આગળ શું વાંચશો?
- ફેસબુક ‘એમ’ને વિદાય
- વોટ્સએપ ફોર બિઝનેસ
- પેટીએમ ફોર બિઝનેસ
- હવે પ્લેનમાં પણ નેટ કનેક્ટિવિટી
- માઇક્રોસોફ્ટનું સ્ટુડન્ટ માટેનું લેપટોપ
- દરેક કોલેજમાં ફ્રી વાઇ-ફાઇ મળશે?!
ફેસબુક ‘એમ’ને વિદાય
બધી ટેક કંપનીઝ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ પર મોટો મદાર બાંધી રહી છે. એપલમાં સિરી, વિન્ડોઝમાં કોર્ટના, ગૂગલમાં ગૂગલ આસિસ્ટન્ટ ધીમે ધીમે આપણે માટે ઉપયોગી બની રહ્યા છે. આ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણી સાથેની વાતચીતમાંથી અને તેની પાસે ઉપલબ્ધ ડેટામાંથી સતત નવું શીખી વધુ ને વધુ સ્માર્ટ બને છે. જિઓના સબસ્ક્રાઇબર્સ જાણતા હશે કે જિઓ પણ હેલ્લો જિઓ નામે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની સુવિધા પૂરી પાડે છે.
આ બધા વચ્ચે ફેસબુકે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની ઉપયોગિતા પરનો વિશ્વાસ ગુમાવી દીધો હોય તેવું લાગે છે. ફેસબુકે ૨૦૧૫માં મેસેન્જરમાં માત્ર ‘એમ’ જેવું ટૂંકું નામ ધરાવતા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની સુવિધા આપી હતી પરંતુ જાન્યુઆરી ૨૦૧૮થી ફેસબુકે તેના ‘એમ’ને વિદાય આપી દીધી છે!
આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યાં સુધીમાં વોટ્સએપ પર યુપીઆઇ આધારિત પેમેન્ટ સિસ્ટમ આવી જાય તેવી પૂરી શક્યતા છે. આમ તો ડિસેમ્બર, ૨૦૧૭માં તેના લોન્ચિંગની શક્યતા હતી. આપણને વોટ્સએપની જો જબરી લત છે જ, જો તેને કારણે, બે-ત્રણ ક્લિકમાં યુપીઆઇ આધારિત લેવડ-દેવડ આવડી જશે તો ભારતમાં ઓનલાઇન પેમેન્ટ ખરી ગતિ પકડશે.
વોટ્સએપ ફોર બિઝનેસ
ગયા મહિને વોટ્સએપની બિઝનેસ એપ ભારતમાં લોન્ચ થઇ ગઈ છે. અત્યારે બુક માય શો, નેટ ફ્લિક્સ અને મેક માય ટ્રિપ જેવી મોટી કંપનીઓએ વોટ્સએપ બિઝનેસ એપ સાથે જોડાણ કર્યું છે. આમાં જે પરિણામો જોવા મળશે તેને પગલે વોટ્સએપ બિઝનેસ એપ બીજા બિઝનેસીઝ માટે પણ ઓપન કરવામાં આવશે.
પેટીએમ ફોર બિઝનેસ
વોટ્સએપને પગલે પેટીએમ તરફથી પણ ખાસ બિઝનેસીઝ માટેની ‘પેટીએમ ફોર બિઝનેસ’ એપ લોન્ચ કરવામાં આવી છે.
વોટ્સએપમાં સ્માર્ટ મેસેજિંગ સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો છે તો પેટીએમ ફોર બિઝનેસમાં રકમની લેવડદેવડ સહેલી બનાવવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પેટીએમની આ સુવિધામાં બિઝનેસીઝ જે રકમ મેળવશે તે કોઈ ચાર્જ વિના સીધી બેંક ખાતામાં જમા થઇ શકશે.
ઘણા સસ્તા ફોનમાં પણ એન્ડ્રોઇડની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમનો પૂરો લાભ લઈ શકે તેવી ‘એન્ડ્રોઇડ ગો’ ઓપરેટિંગ સિસ્ટમવાળો ભારતનો પહેલો ફોન માઇક્રોમેક્સ કંપની તરફથી મળશે. માંડ રૂ. ૨૦૦૦ની કિંમતમાં લેટેસ્ટ ફીચર્સવાળો ફોન લેવાનું વિચારતા હો તો આ ફોન માટે થોડી રાહ જુઓ! ઇન્ટેક્સ, લાવા અને કાર્બનના આવા ફોન પણ આવી રહ્યા છે.
