લાંબા સમયથી જેની શક્યતાઓ દેખાઈ રહી હતી એ વાત હવે અમલમાં મૂકાઈ ગઈ છે. ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે ઇન્ડિયન રેલવેઝમાં ભીમ યુપીઆઈ એપથી બુકિંગ કરી શકાય એવી સુવિધા પહેલી ડિસેમ્બર ૨૦૧૭થી શરૂ થઈ ગઈ છે.
આઇઆરસીટીસીની વેબસાઇટ પર ઇ-ટિકિટનું બુકિંગ કરાવતી વખતે ઓનલાઇન પેમેન્ટના બીજા વિકલ્પો ઉપરાંત ભીમ એપથી પેમેન્ટ કરી શકાય એવી સુવિધા તો છે જ, હવે રેલવે સ્ટેશનના બુકિંગ કાઉન્ટર પર પણ ભીમ એપથી પેમેન્ટ થઈ શકે તેવી શરૂઆત થઈ શકે છે.
જો તમે ભીમ એપનો ઉપયોગ કરતા હો અને કોઈ કારણસર ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવવાને બદલે રેલવે સ્ટેશનના કાઉન્ટર પર જઈને ટિકિટ બુક કરાવવા ઇચ્છતા હો તો હવે નીચેનાં પગલાં લઈને ભીમ એપથી પેમેન્ટ કરી શકાશે.
- ટિકિટ કાઉન્ટર પર જાઓ અને તમારે જે ટ્રેનમાં બુકિંગ કરાવવાનું હોય તેની વિગતો તથા મુસાફરોની સંખ્યા કાઉન્ટર પરના રેલવે કર્મચારીને જણાવો.
- કાઉન્ટર પરના કર્મચારી આ વિગતો પોતાના કમ્પ્યુટરમાં ફીડ કરીને પેમેન્ટ ઓપ્શન તરીકે યુપીઆઈ પસંદ કરશે અને તમને તમારું વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (વીપીએ) જણાવવા કહેશે.
- તમે તમારું વીપીઆઈ જણાવશો એટલે રેલવે કર્મચારી કમ્પ્યુટરમાં આ વિગત ફીડ કરીને ટ્રાન્ઝેકશનની પ્રક્રિયા આગળ ધપાવશે.
- તમને તમારા સ્માર્ટફોનમાંની ભીમ એપમાં રેલવે તરફથી પેમેન્ટ રીકવેસ્ટ આવશે. તમે આ રીકવેસ્ટ સ્વીકારશો એટલે તરત જ તમારા ખાતામાંથી રકમ ઉધાર થશે અને રેલવેના ખાતામાં જમા થઈ જશે.
- રકમની આપ-લે આ રીતે પૂરી થતાં કાઉન્ટર પરના કર્મચારી તમારી ટિકિટની પ્રિન્ટ-આઉટ તમને આપશે.
સુવિધા ઉપયોગી તો છે, પણ…
ભીમ એપ ઉપયોગમાં અત્યંત સરળ છે પરંતુ લોકોમાં હજી પણ યુપીઆઇના ઉપયોગ વિશે ગૂંચવણો જોવા મળે છે. ઉપરાંત કાઉન્ટર પરના રેલવે કર્મચારીઓ યુપીઆઇથી પેમેન્ટ વિશે કેટલા માહિતગાર છે એ પણ એક મોટો પ્રશ્ન છે. એ જોતાં આ પદ્ધતિ રોકડાથી ટિકિટ બુક કરાવવા જેટલી ચલણી બનતા હજી ઘણી વાર લાગશે.

