(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુક આપણે જે કંઇ બોલીએ તેનો ડેટા પણ સ્ટોર કરી લે છે એ વાત સાચી?

સવાલ મોકલનાર : દીપસિંહ વાઘેલા, ધોરાજી

આ પ્રશ્ન ઘણા લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે અને હમણાં એક બે મહિનાથી ફેસબુક પરથી યૂઝર્સના ડેટાની ચોરીનું કૌભાંડ બહાર આવ્યા પછી આ પ્રશ્ન ફરી લોકોને સતાવવા લાગ્યો છે. આવો પ્રશ્ન થવાનું મૂળ કારણ એ છે કે તમે સ્માર્ટફોનમાં ફેસબુક એપને આપેલી પરમિશન તપાસો તો તેમાં એક પરમિશન આપણા ફોનના માઇક્રોફોનને એક્સેસ કરવા અંગેની પણ દેખાશે. આ કારણે ઘણા લોકો માને છે કે ફોન આપણી નજીક પડ્યો હોય ત્યારે આપણે અન્ય લોકો સાથે કંઇ પણ વાતચીત કરીએ તો એ બધું જ ફેસબુકની એપ સાંભળી લે છે.

અચ્છા આનો કોઈ પુરાવો ખરો? લોકો કહે છે કે ઘણી વાર એવું બને છે કે તેઓ સામાન્ય વાતચીતમાં સ્ટેશનરી કે અન્ય કોઈ ચીજવસ્તુ વિશેની વાત કરી રહ્યા હોય અને એ પછી ફેસબુક પર જાય ત્યારે તેમને એ જ ચીજવસ્તુની જાહેરાત જોવા મળે છે! આ ‘પુરાવા’ને આધારે આપણે પણ માનવું પડે કે ફેસબુક એપ આપણી બધી વાતચીત રેકોર્ડ કરીને સર્વરને મોકલી આપતી હશે.

આ વાત ફક્ત ફેસબુક નહીં, ગૂગલ, એમેઝોન અને આપણો વોઇસ રેકોર્ડ કરવા ફોનનું માઇક્રોફોન એક્સેસ કરવાની પરમિશન માગતી કોઈ પણ એપ કે સર્વિસને લાગુ પડી શકે છે. હમણાં લોન્ચ થયેલ એમેઝોન એકો કે એલેક્ઝા અને ગૂગલ હોમ જેવાં ડિવાઇસીઝને પણ આ વાત લાગુ પડે છે. આ સર્વિસની મદદથી, આપણે ઘરમાં એક સ્પિકર જેવું સાધન વસાવીને તેને વોઇસ કમાન્ડ આપીને ઇન્ટરનેટ પર કરી શકાતાં ઘણાં કામ કરાવી શકીએ છે. એમેઝોન અને ગૂગલને પગલે ફેસબુક પણ સ્માર્ટફોન સ્પિકર્સ લોન્ચ કરવાની પૂરી તૈયારીમાં હતી પરંતુ ફેસબુકના ડેટાની ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી તેના સ્માર્ટ હોમ સ્પિકર્સના પ્રી-ઓર્ડર્સમાં ખાસ્સો ઘટાડો થતાં ફેસબુકે તેનું લોન્ચિંગ પાછળ ઠેલી દીધું છે.

સતત વોઇસ રેકોર્ડિંગ અને ડેટા ટ્રાન્સફર ટેકનિકલી શક્ય છે?

ફેસબુકે સ્પષ્ટ રીતે ખુલાસા કર્યા છે કે તે તેની એપ આપણી બધી વાતચીત રેકોર્ડ કરતી નથી કે કંપની સર્વરને મોકલતી નથી. અમેરિકા-યુરોપના કાયદા એવા તો છે કે ફેસબુક સાવ ખોટું બોલી શકે નહીં, છતાં, થોડા સમય માટે આપણે માની લઇએ કે ફેસબુક આપણને હકીકત નહીં જણાવતી હોય અને તેની એપ ખરેખર આપણો વોઇસ ડેટા રેકોર્ડ કરીને કંપનીના સર્વરને ટ્રાન્સફર કરતી હશે. તો એ તપાસવું પડે કે ટેકનિકલી આ શક્ય છે?

જો આપણે ફેસબુક એપને માઇક્રોફોન એક્સેસ કરવાની પરમિશન આપી હોય તો ટેકનિકલી આ વાત શક્ય છે – અલબત્ત અમુક મર્યદામાં.

