(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મહેનતનાં મીઠાં ને ઝડપી ફળ આપતાં સ્ટાર્ટ-અપ્સ

છેલ્લાં કેટલાંક વર્ષથી, અખબારોમાં અને બિઝનેસ સર્કલ્સમાં એક શબ્દ બહુ ગાજે છે – સ્ટાર્ટ-અપ! ‘ફલાણી કંપનીની શરૂઆત સાવ નાના પાયે થઈ હતી અને આજે એ કરોડો રૂપિયામાં વેચાઈ’ એવી વાતો પણ સ્ટાર્ટ-અપના સંદર્ભમાં આપણે ઘણી વાર સાંભળીએ છીએ.

અત્યાર સુધી આપણે જે ઉદ્યોગપતિઓ કે બિઝનેસમેનની વાતો સાંભળી હતી – રીલાયન્સના ધીરુભાઈ અંબાણી, નિરમાના કરસનભાઈ પટેલ કે ટોરેન્ટ ગ્રૂપના યુ. એન. મહેતા જેવા – એ બધાએ પણ સાવ નાના પાયે પોતપોતાના બિઝનેસની શરૂઆત કરી હતી અને વર્ષોની મહેનત પછી તેઓ આખી દુનિયાની નજરમાં આવે એવી ઊંચાઈએ પહોંચ્યા હતા.

આ સૌ એવા લોકો છે જેમણે આંબા વાવ્યા અને એના જતન માટે વર્ષો સુધી જાત ઘસી નાખી. એમની મહેનત ઊગી નીકળી ખરી, પણ એનાં ખરાં ફળ એમના પછીની પેઢીને મળ્યાં, જેમણે એ સફળતાને પોતાની મહેનતથી વધુ વિસ્તારી.

એમની તુલનામાં ફ્લિપકાર્ટના બંસલ બંધુઓ, ઓયો રૂમ્સના રીતેશ અગરવાલ કે પેટીએમના વિજય શેખર શમર્નિી વ્યક્તિગત કમાણી અને એમની કંપનીઓનાં ટર્નઓવરના આંકડા સાંભળીએ તો દિમાગ ચકરાવે ચઢી જાય. આ બધાએ સાવ નાના પાયે બિઝનેસ વિકસાવ્યો, પણ જોતજોતામાં કરોડોમાં રમતા થઈ ગયા!

મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલા અને કોલેજ અડધેથી છોડી દેનારા રીતેશ અગરવાલનું નામ ૨૧ વર્ષની ઉંમરે તો ભારતના ટોચના ધનપતિની યાદીમાં ઉમેરાઈ ગયું.

આ બધાની આવી અત્યંત ઝડપી અને અસાધારણ પ્રગતિના મૂળમાં એ જ શબ્દની કમાલ છે  સ્ટાર્ટ-અપ! એવી તે કેવી તાકાત છે આ સ્ટાર્ટ-અપમાં અને એ સામાન્ય બિઝનેસથી અલગ કેવી રીતે છે? આવો તપાસીએ.

એક સાદું ઉદાહરણ લઈએ. કોઈ વ્યક્તિ પોતાની દવાની દુકાન ખોલે અને દુકાને આવતા લોકો ઉપરાંત, ફોન પર ઓર્ડર લઈને ફ્રી હોમ ડિલિવરી પણ આપે તો બહુ બહુ તો આખા શહેરમાં પોતાનો વ્યાપ ફેલાવી શકે. આ એમનો બિઝનેસ થયો. જેને સારો એવો ફેલાતાં વર્ષો વીતી જાય. આ બિઝનેસ થયો.

બીજી બાજુ, કોઈએ દિમાગ દોડાવીને એવી મોબાઇલ એપ બનાવી જે દવા ખરીદતા લોકો અને દવા વેચતા દુકાનદારોને જોડતી કડી તરીકે કામ કરે છે. તેમાં મહેનત ચોક્કસ છે, આકરી મહેનત છે, પણ જો એક વાર બધું ગણિત બરાબર બેસી ગયું અને એક શહેરમાં સફળતા મળી તો પછી એ જ આઇડિયાને વારાફરતી બધાં શહેરમાં રીપિટ જ કરવાનો છે! આ સ્ટાર્ટ-અપ થયું.

સ્ટાર્ટ-અપના પાયામાં આ જ વાત મુખ્ય છે ટેક્નોલોજીનો ઉપયોગ અને બહુ ઓછા માર્જિને, પણ બહુ મોટા વોલ્યુમ પર બિઝનેસ વિસ્તારવાની આવડત.

