ફોનમાં વણજોઇતા ફોન તમને પરેશાન કરે છે? એક સમયે ભારતના નાણામંત્રીએ પણ સંસદમાં કહ્યું હતું કે લોન કે ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાની ઓફર કરતા ફોન એમને પણ સતાવે છે.
સામાન્ય રીતે બહુ મોટા પાયે માર્કેટિંગ કોલ્સ કરનારી કંપની જુદા જુદા નંબર પરથી કોલ કરતી હોય છે. એટલે તેનો પીછો છોડાવવો મુશ્કેલ હોય છે પરંતુ અમુક ચોક્કસ નંબર પરથી તમને વારંવાર કોલ આવતા હોય અને તમે તેને બ્લોક કરવા ઇચ્છતા હો તો તેના કેટલાક રસ્તા છે.
આઇફોનમાં કોલ બ્લોકિંગ
આઇફોનમાં આ કામ ઘણું સહેલું છે. જો તમારા ફોનમાં આઇઓએસ૭ કે ત્યાર પછીની ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તેમાં ફોનના હોમસ્ક્રીન પરથી સેટિંગ આઇકન ક્લિક કરો. આઇઓએસના વર્ઝન મુજબ કોલ બ્લોકિંગ મેનુ જુદી જુદી જગ્યાએ મળી શકે છે, તે તમારે જરા શોધવું પડશે.
ત્યાર પછીનું કામ સહેલું છે. કોલ્સ સેકશનમાં કોલ બ્લોકિંગ અને આઇડેન્ટિફિકેશનનો વિકલ્પ મળશે, જ્યાં તમે જે નંબર બ્લોક કરવા ઇચ્છતા હો તો તે ઉમેરી શકશો. એ સિવાય તમે સેટિંગ્સમાં મેસેજિસ કે ફેસટાઇમના ઓપ્શન્સમાં જઇને ત્યાંથી પણ એ જ બ્લોક મેનુમાં જઇ શકો છો.
ઓલ કોલ્સ અથવા મિસ્ડકોલ્સના લિસ્ટમાં જે નંબર બ્લોક કરવા ઇચ્છતા હો તેના ઇન્ફર્મેશન બટન પર ક્લિક કરીને તેને બ્લોક કરવાનો વિકલ્પ ઓન કરી શકાય છે.
એન્ડ્રોઇડમાં કોલ બ્લોકિંગ
એન્ડ્રોઇડમાં જુદા જુદા વર્ઝન અને જુદી જુદી મેન્યુફેકચરિંગ કંપનીઝ હોવાથી કોલ બ્લોક કરવાનું કામ પ્રમાણમાં મુશ્કેલ છે. અલબત્ત મોટા ભાગની ફોન કંપની પોતપોતાની રીતે આ સગવડ આપે છે.
જો તમારો ફોન સ્ટોક એન્ડ્રોઇડ ધરાવતો હોય તો તેમાં કોલ લોગમાં જઇને જે નંબર બ્લોક કરવા ઇચ્છતા હો તેને સિલેક્ટ કરીને મોર અથવા થ્રી-ડોટ મેનુ ઓપન કરીને ‘એડ ટુ રીજેક્ટ લિસ્ટ’માં એ નંબર ઉમેરી દો.
સ્માર્ટફોનમાં વણજોઈતા કોલ્સ બ્લોક કરવાનું કામ એન્ડ્રોઇડની સરખામણીમાં આઇફોનમાં વધુ સહેલું છે.
એ જ રીતે ફોન એપમાં થ્રી-ડોટ મેનુ પર ક્લિક કરીને સેટિંગ્સમાં કોલ, કોલ રિજેકશન, ઓટો રિજેક્ટ લિસ્ટ, ક્રિએટમાં જઇને તમે બ્લોક કરવા ઇચ્છતા હો તે નંબર એ લિસ્ટમાં ઉમેરી શકાશે. સામાન્ય રીતે તમારા એન્ડ્રોઇડ ફોનમાં થોડું શોધવાથી કોલ બ્લોક કરવાની સુવિધા મળી આવશે.
જો ન જ મળે તો તમે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરી શકો છો પરંતુ એ હિતાવહ નથી કેમ કે એમ કરવા જતાં તમારે કોઈ થર્ડ પાર્ટી એપને તમારા કોન્ટેક્ટસની માહિતી આપવી પડશે.