આપણે એ પણ સમજવું જોઈએ કે ફેસબુક એપ આવી પરમિશન શા માટે માગે છે? માઇક્રોફોનની જેમ ફેસબુક કેમેરા એપ એક્સેસ કરવાની પણ પરમિશન માગે છે. બંનેનું કારણ સમજવું સહેલું છે. આપણે ફેસબુક પર કોઈ ફોટોગ્રાફ પોસ્ટ કરવા માગતા હોઈએ અને તે ગેલેરીમાંથી અપલોડ કરવાને બદલે જે તે ક્ષણે નવો ફોટો લઈને અપલોડ કરવો હોય તો તે માટે ફેસબુકને કેમેરા એપ એક્સેસ કરવાની મંજૂરી આપવી પડે છે.

બરાબર એ જ રીતે ફેસબુક પર ટાઇપ કરવાને બદલે આપણે કંઈક બોલીને સ્ટેટસ અપડેટ કરવું હોય તો એ માટે માઇક્રોફોનની એક્સેસ આપવી જરૂરી છે. આનો અર્થ એ નથી કે ફેસબુક એપ તેને મરજી પડે ત્યારે કેમેરા એપથી આપણા ફોટોગ્રાફ લેવા માડે કે માઇક્રોફોનથી આપણો વોઇસ રેકોર્ડ કરવા લાગે. આપણે જ્યારે ફેસબુક એપમાં પિકચર લેવા માટેના આઇકન પર ક્લિક કરીએ કે વોઇસ રેકોર્ડ કરવા માટેના આઇકન પર ક્લિક કરીએ ત્યારે જ જે તે એપ એક્ટિવ થવી જોઈએ.

પરંતુ સ્માર્ટફોનમાંની ગૂગલ એપ કે ગૂગલ હોમ અને એમેઝોન એલેક્ઝાના કિસ્સામાં તો, એ બધાં આપણો પડ્યો બોલ ઝીલવા ચોવીસે કલાક તૈયાર જ હોય છે! એક વાર આ સર્વિસને આપણો અવાજ ઓળખવાની ટ્રેનિંગ આપી દઈએ, એટલે કે આપણા વોઇસ મોડેલનાં સેમ્પલ તેને મળી જાય તે પછી કોઈ બટન દબાવ્યા વિના, જ્યારે આપણે ઓકે ગૂગલ કહીએ એ સાથે તે એક્ટિવેટ થાય છે.


આ સર્વિસ આપણો અવાજ સાંભળવા સતત તૈયાર રહી શકતી હોય, તેને એક્ટિવેટ કરવા આપણા અવાજની જ જરૂર હોય તો તો એનો અર્થ એ થયો કે તે આપણે જે કંઈ બોલીએ એ બધું સાંભળી શકતી હશે.

તો હકીકત શું છે?

હકીકત એ છે કે આ બધી સર્વિસ આપણો અવાજ રેકોર્ડ કરવા માટે ટેકનિકલી સતત તૈયાર હોય છે, પણ તેમના દાવા મુજબ, તે સતત બધું જ રેકોર્ડ કરતી નથી. આપણે તેને એક્ટિવેટ કરીએ તે પછી જ તે પોતાનું કામ શરૂ કરે છે.

ફેસબુકમાં જ્યારે પણ માઇક્રોફોન એક્ટિવેટ કરીને વોઇસ સ્ટેટસ પોસ્ટ કરીએ ત્યારે ફેસબુકની આ એપ આપણો વોઇસ ડેટા રેકોર્ડ કરીને પોતાના સર્વર પર ટ્રાન્સફર કરે છે. બરાબર એ જ રીતે ગૂગલને આપણે જે કોઈ વોઇસ કમાન્ડ આપીએ એ બધા જ, એપ રેકોર્ડ કરીને કંપનીના સર્વરને મોકલી આપે છે.

તમે જાણતા હશો તેમ જીમેઇલ કે ગૂગલ ડ્રાઇવ કે ગૂગલ કીપ જેવી વિવિધ સર્વિસિઝમાં આપણે વોઇસ ટાઇપિંગ કરી શકીએ છીએ. જો ફોનમાં તમે જી-બોર્ડ નામનું ગૂગલનું કી-બોર્ડ ઇન્સ્ટોલ કર્યું હોય તો તેની મદદથી ગૂગલની સર્વિસિઝ ઉપરાંત કોઈ પણ જગ્યાએ વોઇસ ટાઇપિંગ કરી શકો છો. ગૂગલ આસિસ્ટન્ટ એપ સાથે તો આપણે રીતસર વાર્તાલાપ ચલાવી શકીએ છીએ.

આ બધું ગૂગલની એપ વોઇસ ડેટા સ્વરૂપે રેકોર્ડ કરે છે અને પોતાના સર્વર પર સાચવી રાખે છે અને તેની મદદથી આપણને અપાતી સર્વિસિઝની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ કરે છે.

