ભારતમાં ચોમાસું હંમેશા અણધારી મુસીબતો લાવતું હોય છે. કેરળમાં ભારે પૂર પછી વિદાય લઈ રહેલાં ચોમાસા દરમિયાન કેરળ અને ઉત્તર ભારતમાં ફરી પૂર પ્રકોપ સર્જાયો છે. પૂરને કારણે વધુ નુકસાન થવાનું કારણ એ છે કે પૂરની સચોટ આગાહી થઈ શકતી નથી. વિશ્વમાં દર વર્ષે અંદાજે ૨૫ કરોડ લોકોને પૂરની ગંભીર અસર પહોંચતી હોય છે અને અબજો રૂપિયા-ડોલરનું નુકસાન થતું હોય છે.
ભારતમાં આ સ્થિતિના નિવારણ માટે ભારત સરકાર અને ગૂગલ સાથે મળીને એક નવો પ્રયાસ કરી રહ્યા છે. જે મુજબ ભારત સરકાર તરફથી વરસાદના ઐતિહાસિક આંકડા નદીઓમાં થતી પાણીની વધઘટના આંકડા તથા અલગ અલગ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિની વિગતો ગૂગલને આપવામાં આવશે. ગૂગલ આ બધી વિગતો તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કમ્પ્યુટર મોડેલ્સમાં ફીડ કરશે અને તેને આધારે દરેક વિસ્તાર માટે વિવિધ મેપ્સ અને લાખોની સંખ્યામાં સિમ્યુલેશન્સ તૈયાર કરવામાં આવશે, જેને આધારે જે તે વિસ્તારમાં આવી રહેલા પૂરની ઘણે અંશે સચોટ આગાહી થઈ શકશે.
ગૂગલે ભારતમાં આવી ફ્લડ ફોરકાસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ શરૂ કરી દીધો છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે પૂરને કારણે જેટલી જાનહાનિ થાય છે તેમાંથી લગભગ ૨૦ ટકા માત્ર ભારતમાં થાય છે. ગૂગલે ભારતમાં સેન્ટ્રલ વોટર કમિશન સાથે જોડાણ કરીને તેની પાસેથી વિવિધ ડેટા મેળવવાની શરૂઆત કરી છે.
ગૂગલે તેના બ્લોગમાં, હૈદ્રાબાદમાં એક નદીમાં સર્જાઈ રહેલા પૂરની સ્થિતિનું સિમ્યુલેશન દર્શાવ્યું છે અને તેને પબ્લિક ડેટાથી સર્જાતા સિમ્યુલેશન સાથે સરખાવીને, ગૂગલને ઉપલબ્ધ વધુ સચોટ ડેટા અને એઆઇથી સિમ્યુલેશન કેટલી વધુ માહિતી આપી શકે છે તે દશાવ્યું છે.
આ સિમ્યુલેશન જુઓ અહીં:
https://india.googleblog.com/2018/09/keeping-people-safe-with-ai-enabled.html