ફ્લિપકાર્ટના બંસલ બંધુઓ, ઓયો રૂમ્સના રીતેશ અગરવાલ કે પેટીએમના વિજય શેખર શર્માની કમાણીના આંકડા સાંભળીએ તો દિમાગ ચકરાવે ચઢી જાય. સાવ નાને પાયે શરૂઆત કરીને આ બધા જોતજોતામાં કરોડોમાં રમતા થઈ ગયા છે!

આગળ જેની વાત કરી એ ઓયો રૂમ્સનું ઉદાહરણ સમજવા જેવું છે. માઉન્ટ આબુમાં એક મજાની હોટેલ છે, એ અત્યારે ત્રણ માળની છે. એની શરૂઆત ત્રીસેક વર્ષ પહેલાં સાવ નાની ત્રણ-ચાર રૂમની હોટેલ તરીકે થઈ હતી. માલિક-મેનેજરના સારા સ્વભાવ, સરસ લોકેશન, સ્ટાફની સારી સર્વિસ વગેરેને કારણે હોટેલ વિકસતી ગઈ અને ત્રીસેક વર્ષમાં ત્રણ માળે પહોંચી, છતાં એ હોટેલમાં અત્યારે રૂમ્સની સંખ્યા માંડ ત્રીસ હશે.


બીજી તરફ, કોલેજનો અભ્યાસ અધૂરો છોડનારા રીતેશ અગરવાલને લાગ્યું કે ભારતમાં લોકોને જુદાં જુદાં ટુરિસ્ટ લોકેશન કે અન્ય સ્થળોએ એમના બજેટમાં, ખાતરીબદ્ધ રીતે સારી સર્વિસ આપતી હોટેલ શોધવામાં તકલીફ પડે છે. એટલે ૨૦૦૧માં તેમણે ઓયો રૂમ્સ નામની કંપની સ્થાપી. શરૂઆત બહુ ધીમી હતી, જાન્યુઆરી ૨૦૧૩માં ફક્ત એક હોટેલ સાથે તેમનું ટાઇ-અપ થયું અને એ હોટેલ માટે તેમણે રૂમ બુકિંગની સર્વિસ આપવાનું શરૂ કર્યું. અત્યારે આ ઓયો રૂમ્સ, ભારતનાં ૧૯૮ શહેરમાં, ૬૫૦૦થી વધુ હોટેલ્સની ૭૦,૦૦૦થી વધુ રૂમ્સના બુકિંગની સર્વિસ આપે છે!

પેલી માઉન્ટ આબુની હોટેલના વિકાસ સાથે ઓયો રૂ‚મ્સનો વિકાસ સરખાવી જુઓ – ખરેખર ગાંડો વિકાસ લાગશે! હજી વધુ સરખામણી કરવી હોય તો જાણી લો કે ભારતમાં એકાદ સદીથી હોટેલ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી તાજ હોટેલ્સ ૬૨ સ્થળોએ ૧૦૦ હોટેલ્સ ધરાવે છે. તાજ હોટેલ્સના ગંજાવર રોકાણની સામે ઓયો રૂમ્સે ટેક્નોલોજીથી કરેલી કમાલ સરખાવીએ ત્યારે સમજાય કે સ્ટાર્ટ-અપ્સનો તેજ ગતિએ વિકાસ કેમ થાય છે.

આગળ દવાની દુકાનનું જે ઉદાહરણ જોયું એમાં પણ જરા ઊંડા ઊતરવા જેવું છે. થોડા સમય પહેલાં અમદાવાદ અને રાજકોટમાં ‘ફાર્મઇઝી’ નામની એક કંપનીએ કરેલું મોટા પાયા પરનું એડ કેમ્પેઇન તમારા પણ ધ્યાનમાં આવ્યું હશે.

આ કંપની તેની એપ ડાઉનલોડ કરવા કહે છે અને તેના દ્વારા દવા ખરીદનારને ફ્લેટ ૨૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપે છે! ઘર નજીકની દુકાનેથી તમે નિયમિત દવા લેતા હો ત્યારે દુકાનદાર તમને માંડ ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપી શકે છે. તો આ એપ આપણને ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપીને પણ કમાણી કેવી રીતે કરી શકે છે?

કોઈ પણ સ્ટાર્ટ-અપની સફળતાના મૂળમાં આ જ રહસ્ય હોય છે – વર્તમાન સ્થિતિમાં લોકોને નડી રહેલો કોઈ એક પ્રશ્ન બરાબર સમજવો અને તેમની એ તકલીફનો સચોટ ઉપાય શોધી કાઢવો.

આ આખી વાતમાં મજા તો એ છે કે આપણે આ એપ મારફતે દવાનો ઓર્ડર આપીએ તો દવા તો પેલો આપણો કાયમી દુકાનદાર જ ઘેરબેઠાં પહોંચાડે છે!