હવે પ્લેનમાં પણ નેટ કનેક્ટિવિટી
પ્લેનમાં સતત ઉડાઉડ કરતા બિઝનેસમેન અને એક્ઝિક્યુટિવ્સ માટે ખુશખબર છે. હવે તેઓ ચાલુ ફ્લાઇટ દરમ્યાન પોતાના સ્માર્ટફોન અને લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેળવી શકશે. અત્યાર સુધી આમ કરવા પર પ્રતિબંધ હતો અને ફ્લાઇટમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવો હોય તો તેને ફ્લાઇટ મોડમાં મૂકવો અનિવાર્ય હતો (જોકે જે લોકો આ જાણતા નહોતા તેઓ પોતાની રોજિંદી રીતે સ્માર્ટફોનનો ઉપયોગ કરી લેતા હતા!).
નવા નિયમ મુજબ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઇનફ્લાઇટ કનેક્ટિવીટી આપવા માટે ટેલિકોમ કંપનીઝને અલગ લાયસન્સની વ્યવસ્થાની ભલામણ કરી છે. જોકે આ સુવિધાનો ઉપયોગ કરવા માટેના દર આંતરરાષ્ટ્રિય ધોરણો અનુસાર નક્કી થશે અને વિમાન ભાડાના ૩૦ ટકા જેટલી વધુ રકમ ઇન ફ્લાઇટ કનેક્ટિવીટી મેળવવા માટે ખર્ચવી પડે તેવી શક્યતા છે. મતલબ કે અડધાથી એક કલાકની ફ્લાઇટમાં જો તમારે ઇનફ્લાઇટ નેટ કનેક્ટિવીટી મેળવવી હોય તો રૂ. ૫૦૦થી રૂ.૧૦૦૦ વધુ ખર્ચવાની તૈયારી રાખવી પડશે.
માઇક્રોસોફ્ટનું સ્ટુડન્ટ માટેનું લેપટોપ
માઇક્રોસોફ્ટ કંપનીએ ખાસ સ્ટુડન્ટસ માટે સસ્તાં વિન્ડોઝ ૧૦ લેપટોપ લોન્ચ કર્યાં છે. આ માટે કંપનીએ લિનોવો સાથે પાર્ટનરશીપ કરી છે. લિનોવો ૧૦૦ઇ નામની આ લેપટોપ સીરિઝમાં વિન્ડોઝ-૧૦ ઓપરેટિંગ સિસ્ટમ, ઇન્ટેલ સેલેરોન પ્રોસેસર તથા ઇન્ટેલ એચડી ગ્રાફિક્સ હશે તથા ૨ જીબી અને ૪ જીબી રેમના વિકલ્પ મળશે.
આ લેપટોપનો સ્ક્રીન ૧૧.૬ ઇંચનો રહેશે અને તેમાં ૩૨ જીબી અને ૬૪ જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ કેપેસિટી મળશે. કિંમત રૂ. ૧૨થી ૧૩ હજાર હશે. ભારતમાં અત્યારે ઉપલબ્ધ, વિદ્યાર્થીઓ માટેનાં અન્ય લેપટોપ્સ પણ આ અંકમાં આગળ આપેલા લેખમાં જોઈ જવા જેવાં છે.
દરેક કોલેજમાં ફ્રી વાઇ-ફાઇ મળશે?!
સ્ટુડન્ટસ માટે ખુશખબર છે! સરકારે ભારતની દરેક કોલેજ અને યુનિવર્સિટીને પોતાના સ્ટુડન્ટસને ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે ફ્રી વાઇ-ફાઇ સુવિધા આપવા જણાવ્યું છે. આ મુજબ દરેક વિદ્યાર્થીને એક મહિના માટે ઓછામાં ઓછો એક જીબી ડેટા આપવાનો પ્રસ્તાવ છે.
આ વિશે ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે દેશની ૯૦૦ યુનિવર્સિટીઝ અને ૪૦,૦૦૦ કોલેજીસને એક પત્ર મોકલ્યો છે. ગયા વર્ષે મુકેશ અંબાણીએ દેશની ૩૮૦૦૦ કોલેજમાં ફ્રી વાઇ-ફાઇ સુવિધા આપવાની ઓફર કરી હતી. રિલાયન્સ જિઓએ ભારત સરકાર સાથે આ વિરાટ કામ હાથ ધરવાનું સૂચવ્યું છે. જો બધું સમુંસૂતરું પાર પડશે તો આ વર્ષે ૧૫મી ઓગસ્ટ સુધીમાં કોલેજમાં ફ્રી વાઇ-ફાઇ મળવા લાગે તેવુ બની શકે છે!


