(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ!

જો તમે વિદ્યાર્થી, શિક્ષક,  સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા ઇચ્છતાં મમ્મી-પપ્પા કે નવા જમાનાનાં દાદા-દાદી હો તો આ લેખ ધ્યાનથી વાંચજો.

રોજેરોજ વિદ્યાર્થીઓના છથી સાત કલાક સ્કૂલમાં પસાર થતા હોય છે. ઘરે આવ્યા પછી થોડો સમય રમવામાં કે ઇત્તર પ્રવૃત્તિમાં જાય અને ત્રણેક કલાક હોમવર્ક કરવામાં થાય.

વિદ્યાર્થી જ્યારે હોમવર્ક કરવા બેસે ત્યારે તેણે મોટા ભાગે નીચેની સ્થિતિઓનો સામનો કરીને, એ મુજબ નિર્ણય કરવાના થાય :

  • જે હોમવર્ક કરવાનું છે, એ આવડે છે? જો હા, તો આગળ વધો અને ફટાફટ હોમવર્ક પૂરું કરો. જો ના, તો બીજો સવાલ ઊભો થાય.
  • હોમવર્ક કેમ પૂરું કરવું એ કોઈક રીતે, જાતે શીખી શકાશે? ફરી, જો હા, તો હોમવર્કમાં પૂછેલા સવાલોના જવાબ શોધી કાઢો અને કામ પૂરું કરો. જો જાતે શીખતાં ન આવડે, તો હવે મહત્ત્વનો સવાલ આવે છે.
  • હોમવર્કમાં જે પૂછ્યું છે, એ ન શીખીએ તો પરીક્ષામાં માર્કમાં ફેર પડશે? જો ના, તો શીખવાની વાત જ જવા દો. એ નહીં શીખીએ તો ચાલશે. પણ જો માર્ક બગડે તેમ હોય, તો એક જ રસ્તો છે – ક્યાંકથી જવાબ શોધીને બેઠ્ઠી કોપી ઠપકારી દો!

જે વિદ્યાર્થી અભ્યાસમાં તેજસ્વી ન હોય એ મોટા ભાગે આ છેલ્લી સ્થિતિએ જ પહોંચતા હોય છે અને તેઓ જે શીખવાનું છે એ બરાબર શીખ્યા-સમજ્યા વિના, ક્યાંકથી જવાબ શોધીને કોપી કરી લે છે. હવે આની અસર શી થાય છે એ જુઓ :

હોમવર્ક પૂરું થયેલું હોવાથી ટીચરને ખ્યાલ પણ નથી આવતો કે વિદ્યાર્થીને જે તે મુદ્દો બરાબર સમજાયો નથી. એટલે તેમને એ વિદ્યાર્થી પર વધુ ધ્યાન આપવાની જરૂર લાગતી નથી.

પરિણામે, પરીક્ષામાં એ જ સવાલ જરાક ટ્વીસ્ટ કરીને પૂછવામાં આવે તો વિદ્યાર્થી ગોથાં ખાય છે.

જો નસીબજોગે સવાલ ટ્વીસ્ટ કર્યા વિના પૂછવામાં આવે અને વિદ્યાર્થીને અગાઉ કોપી કરેલો જવાબ યાદ રહી ગયો હોય, તો તેને બીજા કરતાં વધુ માર્ક મળી જાય છે અને બીજાને અન્યાય થાય છે.

જે વિદ્યાર્થી અભ્યાસમાં તેજસ્વી ન હોય એ મોટા ભાગે,  હોમવર્ક કરતી વખતે જે શીખવાનું છે એ બરાબર શીખ્યા-સમજ્યા વિના, ક્યાંકથી જવાબ શોધીને કોપી કરી લે છે.  જેની લાંબા ગાળે બહુ ખરાબ અસર થાય છે.

આ, દુનિયા આખીની શિક્ષણપદ્ધતિની નબળાઈ છે. તેના ઉપાય તરીકે શાળામાં શિક્ષણપદ્ધતિ અને પરીક્ષાપદ્ધતિમાં ફેરફારો કરવાના પ્રયાસો થતા રહે છે.

પરંતુ શાળાની શિક્ષણપદ્ધતિ અને પરીક્ષાપદ્ધતિ – આ બંને બાબત આપણા અંકુશ બહારની છે. ફક્ત, જ્યારે વિદ્યાર્થીએ જાતે શીખવાનો મુદ્દો આવે ત્યારે ઘણી શક્યતાઓ છે.

