(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓનલાઇન શોપિંગના જુવાળમાં તમારી કમાણીની તક શોધો!

આગળ શું વાંચશો?

  • કમાણીના નવા રસ્તા શોધો
  • ઓનલાઇન શોપિંગ સાઇટના ડિલિવરી પાર્ટનર બનો

ભારતનાં નાનાં-મોટાં શહેરોમાં આજકાલ જાણીતાં રેસ્ટોરાં બહાર બે પ્રકારની ભીડ જોવા મળે છે. એક, રેસ્ટોરાંમાં ટેબલ મળે તેની રાહ જોતા લોકો અને બીજા, રેસ્ટોરાંના કિચનમાંથી ડિલિવરી માટેનાં પાર્સલ આવે તેની રાહ જોતા, વિવિધ ફૂડ એપ્સના ડિલિવરી પર્સન્સ!

એક તરફ ઇન્ટરનેટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓનલાઇન શોપિંગ વગેરેને કારણે આપણી નોકરીઓ જશે એવી લોકોને ચિંતા પેઠી છે તો બીજી તરફ, એ જ ઇન્ટરનેટને કારણે લોકો માટે કમાણીની અનેક નવી તક પણ ખૂલી રહી છે.

ફૂડ એપ્સની વાત કરીએ તો, હવે સંખ્યાબંધ લોકો રેસ્ટોરાં બહાર રાહ જોતા ઊભવાને બદલે, મનપસંદ રેસ્ટોરાંમાંથી ફોન પર ઓર્ડર આપીને ફૂડ પાર્સલ મગાવી લેવાનું પસંદ કરવા લાગ્યા છે. આ વ્યવસ્થાનું નવું અર્થતંત્ર કેવી રીતે ચાલે છે એ સમજવા જેવું છે.

રેસ્ટોરાં માટે આ રીતે મળતા ઓર્ડર્સ બિલકુલ વધારાનો, નવો બિઝનેસ છે. રેસ્ટોરાંમાંની ટેબલસાઇઝ અને બેઠક વ્યવસ્થાની સંખ્યાની મર્યાદાને કારણે કોઈ પણ રેસ્ટોરાં દિવસમાં અમુક નિશ્ચિત સંખ્યાથી વધુ લોકોને સર્વ કરી શકતા નથી. જયારે ઓનલાઇન ઓર્ડરમાં એવી મર્યાદા જ નથી, મર્યાદા ફક્ત કિચન અને રસોઇયાની છે.

રેસ્ટોરાંમાં આપણે જે તે ડિશની જે કિંમત ચૂકવીએ છીએ તેમાં જગ્યાનું ભાડું, એસી અને લાઇટિંગનો ખર્ચ, વેઇટર્સના પગારના ખર્ચથી માંડીને ઠામ-વાસણ ધોનારા સ્ટાફ સુધીનો બધો ખર્ચ ઉમેરાતો હોય છે. આ બધો ખર્ચ ઓનલાઇન ઓર્ડરમાં નીકળી જાય છે.

પરિણામે રેસ્ટોરાં માલિકનો ડિશ દીઠ ખર્ચ બચે છે અને ફૂડ એપ્સ તેનો લાભ લઈને રેસ્ટોરાં પાસેથી દરેક ડિશ ડિસ્કાઉન્ટેડ કિંમતે મેળવી શકે છે. તેમાંથી ફૂડ એપ પોતાનો વહીવટી ખર્ચ અને ડિલિવરીનો ખર્ચ કાઢે છે તથા નફો પણ કમાય છે! પરિણામે ઘેરબેઠાં મનગમતી વાનગી, ઘણી વાર ડિસ્કાઉન્ટેડ કિંમતે મેળવનારા આપણે ગ્રાહકો ખુશ, ફૂડ એપ સ્ટાર્ટઅપ ખુશ, ડિલિવરી પર્સન ખુશ અને રેસ્ટોરાં માલિક પણ ખુશ!

મોર્ગન સ્ટેનલી જેવી વિખ્યાત રિચર્જ એજન્સીએ ભારતીય ફૂડ એપ સ્ટાર્ટઅપ ઝોમાટોનું વેલ્યુએશન આ વર્ષની શરૂઆતમાં ૨.૫ અબજ ડોલર (રૂપિયામાં ગણવા અંદાજે ૬૫થી ગુણી નાખો!) આંક્યું હતું!

