ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઘણા લોકોનો હંમેશા એક સવાલ હોય છે – કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી?
આ સવાલનો આખા આઇટી ક્ષેત્રના સંદર્ભમાં એક જવાબ આપવો મુશ્કેલ છે, પણ જો તમે એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ પર ફોકસ કર્યું હોય તો જવાબ સહેલો છે – અત્યાર સુધી એન્ડ્રોઇડ ડેવલપમેન્ટમાં જાવાની બોલબાલા હતી, પણ આવનારો સમય ‘કોટલિન’ નામની નવી પ્રોગ્રામિંગ લેંગ્વેજનો છે.
આ લેંગ્વેજ અત્યાર સુધી ખાસ જાણીતી નહોતી, પણ ગૂગલે ગયા વર્ષે મે મહિનામાં એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ માટે કોટલિન લેંગ્વેજ માટે ઓફિશિયલ સપોર્ટની જાહેરાત કર્યા પછી તેનો ઉપયોગ ખાસ્સો વધ્યો છે.
તમે જાણતા હશો તેમ સોફ્ટવેર કે એપ્લિકેશન ડેવલમેન્ટ માટેના પ્રોગ્રામ્સ લખવા અને ટેસ્ટ કરવા માટે ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ (આઇડીઇ) તરીકે ઓળખાતા ટૂલનો ઉપયોગ થતો હોય છે. આવાં આઇડીઇ સોલ્યુશન્સ ડેવલપ કરતી, જેટબ્રેઇન્સ નામની એક યુરોપિયન કંપનીએ શરૂઆતમાં પોતાની ડેવલપમેન્ટ સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ૨૦૧૧માં આ લેંગ્વેજ વિક્સાવી હતી, પરંતુ પાછળથી તેને ઓપન સોર્સ પ્લેટફોર્મ તરીકે ૨૦૧૬માં ઓફિશિયલી રીલિઝ કરવામાં આવી.
જાવામાં પ્રોગ્રામિંગ કરતી વખતે, નાનાં નાનાં કામ માટે એકનો એક કોડ વારંવાર લખવો પડે છે, જેટબ્રેઇન કંપનીની ૭૦ ટકાથી વધુ પ્રોડક્ટ્સ જાવા આધારિત હોવાથી કંપની ઓછા સમયમાં, ઝડપી કોડિંગ કરી શકાય તેવા જાવાના વિકલ્પની શોધમાં હતી. આ પ્રયાસોના પરિણામ સ્વરૂપે કોટલિન લેંગ્વેજ વિકસી છે.
જાવાની સરખામણીમાં કોટલિનના ઘણા દેખીતા ફાયદા હોવા છતાં, લોકો મોબાઇલ એપ ડેવલપમેન્ટમાં તેનો ઉપયોગ કરતાં ખચકાતા હતા, પરંતુ ગૂગલે પોતે કોટલિનને સપોર્ટ જાહેર કર્યા પછી, એન્ડ્રોઇડમાં અણધાર્યા ફેરફારો થાય તો પણ કોટલિનમાં ડેવલપ કરેલી એપ્સ નકામી બની જવાનો ડર રહ્યો નહીં. અત્યારે પિન્ટરેસ્ટ (જેનો ૧૫ કરોડ લોકો દર મહિને ઉપયોગ કરે છે!), પોકેટ, વર્ડપ્રેસ, ટ્રેલો, ઉબર, એવરનોટ, બેઝકેમ્પ વગેરે જાણીતી કંપની પોતાના એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ માટે કોટલિનનો ઉપયોગ કરવા લાગી છે.
જોકે એ ખાસ સમજવા જેવું છે કે કોટલિન લેંગ્વેજ એ રીતે ડેવલપ થયેલી છે કે તે જાવા સાથે એકદમ કમ્પેટિબલ છે. એટલે કે જાવાને બદલે બિલકુલ નવેસરથી કોટલિનમાં કામ કરવાને બદલે, જાવાના કોડમાં કોટલિનના કોડ ઉમેરી શકાય છે.
કોઈ એપ માટે જાવામાં લખાયેલા કોડને સહેલાઈથી કોટલિનમાં ક્ધવર્ટ પણ કરી શકાય છે. અમુક એપ્સના કિસ્સામાં આ રીતે કોડને જાવામાંથી કોટલિનમાં કન્વર્ટ કરવાથી કોડની કુલ લાઇન્સમાં ૩૦ ટકા જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ કારણે કોટલિનમાં કોડિંગ, જાવાની સરખામણીમાં ઘણું ઝડપી બની શકે છે ને પ્રોગ્રામરનો સમય બચે છે.
કોટલિનનો બીજો ફાયદો એ છે કે કોડિંગમાં કંઈ ભૂલ રહી ગઈ હોય તો છેક રન ટાઇમ વખતે નહીં પણ કમ્પાઇલિંગના તબક્કે જ આ ભૂલ પકડાઈ જાય છે, જોકે તેમાં કમ્પાલિંગ સ્પીડ ઓછી હોવાનું કહેવાય છે.
એટલું સ્પષ્ટ છે કે ગૂગલના ઓફિશિયલ સપોર્ટ પછી અને જાવાની સરખામણીમાં કોટલિન લેંગ્વેજ ઘણી ચઢિયાતી હોવાથી તેનો ઉપયોગ નજીકના ભવિષ્યમાં સતત વધવાનો છે.
પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે જાવા ઘણા સમયથી લોકપ્રિય છે, મતલબ કે તેના જાણકાર ડેવલપર્સ ઘણા છે અને તેમની વચ્ચે હરીફાઇ વધુ છે. જ્યારે કોટલિન પ્રમાણમાં બિલકુલ નવી લેંગ્વેજ છે, તેના જાણકાર કે અનુભવી ડેવલપર્સ ઓછા છે એટલે દેખીતું છે કે આવનારા સમયમાં કોટલિન ડેવલપર્સ વધુ ડિમાન્ડમાં રહેશે.
તમે એપ ડેવલપમેન્ટમાં કારકિર્દી બનાવવા ઇચ્છા હો તો કોટલિન વિશે અત્યારથી શક્ય એટલી વધુ માહિતી મેળવવાનું શરૂ કરી દો!
કોટલિનની વેબસાઇટ : https://kotlinlang.org/
કોટલિનના ટ્યુટોરિયલ્સ માટે જુઓ : http://kotlinlang.org/docs/tutorials/
એન્ડ્રોઇડમાં કોટલિનના ઉપયોગ વિશે ગાઇડ્સ : https://android.github.io/kotlin-guides/
યુડેસિટી પર કોટલિનના ફ્રી કોર્સ માટે સર્ચ કરો : udacity course Kotlin for Android Developers