વિદ્યાર્થી કાં તો ટ્યુશનના સરને પૂછી શકે, બીજા હોશિયાર વિદ્યાર્થી કે મમ્મી-પપ્પાની મદદ લઈ શકે. એ કોઈ તરફથી મદદ ન મળે ત્યારે અથવા તો પહેલેથી, વિદ્યાર્થી ઇન્ટરનેટ તરફ વળે છે અને પૂછે છે ગૂગલગુરુને!


ગૂગલ ઘણું બધું જાણે છે એ ખરું, પણ એ વિદ્યાર્થીને મૂંઝવતા દરેક સવાલના ફટાફટ જવાબ આપી શકે છે એવું નથી.

હોમવર્ક માટે ગૂગલને શરણે જતા ઘણા ખરા વિદ્યાર્થીઓનો અનુભવ હોય છે કે તેઓ જે જવાબ શોધી રહ્યા હોય છે તેનાં રિઝલ્ટ તો ઘણાં મળે છે, પણ જોઈતો જવાબ સહેલાઈથી મળતો નથી. મેથ્સને લગતા સવાલોમાં તો ખાસ એવું થાય છે.

વિદ્યાર્થીને એક તો સમયસર હોમવર્ક પૂરું કરવાનું ટેન્શન હોય, ઉપરથી એ આવડતું ન હોય એની ઉપાધિ હોય અને ગૂગલને પૂછવા છતાં જોઈતા જવાબ ન મળવાથી એનો તણાવ ઓર વધે! કેટલાંક પેજ પર જઈને જવાબ શોધવો?

આજના સમયના લગભગ દરેક વિદ્યાર્થીની આ તકલીફ છે અને તેને કારણે તેના લાંબા ગાળાના શિક્ષણ પર ગંભીર અસર થાય છે. સોક્રેટિક (socratic.org) નામની એક એપ-વેબસર્વિસ આ તકલીફનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે.

આ વેબસર્વિસનું લક્ષ્ય બહુ સરળ છે – જ્યારે પણ કોઈ વિદ્યાર્થી હોમવર્ક કે સ્ટડી કરી રહ્યો હોય ત્યારે તે જ્યાં અટકે ત્યાં તેને મદદરૂપ થવું.

જોકે મદદરૂપ થવાનો અર્થ એ નથી કે તેને જોઈતા જવાબો કોપી કરવા માટે આપી દેવા. એવું કરવાને બદલે, જે તે મુદ્દો વિદ્યાર્થી બરાબર સમજી શકે એ માટે, તેને તેને સંબંધિત વધુમાં વધુ, છતાં શક્ય એટલી સચોટ અને ટૂંકી માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વેબસર્વિસ બે રીતે કામ કરે છે:

  1. તેના પર દુનિયાભરના લોકો-વિદ્યાર્થીઓ વિવિધ સવાલો પૂછે છે અને જવાબો પણ આપે છે. કોઈ પણ વ્યક્તિ આ સવાલ-જવાબ ટોપિક મુજબ સર્ચ કરી શકે છે.
  2. આ ડેટાબેઝ ઉપરાંત, સવાલને અનુરૂપ, આખા ઇન્ટરનેટ પરની અન્ય સાઇટ્સ પણ તારવી આપવામાં આવે છે.

આ મજાની વેબસર્વિસનો બે રીતે ઉપયોગ કરી શકાય છે:

  1. પીસી પર, અને
  2. એન્ડ્રોઇડ કે એપલ ડિવાઇસમાં એપ સ્વરૂપે

આ બંને રીતમાં, તેના ઉપયોગ થોડા થોડા જુદા છે.

પીસી પર સોક્રેટિકનો ઉપયોગ

જેમ કે, પીસી પર વેબ બ્રાઉઝરમાં તમે તેની સાઇટ ઓપન કરશો તો સર્ચ બોક્સમાં સવાલ લખતાં, સોક્રેટિક પર જે લોકોએ જવાબો આપ્યા હશે તેમાંથી તમારો જવાબ જાણી શકશો.

સોક્રેટિક પર મુખ્યત્વે ટીચર્સ અને ટીચિંગમાં રસ ધરાવતા લોકો એક્ટિવ છે અને તેમની સંખ્યા સતત વધી રહી છે, એટલે તમને જોઈતો જવાબ મળવાના ચાન્સ સતત વધતા જાય છે. સાઇટ પર ટોપિક મુજબ સર્ચ કરી શકાય છે.

