‘’સિકંદર ને પોરસ સે કી થી લડાઈ, જો કી થી લડાઈ તો મેં ક્યા કરું…!’’ તમે કદાચ આ ગીત સાંભળ્યું હશે. છેક ૧૯૬૨માં રીલિઝ થયેલી ફિલ્મ અનપઢના આ ગીતના શબ્દોમાં ઇતિહાસની ઘટનાઓને ગોખવા સામેની જે અકળામણ છે, એ અત્યાર સુધી યથાવત રહી છે. અત્યારે પરીક્ષાના દિવસો ચાલી રહ્યા છે એટલે ઘર ઘરમાં સોશિયલ સ્ટડીઝનું પેપર નજીક આવતાં જ ઇતિહાસ ગોખીને શીખવા સામેની અકળામણ ઠલવાતી હશે.
હવે કદાચ, વર્ષો સુધી અસરકારક રહેલું આ ગીત એની અસર ગુમાવશે. ઇતિહાસ ગોખવા સામેની અકળામણ પણ ઓછી થશે કારણ કે ઇતિહાસ ગોખવાનો નહીં પણ અનુભવવાનો વિષય બનશેજો તમે નવા ગૂગલ અર્થ પ્રોગ્રામનો પૂરો લાભ લેતા થયા હશો તો તેમાં વોયેજર નામની એક સુવિધા તમારી નજરમાં આવી હશે. હજી હમણાં જ જેની તારીખ વીતી ગઈ એ ગાંધીજીની દાંડીકૂચને, ગૂગલ અર્થમાં આ વોયેજર સુવિધાની મદદથી આપણે ખાસ્સી જીવંત કરી શકીએ છીએ, એ વાત આપણે અગાઉ કરી ગયા છીએ (અર્થ હવે સ્માર્ટફોનમાં એપ સ્વરૂપે ઇન્સ્ટોલ કરી શકાય છે એ વાત પણ તમે જાણતા હશો).
એ જ વોયેજરમાં, ભારતનો ઇતિહાસ જીવંત કરવાનો એક નવો પ્રોજેક્ટ શરૂ થયો છે.
અમેરિકામાં વસતા કેટલાક ભારતીયોએ ભારતને સો ટકા સાક્ષર બનાવવાના લક્ષ્ય સાથે, ઇન્ડિયા લિટરસી પ્રોજેક્ટ નામે એક સંસ્થા રચી છે. તેણે ગૂગલ અર્થ ટીમનો સંપર્ક કરીને, ભારતનાં બાળકો માટે સોશિયલ સ્ટડીઝને સંબંધિત ઇન્ટરએક્ટિવ કન્ટેન્ટ વિક્સાવવાની વિનંતી કરી. એના જવાબમાં, પ્રારંભમાં કર્ણાટક, તમિલનાડુ, તેલંગણા અને આંધ્ર પ્રદેશની શાળાઓના અભ્યાસક્રમમાં આવતી બાબતોને ગૂગલ અર્થના વોયેજર ટૂલમાં આવરી લેવાઈ છે.
પરિણામે આ રાજ્યોનાં બાળકો દક્ષિણ ભારતનાં ઐતિહાસિક સામ્રાજ્યો, નદીઓ, સંસ્કૃતિ વગેરે વિશે મેપ્સ, ૩ડી એક્સપીરીયન્સીઝ, ટેક્સ્ટ વગેરે ઇન્ટરએક્ટિવ કન્ટેન્ટની મદદથી શીખી શકશે!
અત્યારે ૧૫ શાળાઓમાં, સાતમા ધોરણનાં ચાર પ્રકરણનું કન્ટેન્ટ આ રીતે જીવંત કરતો એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે. ઇન્ડિયન લિટરસી પ્રોજેક્ટ સંસ્થાએ ૪૦૦ શિક્ષકોને આ નવા પ્રકારની પદ્ધતિથી બાળકોના ઇતિહાસ શિક્ષણને રોમાંચક કેવી રીતે બનાવાય તેની તાલીમ પણ આપી.
આવતા વર્ષ સુધીમાં આ ચારેય રાજ્યોની ૨,૦૦૦ શાળાઓમાં પાંચેક લાખ બાળકો આ રીતે ઇતિહાસનો અનુભવ કરીને તેને શીખતાં થઈ જશે એવો અંદાજ છે.
એક તરફ આપણા દેશની ઘણી શાળાઓનાં બાળકો વેકેશન પડતાંવેંત દુબઈ-સિંગાપોર, થાઇલેન્ડ કે યુરોપની ટુર પર જઈ શકે છે. હાથમાં આઇપેડ સાથે જન્મેલાં આ બાળકો માટે દુનિયા બહુ નાની થઈ ગઈ છે, પણ સામી બાજુ એવાં પણ અસંખ્ય બાળકો છે જેમણે નજીકનું બીજું ગામ પણ જોયું હોતું નથી.
જો શાળાઓ સુધી કમ્પ્યુટર અને ઇન્ટરનેટ પહોંચાડ્યા પછી, ઇન્ટરનેટની ખરી શક્તિનો પૂરો ઉપયોગ કરીને શિક્ષણને ખરેખર રસપ્રદ બનાવતા આવા પ્રોજેક્ટ દેશભરમાં અને ખૂણે ખૂણાની શાળાઓ સુધી પહોંચે, અને શિક્ષકોને તેના યોગ્ય ઉપયોગની તાલીમ અને પ્રોત્સાહન મળે તો શાળાઓ ખરા અર્થમાં વિદ્યામંદિર બને અને વિદ્યાર્થીઓની ક્ષિતિજો ખરેખર વિસ્તરે!
આવા પ્રોજેક્ટ આપણા ગુજરાતમાં ઝડપથી પહોંચે એવી પ્રાર્થના!
(આપણે મે ૨૦૧૭ અંકમાં નવા ગૂગલ અર્થ વિશે અને સપ્ટેમ્બર ૨૦૧૭ના અંકમાં વોયેજરમાં દાંડીકૂચની વાત કરી છે,એ તરફ ફરી નજર દોડાવજો!)

