એપ્સ વિના સ્માર્ટફોન સ્માર્ટ રહેતા નથી એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ વિવિધ એપ્સ હવે આપણી એટલી બધી ઇન્ફર્મેશન માગવા લાગી છે કે આપણે ફોનમાં નવી એપ ઇન્સ્ટોલ કરતાં પહેલાં ખરેખર ચાર વાર વિચાર કરવો પડે.
સામાન્ય રીતે આપણને નવી એપનો ઉપયોગ કરવાની એટલી બધી તાલાવેલી હોય છે કે એ એપ કેવા પ્રકારની મંજૂરી માંગી રહી છે એમાં ઊંડા ઉતરવાને બદલે બધાં પ્રકારની મંજૂરી માટેની વિનંતી સ્વીકારી લેતાં ‘આઇ એક્સેપ્ટ’ પર ક્લિક કરી દેતાં હોઈએ છીએ, પરંતુ આવી રીતે આંખ મીંચીને મંજૂરીઓ આપવી યોગ્ય છે?
હમણાં સિમેન્ટેક નામની એક જાણીતી એન્ટિવાયરસ કંપનીએ ગૂગલ પ્લે અને એપલના એપ સ્ટોરમાં ટોપ ૧૦૦ એપ્સનો એક સર્વે કરીને એ જાણવાની કોશિશ કરી કે આ એપ્સ આપણી કઈ કઈ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. એ માટે કંપનીએ આપણી ઓળખ છતી કરે તેવી પર્સનલ આઇડેન્ટિફાયેબલ ઇન્ફર્મેશન કઈ કઈ એપ મેળવે છે તેની પણ તપાસ કરી જેમાં આપણા ફોન નંબર, ઇમેઇલ એડ્રેસ, યૂઝર નેમ અને સરનામાંનો સમાવેશ થાય છે.
આ સર્વેના પરિણામો અનુસાર :
- એન્ડ્રોઇડની ૯ ટકા એપ્સ અને આઇફોનની ૧૨ ટકા એપ્સ આપણો ફોન નંબર જાણી શકે છે.
- એન્ડ્રોઇડની ૪૪ ટકા એપ્સ અને આઇઓએસની ૪૮ ટકા એપ્સ આપણું ઇમેઇલ એડ્રેસ જાણી શકે છે.
- એન્ડ્રોઇડની ૩૦ ટકા એપ્સ અને આઇઓએસની ૩૩ ટકા એપ્સ આપણા યૂઝરનેમ જાણી શકે છે.
- એન્ડ્રોઇડની ૫ ટકા એપ્સ તથા આઇઓએસની ૪ ટકા એપ્સ આપણું સરનામું જાણી શકે છે.
આ ઉપરાંત આ અભ્યાસમાં, આપણા માટે જોખમી બની શકે એ રીતે, સ્માર્ટફોનમાંની યૂઝરની અંગત માહિતી કે સ્ટોર કરેલા ડેટાને એપ્સ કેટલા પ્રમાણમાં એક્સેસ કરે છે એ પણ તપાસવામાં આવ્યું. તેનાં પરિણામો કંઈક આવાં જોવા મળ્યાં…
- એન્ડ્રોઇડની ૪૫ ટકા એપ્સ અને આઇફોનની ૨૫ ટકા એપ્સ આપણું લોકેશન ટ્રેક કરે છે.
- એન્ડ્રોઇડની ૪૬ ટકા એપ્સ અને આઇઓએસની ૨૫ ટકા એપ્સ આપણો કેમેરા એક્સેસ કરે છે.
- એન્ડ્રોઇડની ૨૫ ટકા એપ્સ, ફોન કોલનો લોગ વાંચી શકે છે, આઇઓએસ માટે આ વિગતો ઉપલબ્ધ નથી.
- એન્ડ્રોઇડની ૧૫ ટકા એપ્સ આપણા એસએમએસ મેસેજ વાંચી શકે છે, આ વિગત પણ આઇઓએસ પર ઉપલબ્ધ નથી.
આપણે એટલું જરૂર નોંધવું જોઈએ કે કોઈ એપ આપણી અંગત માહિતી એક્સેસ કરવાની મંજૂરી માગતી હોય તો એનો ઇરાદો ખરાબ જ હોય તેવું જરૂરી નથી. જેમ કે આપણે રોજેરોજ કેટલું ચાલીએ છીએ એનો ટ્રેક રાખવા માટે આપણે કોઈ ફિટનેસ એપ ડાઉનલોડ કરી હોય તો એ એપ આપણા લોકેશન ટ્રેકિંગની મંજૂરી માગવાની જ છે – એના વિના એ કામ જ નહીં કરી શકે.
માત્ર, આપણે પોતે એ નક્કી કરવાનું છે કે આપણે કઈ એપને કેવી મંજૂરી આપવા માગીએ છીએ. જેમ કે, પોતાના સ્માર્ટફોનમાં કોઈ પણ નવી એપ ઇન્સ્ટોલ કરતી વખતે આપણે પોતાની જાતને બે-ત્રણ સવાલ અચૂક પૂછવા જોઈએ…
- આ એપ મારી કઈ ઇન્ફર્મેશન અને પરમિશન માગે છે?
- એ એપ મારે માટે ખરેખર એટલી મહત્ત્વની છે કે મારી અંગત માહિતી આપીને પણ તેનો ઉપયોગ મારે માટે જરૂરી છે?
- એ એપ જે મંજૂરીઓ માગે છે, તેની તેને ખરેખર જરૂર છે ખરી?
આ તો ફોનમાં એપ ઇન્સ્ટોલ કરતાં પહેલાં વિચારવાની વાત થઈ, પરંતુ એપ ઇન્સ્ટોલ કરી લીધી હોય, તેને મંજૂરીઓ આપી દીધી હોય તો એ પછી પણ તમે આ મંજૂરીઓ વિશે ફરી વિચાર કરીને, અયોગ્ય લાગે તેવી મંજૂરીઓ પાછી ખેંચી શકો છો. એ માટે તમારા ફોનમાં એન્ડ્રોઇડનું ૬.૦ કે ત્યાર પછીનું વર્ઝન હોવું જરૂરી છે.
એન્ડ્રોઇડમાં સેટિંગ્સમાં જાઓ અને તેમાં એપ્સમાં જાઓ. અહીં તમે વિવિધ એપનાં પેજ ઓપન કરીને, તેને કઈ કઈ મંજૂરી આપી છે તે તપાસી શકો છો અને ઇચ્છો તો તેમાં ફેરફાર કરી શકો છો. અમુક એપ માટે, અમુક મંજૂરી મળવી અનિવાર્ય હોય અને આપણે તેને નકારી દઈએ તો પછી એ એપ યોગ્ય રીતે કામ આપશે નહીં, પરંતુ કોઈ ન્યૂઝપેપરની એપે આપણી પાસે આપણા કોન્ટેક્ટ્સ એક્સેસ કરવાની મંજૂરી માગી હોય તો એ આપણે નકારી શકીએ છીએ. તેનાથી, જો એપ સારી રીતે ડેવલપ થયેલી હશે તો તેની કામગીરીમાં કોઈ ફેર પડશે નહીં.
આમ, એપ્સ આપણા સ્માર્ટફોનને સ્માર્ટ બનાવે છે એ વાત સાચી, પણ આવી એપ્સને કઈ કઈ મંજૂરી આપવી તે આપણે નક્કી કરી શકીએ છીએ અને તે આપણે નક્કી કરવું જ જોઈએ!