ફોનમાં સોક્રેટિકનો ઉપયોગ

સ્માર્ટફોનમાં સોક્રેટિકની મજા અલગ જ છે. આ એપ તમે ઓપન કરશો એટલે તે ફોનનો કેમેરા ઓપન કરશે. તમને જે જવાબ મૂંઝવતો હોય તે પ્રિન્ટેડ સ્વરૂપે, ઇંગ્લિશમાં તમારી સામે હોય તો એ સવાલને સ્કેન કરી લો. ચાહો તો તમે સવાલ ટાઇપ પણ કરી શકો છો.

સવાલ સ્કેન કરવાની સગવડ મેથ્સના દાખલા માટે બહુ ઉપયોગી છે કારણ કે તેની ફોર્મ્યુલા પીસી કે સ્માર્ટફોનમાં ટાઇપ કરવી મુશ્કેલ હોય છે. તમને યાદ હશે કે અગાઉ, આપણે ફોટોમેથ નામની આવી જ એક એપની વાત કરી ગયા છીએ.

ગણિતના સવાલો

જો આપણે કોઈ દાખલો સ્કેન કરીએ તો આ એપ તેનો જવાબ, જવાબ સુધી પહોંચવાની આખી પદ્ધતિ સાથે આપણને બતાવે છે.

‘આ તો જવાબ ગૂગલ કરીને કોપી કરવાની જ વાત નથી?’ એવો તમને વિચાર આવ્યો? તો આગળ વાંચો!

આ એપનો મોટો ફાયદો એ છે કે તે દાખલાના જવાબ સુધી પહોંચવાની આખી પદ્ધતિના દરેક તબક્કે, આ સ્ટેપ શા માટે કરવામાં આવ્યું, તેની સમજૂતી પણ આપે છે.

દરેક ગણિત શિક્ષક એ વાતે સંમત થશે કે ગણિતના દરેક દાખલાનો ઉદ્દેશ માત્ર જવાબ શોધવાનો હોતો નથી. તેનો ખરો ઉદ્દેશ તો એ પ્રકારના કોઈ પણ દાખલાનો વિદ્યાર્થી જવાબ આપી શકે તેવી પદ્ધતિ શીખવવાનો હોય છે. ગણિત આપણને શીખતાં શીખવે છે.

સોક્રેટિક એપ આ કામ રીતસર, એક શિક્ષકની જેમ કરી આપે છે.

અન્ય સવાલો

ગણિત સિવાયના સવાલો પણ તમે ચાહો તો કેમેરાથી સ્કેન કરી શકો છો, અથવા જાતે ટાઇપ કરી શકો છો. આપણે સવાલ પૂછ્યા પછી, એપ જુદા જુદા કાર્ડ સ્વરૂપે તેના જવાબ અને સંબંધિત માહિતી આપતા વિવિધ સ્રોત બતાવે છે.

આ દરેક કાર્ડ બ્રાઉઝરમાંના વેબપેજની જ ગરજ સારે છે. એટલે કે કોઈ સવાલના જવાબમાં, ડિક્શનરીની સાઇટ પર એ શબ્દનો અર્થ ધરાવતું કાર્ડ એપ બતાવે તો ત્યાંથી જ, એપમાંથી જ ડિક્શનરી સાઇટનું આખેઆખું પેજ આપણે જોઈ-સ્ક્રોલ કરી શકીએ છીએ.

ઉદાહરણ તરીકે, આપણે સોક્રેટિક એપને ગ્રીનહાઉસ ઇફેક્ટને લગતો કોઈ સવાલ પૂછીએ તો એ નીચેનાં વિવિધ કાર્ડ આપણને બતાવે છે:

  1. સોક્રેટિકના પોતાના ડેટાબેઝમાંથી, ગ્રીનહાઉસ ઇફેક્ટ શું છે તેનો જવાબ
  2. આ જ પ્રકારની ક્વિઝલેટ નામની એક વેબસાઇટ (જેના વિશે આપણે સાયબરસફરના માર્ચ ૨૦૧૩ અંકમાં વાત કરી હતી) પરથી, ક્લાઇમેટ ચેન્જની બે સારી અને બે નરસી અસરો દર્શાવતું વેબવેજ
  3. ગ્રીનહાઉસ ઇફેક્ટનાં તમામ પાસાં, ટૂંકમાં અને મુદ્દાસર, ઇમેજ સાથે સમજાવતું પેજ
  4. વિવિધ વીડિયોની ઇમેજ સાથે લિંક્સ
  5. ગ્રીનહાઉસ ઇફેક્ટની માત્ર વ્યાખ્યા બતાવતું પેજ
  6. છેવટે, હજી વધુ જાણવું હોય તો સર્ચ બોક્સમાં આપણા સવાલ સાથે ગૂગલનું પેજ!

