તમે એક જ મેઇલ એક સાથે ૫૦૦થી વધુ લોકોને મોકલો કે એક દિવસમાં ૫૦૦થી વધુ ઈ-મેઇલ મોકલો તો જીમેઇલ તમારા એકાઉન્ટને કામચલાઉ અટકાવી દે છે. તમે ૨૪ કલાક પછી તેનો ફરી ઉપયોગ કરી શકો.
એટેચમેન્ટ મોકલવાની મર્યાદા વિશે તમે કદાચ જાણતા હશો. જીમેઇલમાં વધુમાં વધુ ૨૫ એમબીની એક ફાઇલ (કે એકથી વધુ ફાઇલ, પણ કુલ ફાઇલ સાઇઝ ૨૫ એમબી)ની મર્યાદામાં એટેચમેન્ટ મોકલી શકીએ છીએ.
જ્યારે મોકલવાની એક ફાઇલની સાઇઝ ૨૫ એમબી કરતાં વધુ હોય ત્યારે જીમેઇલ તેને એટેચમેન્ટ તરીકે મોકલવાને બદલે ગૂગલ ડ્રાઇવની લિંક બનાવીને એ લિંક પરથી એ ફાઇલ ડાઉનલોડ કરવાની સગવડ આપે છે.
ગૂગલ ડ્રાઇવની મદદથી વધુમાં વધુ ૧૦ જીબી જેટલી મોટી એક ફાઇલ બીજી વ્યક્તિ સાથે શેર કરી શકાય.
જો તમે જી-સ્યૂટ (અગાઉ ગૂગલ એપ્સ)નો લાભ લેતા હો અને info@duplics.cybersafar.in જેવા તમારા ડોમેઇ પર જીમેઇલની સુવિધાનો ઉપયોગ કરતા હો તો તેમાં દર મિનિટે, દર કલાકે અને દરરોજ એક યૂઝર કેટલા મેઇલ રીસિવ કરી શકે તેની પણ નિશ્ચિત મર્યાદા છે. જી-સ્યૂટના યૂઝર્સ એક મિનિટમાં વધુમાં વધુ ૬૦ મેઇલ, ૧ કલાકમાં ૩૬૦૦ ઈ-મેઇલ અને એક દિવસમાં ૮૬૪૦૦ ઈ-મેઇલ મેળવી શકે છે.
આમ જુઓ તો જીમેઇલના આપણા રોજિંદા ઉપયોગમાં આ મર્યાદાઓ આપણને કોઈ રીતે નડતરરૂપ બને તેમ નથી. કારણ કે સામાન્ય યૂઝર્સ માટે આટલી મોટી સંખ્યા કે સાઇઝમાં ઈ-મેઇલની આપ-લે કરવાની લગભગ જરૂર પડતી નથી.
ઉપરાંત જીમેઇલ આપણા એકાઉન્ટને ફક્ત ૨૪ કલાક માટે સસ્પેન્ડ કરે છે એ દૃષ્ટિએ પણ આ મર્યાદાઓ આપણા માટે મોટા અવરોધરૂપ નથી.
ખાસ તો જીમેઇલમાં આપણા પર વધુ પડતા સ્પામ મેસેજિસ આવે નહીં કે આપણા એકાઉન્ટમાંથી સ્પામ મેસેજિસ જાય નહીં એ માટે આ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.