એમેઝોને હિમાલયના દુર્ગમ લેહમાં એક લોકલ પાર્ટનરની મદદથી પોતાનું ડિલિવરી નેટવર્ક વિક્સાવ્યું છે

જે ફૂડ એપ્સમાં થયું છે એ જ હવે રોજબરોજના કરિયાણા અને દવાઓની બાબતમાં થવાની શક્યતા છે. સરકાર દવાના ઓનલાઇન વેચાણ પરનાં નિયંત્રણો ઘટાડી રહી છે એટલે તમામ મોટી ઓનલાઇન શોપિંગ કંપનીઝે ઓનલાઇન દવાઓ વેચવાની શરૂઆત કરનારાં સ્ટાર્ટઅપ્સને ટેકઓવર કરી લેવા વાટાઘાટો શરૂ કરી દીધી છે.

દવાના ઓનલાઇન વેચાણમાં, સ્ટાર્ટઅપ આપણી પડોશમાંની દવાની દુકાન સાથે જ આપણને જોડી આપે છે. પરિણામે રેસ્ટોરાંનું ગણિત અહીં પણ કામે લાગે છે. આપણી દવાની દુકાનવાળાને કોઈ ગ્રાહક દુકાને ન આવે તો પણ વધારાનો બિઝનેસ મળે છે અને આપણને ઘેરબેઠાં દવા મળે છે!


ઓનલાઇન દવા વેચતી ફાર્મસી કંપનીઝ, હોટેલ રૂમ્સ બુક કરતી એપ્સ, કેબ કે રિક્ષાની એપ્સ, ઓનલાઇન શોપિંગ એપ્સ વગેરે તમામ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. જે તે પ્રોડક્ટ કે સર્વિસ આપતી કંપની કે વ્યક્તિને વધારાનો બિઝનેસ અપાવવો, તેના બદલામાં કિંમત પર ભારે ડિસ્કાઉન્ટ મેળવવું અને તે આખી સાંકળમાં સંકળાયેલા સૌમાં યોગ્ય રીતે વહેંચી દેવું!

કમાણીના નવા રસ્તા શોધો

આમ જો તમારા નાના-મોટા કોઈ પણ પ્રકારના બિઝનેસને ઓનલાઇન એપ્સને કારણે માઠી અસર થઈ રહી હોય તો, તો એને જ તમારી કમાણીનું નવું સાધન બનાવવાના રસ્તા વિચારી શકાય.

ઓનલાઇન શોપિંગ સાઇટ્સને કારણે નાની-મોટી વાસ્તવિક દુકાનોને માઠી અસર થશે એવી ચિંતા પણ ઘણા સમયથી વ્યક્ત થઈ રહી છે, એ કદાચ સાચી પણ હશે, પણ અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે ઓનલાઇન શોપિંગના વધતા ટ્રેન્ડને કારણે અનેક લોકો માટે રોજી કે કમાણીના નવા રસ્તા ખૂલવા લાગ્યા છે.

જેમ કે જગતની સૌથી મોટી ઓનલાઇન શોપિંગ કંપની એમેઝોન ભારત સહિત જુદા જુદા દેશમાં ડિલિવરી તેના પોતાના ડિલિવરી નેટવર્ક સહિત જે તે દેશની પોસ્ટલ સર્વિસનો પણ ઉપયોગ કરે છે. ગયા વર્ષના આંકડા પ્રમાણે, ઓનલાઇન શોપિંગ ડિલિવરી કન્સાઇન્મેન્ટ્સને કારણે ભારતીય પોસ્ટને થતી આવક દર વર્ષે ત્રણ ગણી વધી રહી છે!

ગયા વર્ષના જ અંદાજ મુજબ, માત્ર એમેઝોન દર મહિને ત્રણ લાખ પેકેજીસની ડિલિવરી ભારતીય પોસ્ટ દ્વારા કરે છે. ભારતીય પોસ્ટની પહોંચ દેશના ખૂણે ખૂણા સુધી હોવાથી કુરિયર સર્વિસ કરતાં તેનો હાથ ઉપર રહે છે.

છતાં એમેઝોનની જરૂરિયાત તેથી પણ વધુ છે, તેથી લોકલ પાર્ટનર્સ શોધે છે.

ઓનલાઇન શોપિંગ સાઇટના ડિલિવરી પાર્ટનર બનો

ઓનલાઇન શોપિંગનું પ્રમાણ એટલું વધી રહ્યું છે કે ઓનલાઇન પ્લેટફોર્મ્સ વધુ ઝડપી ડિલિવરીના નવા નવા રસ્તા શોધતાં રહે છે – પરિણામે લોકો માટે આવકના નવા રસ્તા ખૂલે છે.