જો આપણે આ જ સવાલ ડાયરેક્ટ ગૂગલને પૂછ્યો હોત તો અંતે તો આ જ બધાં પેજ સુધી પહોંચ્યા હોત, પણ એ માટે આપણે જુદી જુદી ઘણી લિંક્સ તપાસીને સમય વેડફવો પડ્યો હોત. એ કસરત આપણા વતી સોક્રેટિક કરે છે.

આજની સ્માર્ટ ટેક્નોલોજીને કારણે વિદ્યાર્થીઓની જાતે શીખવાની પદ્ધતિ ઘણી બદલાઈ રહી છે. એ બીજા કોઈ વિદ્યાર્થી પાસેથી તેણે લખેલા જવાબનો ફોટો વોટ્સએપ પર મંગાવીને પોતે કોપી કરી લે તેના કરતાં, આવી કોઈ એપ પર, બહુ સમય બગાડ્યા વિના જવાબ શોધવાનો પ્રયાસ કરે તો, જે મુદ્દો તેને મૂંઝવતો હશે એના વિશે એ ચોક્કસ ઘણું વધુ જાણી શકશે.

જો તમારા પરિવારમાં કોઈ પણ વિદ્યાર્થી હોય અને તે સ્કૂલમાં મળતા શિક્ષણથી ઘણો આગળ વધે અને સ્માર્ટફોન-ઇન્ટરનેટનો સાચો ઉપયોગ કરતાં શીખે એવું ઇચ્છતા હો, તો તમારા સ્માર્ટફોનમાં આ એપ અચૂક હોવી જોઈએ!

હા, અહીંથી પણ એ જવાબોની બેઠ્ઠી નકલ ન કરે, પણ જાતે વધુ જાણે એ જોવાની જવાબદારી મમ્મી અને પપ્પાની!

ધારો કે આપણે આ એપને સાપેક્ષવાદ એટલે કે થિયરી ઓફ રિલેટિવિટી વિશે પૂછ્યું. હવે શું થશે એ જુઓ…

એપ અલગ અલગ કાર્ડમાં તેને લગતી માહિતી આપશે. જેમ કે, પહેલાં એપના ડેટાબેઝમાંથી જવાબ શોધી આપશે.

બીજા કાર્ડમાં, વિકિપીડિયા પર તેને લગતો લેખ શોધી આપશે. આ લેખ અહીં જ વાંચી શકાશે, બીજે ક્યાંય જવાની જરૂર નથી.

ત્રીજા કાર્ડમાં, ડિક્શનરીની સાઇટ પર ‘રિલેટિવિટી’ શબ્દનો અર્થ સમજાવતું પેજ ખોલી આપશે.

હિસ્ટ્રીની જાણીતી વેબસાઇટ પર આઇન્સ્ટાઇનની આ જાણીતી થિયરીનાં અજાણ્યાં પાસાંનો લેખ પણ બતાવશે.

હજી સંતોષ ન હોય, આ એપ વધુ એક કાર્ડમાં, આપણે પૂછેલી વાત ગૂગલ પર સર્ચ કરીને તેનં રિઝલ્ટ્સ બતાવશે!

ગણિતના દાખલા માટે, એ દાખલો એપની મદદથી સ્કેન કરો અને દાખલા સિવાયનો બાકીનો ભાગ ક્રોપ કરી લો.

આ એપ આપણને આ દાખલો ઉકેલવાનાં જુદાં જુદાં સ્ટેપ્સ બતાવશે. વચ્ચે વચ્ચે મહત્ત્વના મુદ્દા તરફ ધ્યાન પણ દોરશે.

જે સ્ટેપ ન સમજાય તેને માટે ‘હિંટ’ પર ક્લિક કરતાં, એ સ્ટેપ શા માટે કરવામાં આવ્યું તેની મુદ્દાસર સમજ મળશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!