મુકેશ અંબાણી જ્યારે રિલાયન્સ જિઓના લોન્ચિંગ વખતે એમ કહે કે ‘ડેટા એ નવા વિશ્વ માટે ઓઇલ સમાન છે’ ત્યારે આપણે આપણી સગવડતા મુજબ ડેટા શબ્દનો અર્થ ‘મોબાઇલમાં ઇન્ટરનેટ સર્ફ કરવાની સુવિધા’ એટલો સીમિત કરી લઇએ છીએ. પરંતુ યૂઝર કરતાં બિઝનેસીઝ માટે ડેટાનો અર્થ ઘણો વ્યાપક છે.
વિશ્વની સંખ્યાબંધ ટેક કંપનીઝ પોતપોતાના યૂઝર્સનો અત્યંત વિશાળ ડેટા લાંબા સમયથી સર્જી રહી છી અને હવે મશીન લર્નિંગ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ ડેટાનો પોતાના બિઝનેસના વિકાસમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની નવી રીતો શોધી રહી છે.
આ દિશામાં આગળ વધતાં ભારતના અગ્રણી ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે પોતાના બિઝનેસમાં એઆઈનો ઉપયોગ વધારવા માટે ‘એઆઈ ફોર ઇન્ડિયા’ નામનું એક નવું સેકશન ઊભુ કર્યું છે. કંપનીનાં સંશોધનોને કારણે ફ્લિપકાર્ટ પર સામાન્ય બોલચાલની ભાષામાં સર્ચ, જોવામાં સરખી હોય તેવી પ્રોડક્ટસનું સર્ચ, વધુ સારી ડિલીવરી, ફ્રોડ ડિટેકશન વગેરે તમામ પાસામાં નોંધપાત્ર પરિવર્તન આવશે.
કંપનીને આશા છે કે એઆઇની મદદથી તે ટૂંક સમયમાં પોતાનો કારોબાર બમણો કરી શકશે!
