તમે સ્પામ મેઇલ મોકલ્યા ન હોય તો પણ તમારા સેન્ટ ફોલ્ડરમાં એવા મેઇલ જોવા મળી શકે છે
તમે તમારા ઈ-મેઇલ પ્રોગ્રામનાં વિવિધ ફોલ્ડર્સ થોડા થોડા સમયે તપાસો છો? ન તપાસતા હો તો એ ટેવ રાખવા જેવી છે. ગયા મહિને એવું બન્યું કે જીમેઇલના સંખ્યાબંધ યૂઝર્સે પોતાનું સેન્ટ મેઇલ્સનું ફોલ્ડર તપાસતાં તેમણે આંચકો અનુભવ્યો! એ ફોલ્ડરમાં, તેમણે મોકલ્યા હોય એવા સ્પામ મેઇલ્સ જોવા મળ્યા, જે તેમણે વાસ્તવમાં મોકલ્યા નહોતા.
આમાંથી મોટા ભાગના લોકોએ જીમેઇલની ટુ-સ્ટેપ-વેરિફિકેશન પદ્ધતિ પણ ઓન રાખી હતી (તમે એનો ઉપયોગ ન કરતા હો તો અચૂક કરો – ‘સાયબરસફર’માં આપણે તેના વિશે અવારનવાર વાત કરી છે). કેટલાક લોકોએ, પોતાના સેન્ટ મેઇલ્સના ફોલ્ડરમાં સ્પામ મેસેજીસ દેખાયા પછી તરત પોતાનો પાસવર્ડ બદલી નાખ્યો, તેમ છતાં એ પછી પણ સેન્ટ ફોલ્ડરમાં નવા સ્પામ મેઇલ્સ જોવા મળ્યા (તમે નિયમિત રીતે પાસવર્ડ બદલતા ન હો તો અચૂક બદલો).
તમને થશે કે સલામતીની બંને પદ્ધતિનો ઉપયોગ કરવા છતાં આવું થતું હોય, તો કૌંસમાં લખેલી સલાહ શું કામની? તમારો સવાલ સાચો, પણ ગૂગલનો જવાબ એ છે કે આ કિસ્સામાં કોઈ જીમેઇલ યૂઝરનું એકાઉન્ટ જોખમાયું કે હેક થયું નથી, ફક્ત સ્પામર્સની એક નવી ટ્રીકે આ ઉત્પાત મચાવ્યો છે.
બહુ મોટી સંખ્યામાં આપોઆપ મોકલાતા ઈ-મેઇલ્સ સામાન્ય રીતે ઈ-મેઇલ પ્રોગ્રામનાં સ્પામ ફિલ્ટર અલગ તારવી લેતાં હોય છે, પણ આ કિસ્સામાં, સ્પામર્સે એવી ચાલબાજી કરી કે તેમણે ઈ-મેઇલ મોકલનારના એડ્રેસ તરીકે, રેન્ડમલી વિવિધ, સાચા જીમેઇલ યૂઝર્સનાં જ નામ લખ્યાં. પરિણામે એ યૂઝર્સના મેઇલ બોક્સમાં આવેલા આ મેઇલ્સને, મેઇલની સિસ્ટમે એ મેઇલ જે તે યૂઝર્સે જ મોકલ્યા હોવાનું ધારી લીધું અને પરિણામે તેમને, તેમના સેન્ટ ફોલ્ડરમાં મોકલી આપ્યા!
અત્યારની માહિતી મુજબ દરેક કિસ્સામાં, સેન્ટ ફોલ્ડરમાંના સ્પામ મેઇલ્સ જે તે યૂઝરના કોઈ જાણીતા કોન્ટેક્ટને મોકલાયા નહોતા. આનો અર્થ એ થયો કે ગૂગલ કહે છે તેમ કોઈ યૂઝરનાં એકાઉન્ટ હેક થયાં નહીં હોય (તમારા સેન્ટ ફોલ્ડરમાં ખોટા મેઇલ્સ દેખાય તો ચિંતા કરશો નહીં), પણ સિસ્ટમ એટલી નબળી તો ખરી જ કે આવા મેઇલ્સ સ્પામ તરીકે ફિલ્ટર થવાને બદલે સેન્ટ ફોલ્ડર સુધી પહોંચી ગયા. હવે જીમેઇલના એન્જિનીયર્સ આ ખામી સુધારવાની કસરતમાં લાગી ગયા છે.
મતલબ કે આગળ બે કૌંસમાં લખેલી સલાહ સાચી જ છે અને તેનું પાલન કરવાથી, કમ સે કમ, આપણા પક્ષ તરફથી આપણે પોતાના જીમેઇલ એકાઉન્ટને સલામત રાખી શકીશું!