આ આખી કરામત ખરેખર રસપ્રદ છે. આજે એકદમ બિઝી થઈ ગયેલા લોકોને ઘર નજીકની દુકાનેથી પણ દવા લાવવાનો સમય નથી. દવાના દુકાનદારો પોતાનો બિઝનેસ વધારવા માગે છે. ફાર્મઇઝી જેવી કંપની આ બંનેને જોડવાનું કામ કરે છે – ટેકનોલોજીની મદદથી.

આવી એપ કંપની શહેરની શક્ય એટલી દવાની દુકાનો સાથે જોડાણ કરે છે. એપ કંપની દવાના રીટેઇલરને કહે છે કે ‘તમારે નવા ગ્રાહક શોધવા જવાનું નથી, અમે તમને વધારાનો અને છૂટક ગ્રાહકો કરતાં ઘણો વધુ બિઝનેસ આપીશું એટલે તમે અમને વધુ ડિસ્કાઉન્ટ આપો.’ દવાના રીટેઇલરને કશું કર્યા વિના વધુ બિઝનેસ મળતો હોવાથી, જે આપવાનું છે તે નફામાંથી આપવાનું છે એમ સમજીને તૈયાર થાય છે.

પરિણામે તેમને પણ થોડો પ્રોફિટ તો મળે છે, ગ્રાહકને એપ કંપની પાસેથી ૨૦ ટકા ડિસ્કાઉન્ટ મળે છે, એપ કંપનીને માંડ બે કે અઢી ટકા માર્જિન મળે પરંતુ આખા શહેરમાંના સંખ્યાબંધ મેડિકલ સ્ટોર્સ અને એ રીતે જુદા જુદા શહેરોમાંના સંખ્યાબંધ મેડિકલ સ્ટોર્સમાંથી મળતા આટલા માર્જિનનો સરવાળો કેટલે પહોંચે એ વિચારી જુઓ!

કોઈ પણ સ્ટાર્ટ-અપની સફળતાના મૂળમાં આ જ રહસ્ય હોય છે. વર્તમાન સ્થિતિમાં લોકોને નડી રહેલો કોઈ એક પ્રશ્ન બરાબર સમજવો અને તેમની એ તકલીફનો સચોટ ઉપાય શોધી કાઢવો. જો આપણે પકડેલો પ્રશ્ન યુનિવર્સલ હોય એટલે કે કોઈ એકાદ નાના વિસ્તાર પૂરતો મર્યાદિત ન હોય પણ આખા દેશના કે આખા વિશ્વના બધા લોકોને નડતો હોય તો પછી આપણે માટે આખું વિશ્વ આપણું માર્કેટ બની શકે છે.

જો બહુ ટૂંકા સમયમાં આવડા વિશાળ માર્કેટ સુધી પહોંચવું હોય તો તેને માટે ટેકનોલોજીને જ કામમાં લગાવવી પડે. તમારું સોલ્યુશન જો ઇન્ફર્મેશન ટેક્નોલોજી આધારિત હોય તો તમારે કોઈ રો મટિરિયલ ખરીદવાનું નથી, કશું મેન્યુફેક્ચરિંગ કરવાનું નથી કે લોજિસ્ટિક્સની ચિંતા કરવાની નથી!

આવો કોઈ એક પ્રશ્ન પકડીને તેનો કોઈ સચોટ ઉપાય શોધીને ટેકનોલોજીની મદદથી આખા વિશ્વના લોકોને પોતાની સર્વિસ ઓફર કરવાની વાત આવે ત્યારે એપ કેબ કંપની ઉબરની વાત કર્યા વિના ચાલે નહીં.

ઉબરના સ્થાપક અને તેમના એક મિત્રને ૨૦૦૮માં એક બરફીલી સાંજે પેરિસમાં સહેલાઇથી ટેક્સી મળી નહીં એમાંથી તેમને વિચાર ઝબક્યો કે આ તકલીફ તો વિશ્વનાં ઘણાં ખરાં શહેરોના લોકોને નડતી હશે. ખાલી ટેક્સી શોધતા ફરવું પડે, એના બદલે સ્માર્ટફોનમાં એપમાંથી ટેક્સી બોલાવી લેવાય એવું થઈ શકે?

દરેક સફળ સ્ટાર્ટ-અપની પાછળ બીજા અસંખ્ય સ્ટાર્ટ-અપ નિષ્ફળ પણ જાય છે. અત્યારે ફ્લિપકાર્ટ કે બુકમાયશોની સફળતા જોઈને એ જ પ્રકારનાં બીજાં કેટલાય સ્ટાર્ટ-અપ ફૂટી નીકળે છે પરંતુ એ બધા સફળ થઈ શકતા નથી.

