોબોટ્સ કરે છે! અલબત્ત, રોબોટ્સ ફક્ત કિચનમાંથી ડિશીઝ ટેબલ સુધી પહોંચડાવાનું કામ છે, સર્વ કરવાનું કામ માનવ વેઇટર્સ કરે છે.
આ રેસ્ટોરાંના માલિક કહે છે કે ફૂડ બિઝનેસ સતત કશુંક નવું પીરસવાનો છે અને તેમણે ચીનમાં સંખ્યાબંધ રેસ્ટોરાંમાં રોબોટ વેઇટર્સ જોયા હતા એટલે એ કન્સેપ્ટ ભારતમાં લાવવાનો વિચાર આવ્યો.
જેમ અત્યારે આઇટી પ્રોફેશનલ્સની બોલબાલા છે તેમ આવનારાં વર્ષોમાં રોબોટિક્સ સંબંધિત ટેલેન્ટની પણ જબરી માગ ઊભી થશે, પણ આપણું શિક્ષણતંત્ર સમય સાથે ઝડપથી તાલ મિલાવી શકતું નથી.
“ચીનમાં સંખ્યાબંધ રેસ્ટોરાંમાં રોબોટ વેઇટર્સ જોયા એ શબ્દો પર તમે ધ્યાન આપ્યું હતું? ભારતમાં હજી જેની શરૂઆત થઈ છે એ ક્ન્સેપ્ટ ચીન અને જાપાનમાં જૂનો થવા લાગ્યો છે, જ્યાં રોબોટ્સ વેઇટર ઉપરાંત રસોઈયાનું કામ પણ કરવા લાગ્યા છે.
બીજી તરફ અમેરિકામાં, હમણાં મેકડોનલ્ડ્સના શેર ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા કારણ કે જગતભરમાં ફેલાયેલી આ રેસ્ટોરાં ચેઇને તેનાં ૨૫૦૦ લોકેશન્સ પર કેશિયર્સને બદલે ડિજિટલ ઓર્ડરિંગ કિઓસ્ક્સ મૂકવાનો નિર્ણય કર્યો છે જેથી કંપનીનો ખર્ચ ખાસ્સો ઘટશે.
અત્યારે રોબોટ્સનો ઉપયોગ ફક્ત નોવેલ્ટી માટે થઈ રહ્યો છે, પણ ઓટોમેશન અને રોબોટિક્સ કેટલાં વિસ્તરી રહ્યાં છે તેનું આ ઉદાહરણ છે. રોબોટિક્સ, ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે હવે સાયન્સ-ફિક્શન કે દૂરના ભવિષ્યની વાત રહી નથી. આ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે…
- ૨૦૧૯ સુધીમાં જગતના ત્રીજા ભાગના મોટા કોર્પોરેશન્સમાં ચીફ રોબોટિક્સ ઓફિસરની નિમણૂક થવા લાગશે, જે પોતાના બિઝનેસમાં રોબોટ્સનો કારભાર સંભાળશે.
- જેમ અત્યારે સોફ્ટવેર-એઝ-એ-સર્વિસનું ચલણ વધવા લાગ્યું છે તેમ ૨૦૧૯ સુધીમાં જ, ૩૦ ટકા કંપનીઝ રોબોટ્સ ખરીદવાને બદલે રોબોટ-એઝ-એ-સર્વિસ બિઝનેસ મોડેલનો ઉપયોગ કરવા લાગશે.
- રોબોટ્સને કારણે લોકોની નોકરી તો જોખમાશે જ, વ્યક્તિગત સેફ્ટી અને પ્રાઇવસીના મુદ્દાઓ પણ ઊભા થશે એટલે, અત્યારે જેમ ડ્રોનના કાયદા ઘડાવા લાગ્યા છે તેમ ૨૦૧૯ સુધીમાં વિવિધ દેશની સરકારે રોબોટ્સના ઉપયોગ સંબંધિત કાયદા પણ ઘડવાની શરૂઆત કરવી પડશે.
- ૨૦૧૮ના અંત સુધીમાં દુનિયામાં જે નવા રોબોટ્સ ઉમેરાશે તેમાંના ૩૦ ટકા ‘સ્માર્ટ કોલાબોરેટિવ’ રોબોટ્સ હશે, એટલે કે તેઓ માણસ સાથે ખરેખર ખભેખભા મિલાવીને કામ કરી શકશે.
- ૨૦૨૦ સુધીમાં ૬૦ ટકા રોબોટ્સ ક્લાઉડ બેઝ્ડ સોફ્ટવેરથી સંચાલિત હશે એટલે એ બિગ ડેટાની મદદથી સતત નવું નવું શીખતા રહેશે!
આ બધાનો દેખીતો અર્થ એ થયો કે જેમ અત્યારે આઇટી પ્રોફેશનલ્સની બોલબાલા છે તેમ આવનારાં વર્ષોમાં રોબોટિક્સ સંબંધિત ટેલેન્ટની પણ જબરી માગ ઊભી થશે, પણ આપણું શિક્ષણતંત્ર સમય સાથે ઝડપથી તાલ મિલાવી શકતું નથી. મતલબ કે તમે હજી સ્કૂલિંગ પૂરું કરી રહ્યા હો કે એન્જિનીયરિંગ કોલેજમાં પહોંચી ગયા હો, સ્કૂલ-કોલેજમાં જે ભણી રહ્યા હો તે આવનારા સમય માટે અપૂરતું સાબિત થવાનું છે. તમારે જાતે જ તૈયારી કરવી પડશે. એ માટે આ અંકની કવર સ્ટોરી તરફ પૂરતું ધ્યાન આપજો!

