સવાલ મોકલનાર : ભાવેશ મકવાણા, ગારિયાધાર
આજનો સમય ઇન્સ્ટન્ટ કમ્યુનિકેશનનો છે અને મોટા ભાગે એવું બનતું હોય છે કે, વિશ્વના કોઈ ખૂણે બેઠેલી વ્યક્તિ વિશ્વના બીજા ખૂણે બેઠેલી વ્યક્તિ ઈ-મેઇલ મોકલવા માટે સેન્ડ બટન પર ક્લિક કરે તેની થોડી જ ક્ષણોમાં તે સામેની વ્યક્તિના સ્ક્રીન પર આવી ગયેલો દેખાય.
પરંતુ જેમ કમ્યુનિકેશનની ઝડપ વધી છે તેમ આપણી ઉતાવળ અને અધીરાઈ પણ વધી છે. ઘણી વાર એવું બને કે ઈ-મેઇલ કોઈ મહત્ત્વના કામકાજ સંબંધિત હોય તો ઈ-મેઇલ મોકલનારી વ્યક્તિ મેઇલ સેન્ડ કર્યાની સાથોસાથે સામેની વ્યક્તિને ફોન પણ જોડે અને પોતે મોકલેલો મેઇલ પહોંચી ગયો કે નહીં તેની ખાતરી કરવા કહે.
આવે વખતે આપણા ધ્યાનમાં આવે કે ક્યારેક ઈ-મેઇલ સેન્ડ અને રીસિવ કરવા વચ્ચે ખાસ્સો સમય વિતી જતો હોય છે. આવે સમયે રાજકોટથી અમદાવાદ મેઇલ કરવામાં આવ્યો હોય તો બંને પાર્ટી વાત વાતમાં હળવાશથી કહે કે “મેઇલ કદાચ લીંબડી કે બાવળા પહોંચી ગયો હશે અને હવે થોડી વારમાં પહોંચશે!
આ મજાકમાં વાસ્તવમાં સચ્ચાઇનો ઘણો અંશ છે! ફેર એટલો કે ઈ-મેઇલ રાજકોટથી અમદાવાદની સફરમાં, લીંબડી ને બાવળા નહીં પણ જુદાં જુદાં સર્વરમાંથી પસાર થઈને પહોંચે છે.
તમે કદાચ જાણતા હશો કે ઈ-મેઇલ આખેઆખી એક ફાઇલના સ્વરૂપે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટર સુધીની સફર પૂરી કરતો નથી. ઈ-મેઇલમાંની માહિતી અલગ અલગ સંખ્યાબંધ પેકેટ્સમાં ફેરવાય છે અને આ દરેક પેકેટ જુદા જુદા અનેક સર્વરમાં ટપ્પા ખાઈને મૂળ સરનામા તરફ આગળ વધે છે અને છેવટે આ બધાં પેકેટ ભેગાં થઇને એક મેઇલ સ્વરૂપે સામેની પાર્ટીને જોવા મળે છે.
આમ ઈ-મેઇલની સફરમાં સંખ્યાબંધ સર્વર સંકળાયેલાં હોય છે અને આ દરેક સર્વર પર જુદા જુદા અનેક કામકાજનું ભારણ હોય છે. પરિણામે કોઈ એક સર્વરમાં ઈ-મેઇલને આગળ ધપાવવામાં મોડું થાય તો તેને કારણે આખા ઈ-મેઇલને સામેના છેડે પહોંચવામાં મોડુ થઇ જાય છે.
ઈ-મેઇલમાં વિલંબની વાત નીકળી છે તો ઈ-મેઇલ બાઉન્સ થવાની વાત પણ કરી લઈએ
ઘણી વાર એવું બને કે, સામેની વ્યક્તિએ મોકલેલો મેઇલ આપણા સુધી પહોંચે જ નહીં. આવું થવાનાં જુદાં જુદાં કારણો હોઈ શકે છે.
મોટા ભાગે જ્યારે ઈ-મેઇલ સામેના છેડા સુધી પહોંચે નહીં ત્યારે સેન્ડરને તેનું કારણ દર્શાવતો ઈ-મેઇલ મળે છે.
ક્યારેક એવું પણ બને છે કે સેન્ડરને એવો ઈ-મેઇલ મળે છે કે ‘સામેના એડ્રેસ પર તમારો ઈ-મેઇલ પહોંચ્યો નથી પરંતુ તમારે કશું કરવાની જરૂર નથી. સિસ્ટમ તમારો ઈ-મેઇલ ડિલિવર કરવાની ફરી કોશિશ કરશે.
ઈ-મેઇલ નિર્ધારિત એડ્રેસ પર ડિલિવર ન થવાનું મુખ્ય કારણ સામેના છેડાનું ઇનબોક્સ ફૂલ હોય એ હોઈ શકે છે. ઘણી કંપનીમાં કર્મચારીઓને બહુ ઓછી સ્ટોરેજ ક્ષમતાવાળા ઇનબોક્સ ધરાવતું ઈ-મેઇલ એડ્રેસ આપવામાં આવે છે. તેના કરતાં વધુ સાઇઝનો ઈ-મેઇલ આવે તો એ ઈ-મેઇલ ડિલિવર થતો નથી. આ ઉપરાંત, નીચેના કારણોસર પણ ઈ-મેઇલ બાઉન્સ થઈ શકે છે.
મોકલવામાં આવેલા ઈ-મેઇલમાં શંકાસ્પદ લિંક હોય કે સામેની પાર્ટીનું ઈ-મેઇલ એડ્રેસ જ ખોટું હોય.
જુદી જુદી ઈ-મેઇલ સર્વિસ પોતાના યૂઝર્સને સ્પામ એટલે કે વણજોઇતા ઇમેઇલ્સથી બચાવવાની ટેકનોલોજી વધુ ને વધુ સુદૃઢ બનાવતી જાય છે. તેને કારણે સ્પામ ન હોય તેવો ઈ-મેઇલ પણ સ્પામ ગણાઈ જાય અને બાઉન્સ થાય એવું પણ બની શકે.
ઘણી વાર ઈ-મેઇલ સર્વિસીઝ ઈ-મેઇલની ડિલિવરીમાં મોકલનારની પ્રતિષ્ઠા પણ ધ્યાને લે છે. મોટા ભાગની ઈ-મેઇલ સર્વિસ, મોકલનારના ડોમેઇન અને/અથવા આઇપી એડ્રેસને આધારે મોકલનારની પ્રતિષ્ઠા નક્કી કરે છે. તેમાં તેને કંઇ પણ ગરબડ જણાય તો ઈ-મેઇલ ડિલિવર કરવામાં આવતો નથી.
ક્યારેક ચોક્કસ આઈપી એડ્રેસને બદલે આખી આઈપી રેન્જ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આથી તમારી આઈપી રેન્જમાં અન્ય કોઈ વ્યક્તિ સ્પેમિંગ કરી રહી હોય તો તમારા સાચા ઈ-મેઇલને તેની અસર થાય તેવું બની શકે!