એપ કેબ પેસેન્જરની રાહ જોતા ટેક્સી ડ્રાઇવર અને ટેક્સી શોધતા પેસેન્જરનો મેળાપ કરાવી આપે છે. ઉબરના સ્થાપકને ૨૦૦૮માં આ વિચાર આવ્યો અને હવે તેમની કંપની વિશ્વના ૬૩૨ શહેરોમાં ટેક્સીઓ દોડાવી રહી છે.

ટેકનોલોજી પર આધારિત લગભગ દરેક સ્ટાર્ટ-અપ આ જ કન્સેપ્ટ પર કામ કરે છે. સ્ટાર્ટ-અપ પોતે શરૂઆતમાં બહુ નાની ટીમથી, ગરાજ જેવી કામચલાઉ ઓફિસમાંથી કામ આગળ ધપાવે છે. આવી કંપનીએ શરૂઆતમાં ટીમ કે ઓફિસ કે અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવામાં બહુ રોકાણ કરવું પડતું નથી.

જો સ્ટાર્ટ-અપ ફક્ત ઇન્ફર્મેશન ટેકનોલોજી પર આધારિત હોય તો તેમને કોઈ પ્રકારનું મેન્યુફેકચરિંગ પણ કરવાનું હોતુ નથી. શરૂઆતનું તેમનું બધું રોકાણ સર્વિસના ટેકનોલોજીકલ સેટ-અપ ડેવલપમેન્ટમાં થાય છે. એક વાર આ સેટઅપ બરાબર કામ કરતું થાય એ પછી બહુ મોટા પાયે તેનું માર્કેટિંગ કરીને તેનો વ્યાપ વિસ્તારવાનો થાય છે.

આવે સમયે સ્ટાર્ટ-અપને જંગી મૂડીરોકાણની જરૂર પડે છે. જેમાં તેમને વેન્ચર કેપિટલિસ્ટ એટલે કે મોટા પ્રમાણમાં મૂડી રોકાણ કરી શકે તેવા ધનપતિઓ મદદે આવે છે. આવી વ્યક્તિઓ કે કંપનીઓ તેમને જે સ્ટાર્ટ-અપમાં દમ લાગે તેને મૂડીનું પીઠબળ આપે છે. સાથોસાથ પોતાના અનુભવોનો પણ લાભ આપે છે.

પરિણામે જો બધું બરાબર પાર ઉતરે તો સ્ટાર્ટ-અપ ઊંચકાઇ જાય છે અને જોતજોતામાં તેના બિઝનેસનું વોલ્યુમ અનેકગણું વધી જાય છે.

આપણે દેશમાં ફ્લિપકાર્ટ જેવું ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ, રેડ બસ જેવું ઓનલાઇન બસ બુકિંગ પ્લેટફાર્મ, ઝોમાટો જેવું ઓનલાઇન રેસ્ટોરાં રીઝર્વેશન પ્લેટફોર્મ (જે ૨૦૦૮માં શરૂઆત પછી અત્યારે ૨૪ દેશોમાં, ૧૦,૦૦૦ શહેરોમાં સેવા આપે છે), બુકમાયશો જેવું ઓનલાઇન એન્ટરટેઇનમેન્ટ ટીકિટ બુકિંગ પ્લેટફોર્મ, બાયજુઝ લર્નિંગ એપ વગેરે સફળ સ્ટાર્ટ-અપનાં ઉદાહરણ છે.

એ પણ ખાસ નોંધવા જેવું છે કે, આ દરેક સફળ સ્ટાર્ટ-અપની પાછળ બીજા અસંખ્ય સ્ટાર્ટ-અપ નિષ્ફળ પણ જાય છે. અત્યારે ફ્લિપકાર્ટ કે બુકમાયશોની સફળતા જોઈને એ જ પ્રકારનાં બીજાં કેટલાય સ્ટાર્ટ-અપ ફૂટી નીકળે છે પરંતુ એ બધા સફળ થઈ શકતા નથી.

કારણ કે સ્ટાર્ટ-અપની સફળતાનો બધો આધાર, લોકોને સતાવતા કોઈ પ્રશ્નની ઓળખ અને તેનો બીજા કોઈએ ન આપ્યો હોય તેવો ઉકેલ આપવામાં સમાયેલો છે. તમે પ્રશ્ન બરાબર ઓળખી શકો પરંતુ તેનો ઉકેલ બીજા કોઈએ આપી દીધો હોય તો તમને તમારું સ્ટાર્ટ-અપ આગળ વધારવા માટે જરૂરી મૂડીરોકાણ ક્યારેય મળવાનું નથી!

આ આખી વાત વાંચીને તમારા મનમાં કોઈ જોરદાર આઇડિયા આવ્યો? સ્ટાર્ટ-અપ સ્ટાર્ટ કરો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!