જેમ કે વર્ષ ૨૦૧૫થી એમેઝોને ભારતમાં ‘આઇ હેવ સ્પેસ’ (મારી પાસે જગ્યા છે) નામનો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેના હેઠળ, જો તમારી પાસે પોતાની દુકાન હોય, ડિલિવરી માટે આવેલાં પેકેટ્સ રાખવાની જગ્યા હોય અને તેની નિયમિત ડિલિવરી કરી શકે તેવા માણસની વ્યવસ્થા હોય તો તમે પણ એમેઝોનના આ પ્રોગ્રામમાં જોડાઈ શકો છો.

એમેઝોનનો આ પ્રોગ્રામ અત્યારે ભારતનાં ૧૮૦ જેટલાં શહેરોમાં ૧૨૫૦૦ જેટલા સ્ટોર્સ સુધી વિસ્તરી ચૂક્યો છે.

સરકાર દવાના ઓનલાઇન વેચાણ પરનાં નિયંત્રણો ઘટાડી રહી છે એટલે મોટી ઓનલાઇન શોપિંગ કંપનીઝે ઓનલાઇન દવાઓ વેચતાં નાનાં સ્ટાર્ટઅપ્સને ટેકઓવર કરી લેવા વાટાઘાટો શરૂ કરી દીધી છે.

નાની-મોટી દુકાન ધરાવતા લોકો આ પ્રોગ્રામમાં જોડાઈને, પોતાની દુકાનથી ૨થી ૪ કિલોમીટર સુધીના અંતરે આવેલાં સરનામાં પર એમેઝોનના ઓર્ડરની ડિલિવરી કરવાનું શરૂ કરી શકે છે. એમેઝોન તેને મળેલા ઓર્ડરના સરનામા મુજબ, આવા દુકાન માલિકોને પેકેટ મોકલે છે, જે દુકાન માલિક મૂળ ગ્રાહક સુધી પહોંચાડે છે.

દુકાન માલિક ઇચ્છે તો પોતાની દુકાનને એમેઝોનનું પિક-અપ પોઇન્ટ પણ બનાવી શકે છે. પરિણામે, જે લોકો (જેમ કે વર્કિંગ કપલ્સ)ના ઘરે એમેઝોનના ડિલિવરી સમયે તાળું રહેતું હોય, એવા લોકો આવી નજીકની દુકાને જઈને પોતાના ઓર્ડરની ડિલિવરી મેળવી શકે છે. પરિણામે દુકાનદારને તેની દુકાનમાં વેચાતી વસ્તુ વેચવાની પણ તક મળી જાય છે!

એમેઝોન સાથે જોડાયેલા દુકાન માલિકોને રોજના સરેરાશ ૩૦થી ૪૦ પેકેટ્સની ડિલિવરીનું કામ મળે છે અને તે દરેક માટે તેમને નિશ્ચિત રકમ મળે છે.

એમેઝોને આ રીતે ભારતના સૌથી દુર્ગમ વિસ્તાર લેહમાં પણ ડિલિવરી શરૂ કરી છે! અહીં રોજ સવારે દિલ્હીથી આવતા પ્લેનમાં એમેઝોનની ૧૫-૨૦ બેગ પણ હોય છે. અહીં એક નાની દુકાનના માલિકે ‘ઇન્ક્રેડિબલ હિમાલયા’ નામે એમેઝોન સાથે ડિલિવરી પાર્ટનરશીપ કરી છે.

આ રીતે એક સ્થાનિક દુકાનદાર સાથે ડિલિવરી માટે જોડાણ કર્યા પછી, લેહમાં એમેઝોનનું વેચાણ બાર ગણું વધી ગયું છે! લેહમાં પ્લેનથી ડિલિવરી કરવાનું એમેઝોનને પોસાય નહીં, પણ બીજાં શહેરોમાંથી થતી આવકમાંથી તે ખર્ચની ભરપાઈ થઈ જાય છે.

એમેઝોનના ‘આઇ હેવ સ્પેસ’ પ્રોગ્રામમાં જોડાવા માટે આ પેજ જુઓ અને તેના અંતે આપેલી લિંક પર ક્લિક કરી, જરૂ‚રી માહિતી સાથે ફોર્મ ભરો : https://services.amazon.in/resources/seller-blog/i-have-space-by-amazon.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!