ગૂગલ તેના હેલ્પપેજ પર કહે છે કે તમે ‘ઓકે ગૂગલ’ કહો કે માઇક્રોફોનનો આઇકન ટેપ કરો ત્યારે અને તેની થોડી સેકન્ડ પહેલાંથી તમારો વોઇસ અને અન્ય ઓડિયો રેકોર્ડ કરે છે.

આમાં ‘થોડી સેકન્ડ’ પહેલાં શબ્દો બહુ મહત્ત્વના છે. એનો મતલબ એ થયો કે આ એપ બધું જ સાંભળી શકે છે, પરંતુ આપણા એક્ટેવિશેન પહેલાંની થોડી સેકન્ડનું અને ત્યાર પછી બોલાયેલા શબ્દોનું રેકોર્ડિંગ તે ડેટા સ્વરૂપે સાચવે છે.

જો તમે અત્યાર સુધીમાં ક્યારેય ગૂગલમાં વોઇસ ટાઇપિંગ કે વોઇસ સર્ચિંગ કર્યું હોય તો https://myactivity.google.com પેજ પર જઈને, ગૂગલે તમારો કયો વોઇસ ડેટા સાચવી રાખ્યો છે તે જાણી શકો છો.

તમે ઇચ્છો તો તેમાંથી કેટલોક અથવા બધો જ ડેટા ડિલીટ કરી શકો છો. એ જ રીતે, અહીંથી ગૂગલ તમારી વોઇસ અને ઓડિયો એક્ટિવિટીનો ડેટા સેવ ન કરે એવું સેટિંગ પણ કરી શકો છો.

ફેસબુકની વાત કરીએ તો, ફેસબુકે પોતે આ વાતમાં કોઈ તથ્ય ન હોવાનું બહુ ભારપૂર્વક જણાવ્યું છે. કેમ્બ્રિજ એનાલિટિકા જેવા કેસમાં, ડેટા ચોરી થયો હોવાની હકીકતો બહાર આવ્યા પછી ફેસબુકે તરત જ સ્વીકારી લીધું હતું કે ડેટા ચોરી થયો હતો. ફેસબુક જેવી કંપની કોઈ વાતમાં હવે સદંતર જૂઠું બોલી શકે એવી સ્થિતિમાં નથી. ખાસ કરીને એવી બાબતમાં જે સહેલાઇથી સાબિત થઈ શકે તેવી હોય. ફેસબુક જેવી પ્રાયવસીના મુદ્દે બહુ વગોવાઈ ગયેલી કંપની માટે આવું જુઠાણું સાબિત થાય એ બહુ મોંઘું પડી શકે.

ભારતમાં ડેટા પ્રાઇવસીના મુદ્દે બહુ જાગૃતિ નથી, પણ ખાસ કરીને યુરોપના દેશોમાં લોકોમાં અને સરકારોમાં ખાસ્સી જાગૃતિ આવી રહી છે. યુરોપમાં તો મે ૨૫, ૨૦૧૮ના રોજથી જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (જીડીપીઆર) નામે એક નવો કાયદો પણ અમલમાં આવી ગયો છે.

આ બધું જોતાં, આપણી મંજૂરી વિના આ કંપનીઓ આપણું સતત વોઇસ રેકોર્ડિંગ કરે અને તેનો ડેટા પોતાના સર્વરને ટ્રાન્સફર કરતી હોય એ વાતમાં તથ્ય લાગતું નથી.

બીજું, આપણો વોઇસ ડેટા મોબાઇલમાંથી સતત કંપનીના સર્વરમાં ટ્રાન્સફર થતો હોય તો તેની અસર આપણા મોબાઇલ ડેટા પ્લાનના બિલ અને બેટરી પર થયા વગર રહે નહીં. જોકે આ કંપનીઓએ વોઇસ ડેટાને સખ્ખત કમ્પ્રેસ કરવાની ટેક્નોલોજી પણ વિક્સાવી લીધી હોવાનું કહેવાય છે!

એટલું ચોક્કસ કે આ બધી સર્વિસીઝ અંતે તો સંપૂર્ણપણે ઇન્ટરનેટ આધારિત છે અને તેને કારણે તેની સાથેની આપણી બધી જ વાતચીત આપણા ડેટા સ્વરૂપે આ કંપનીઝ પાસે જમા થતી રહે છે. આપણે મંજૂરી આપી હોય એ ડેટા તો ચોક્કસપણે આ કંપનીના સર્વર્સમાં સચવાયેલો રહે છે, આપણે ડિલીટ ન કરીએ ત્યાં સુધી અને તેનો આપણા લાભ અને ગેરલાભ બંને માટે ઉપયોગ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!