બિઝનેસ વધારવા માટે તમારા કોન્ટેક્ટ્સના લાઇવ ટચમાં રહેવું બહુ જરૂરી છે.
આજના સમયમાં, ઓછા ખર્ચે લાઇવ ટચમાં રહેવાના ઘણા બધા રસ્તા છે – ફેસબુકમાં પોસ્ટિંગ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, પિન્ટરેસ્ટ વગેરેમાં પોસ્ટિંગ અને મેસેજિંગ, થોડો ખર્ચ કરવાની તૈયારી હોય તો ફેસબુક, ગૂગલ પર એડ્સ વગેરે, પ્રમોશનના નીતનવા રસ્તા ખૂલી ગયા છે.
આ બધામાં, લાંબા સમયથી એક રસ્તો સતત લોકપ્રિય રહ્યો છે – ઈ-મેઇલ માર્કેટિંગનો. વચ્ચેના થોડા સમયમાં તેનો અતિરેક અને બીજાં કારણોસર તેનાં વળતાં પાણી થયાં હતાં, પણ હવે મોબાઇલના જમાનામાં લોકોને આપણો ઈ-મેઇલ આવ્યાનું નોટિફિકેશન પણ આપી શકાતું હોવાથી ઈ-મેઇલ માર્કેટિંગ ફરી લોકપ્રિય થવા લાગ્યું છે.
આ ઉપરાંત, હજી પણ મોટા ભાગના બિઝનેસ માટે ઈમેઇલ્સ અનિવાર્ય છે એટલે લોકો સતત પોતાનું ઇનબોક્સ તપાસતા રહે છે.
જેમ બિઝનેસ માટે બલ્ક ઈ-મેઇલિંગ એક જરૂરી સાધન છે તેમ, હજી ઘણા લોકો પોતાના મિત્રો અને સગાસંબંધીઓના જીવંત સંપર્કમાં રહેવા માટે રોજેરોજ નિયમિત રીતે સૌને ઇ-મેઇલ કરતા હોય છે.
એક સાથે અનેક ઈ-મેઇલ મોકલતી વખતે શું ધ્યાન રાખશો?
ઇ-મેઇલનો ઉપયોગ બિઝનેસ માટે હોય કે પારિવારિક, જો તમે એક સાથે સંખ્યાબંધ લોકોને ઇ-મેઇલ કરતા હો તો બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે.
પહેલો મુદ્દો એ કે જ્યારે એક જ મેઇલ સંખ્યાબંધ લોકોને એક સાથે મોકલવામાં આવે ત્યારે એ તમામના ઇ-મેઇલ આઇડી ટુ બોક્સમાં લખવા યોગ્ય નથી કારણ કે એમ કરવા જતાં આપણે અજાણતાં તમામ લોકોના ઇ-મેઇલ એકબીજા માટે ખુલ્લા મુકી દઇએ છીએ.
બહેતર એ છે કે ટુમાં આપણે પોતાનું કે કોઈ એક જ વ્યક્તિનું એડ્રેલ લખીએ અને બાકીના લોકોના એડ્રેસ બીસીસી એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી બોક્સમાં લખીએ.
મેઇલ બાઉન્સ થતા કેમ અટકાવશો?
જો તમે બીસીસીમાં સંખ્યાબંધ લોકોના એડ્રેસ નાખીને બલ્ક ઈ-મેઇલિંગ કરતા હો તો ઘણી વાર તમારા ઈ-મેઇલ બાઉન્સ થતા હશે અથવા સામેની વ્યક્તિને પહોંચતા નહીં હોય અને તમને તેની જાણ પણ નહી થતી હોય!
હકીકતમાં બલ્ક ઈ-મેઇલિંગ કરવા માટે બીસીસીનો ઉપયોગ કરવો એ સારો રસ્તો નથી.
કારણ એ છે કે એક સાથે અનેક લોકોને વણજોઇતા મેઇલ મોકલવા માટે સ્પેમર્સ પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરે છે.
જીમેઇલ, આઉટલૂક કે હોટમેઇલ જેવી કોઈ પણ ઇ-મેઇલ સર્વિસ જુદા જુદા અનેક પેરામીટર્સને આધારે કોઈ ઇ-મેઇલ સ્પામ છે કે નહીં તે નક્કી કરે છે. આ પેરામીટર્સમાંનું એક એ પણ છે કે બીસીસીમાં કેટલાં એડ્રેસ છે.
સામાન્ય રીતે ૫૦થી વધુ એડ્રેસ આપણે બીસીસીમાં મૂકીને ઇ-મેઇલ કરીએ તો એ મેઇલ તે બાઉન્સ થવાની શક્યતા ઘણી વધી જાય છે.
સારી બલ્ક ઇ-મેઇલિંગ સર્વિસ ઉપયોગી થશે
જો તમારે માટે બલ્ક ઇ-મેઇલિંગ કરવું જરૂરી હોય તો તમે કોઈ સારી બલ્ક ઇ-મેઇલિંગ સર્વિસનો ઉપયોગ કરી શકો.
આવી સર્વિસ એક સાથે હજારોની સંખ્યામાં ઇ-મેઇલ મોકલી શકે છે પરંતુ આપણા મેઇલ અને તેના મેઇલમાં ફેર એ હોય છે કે આવી સર્વિસ બીસીસીનો ઉપયોગ કરતી નથી.
તે આપણે જેટલા ઇ-મેઇલ એડ્રેસ આપ્યા હોય તે બધા જ એડ્રેસ પર વ્યક્તિગત અને મેઇલ સ્પેમ ગણાય તેવાં બધાં સંભવિત કારણો દૂર કરીને ઇ-મેઇલ મોકલે છે.
તમારે લીગલી અને બાઉન્સ ન થાય એ રીતે બલ્ક ઇ-મેઇલિંગ કરવું હોય તો મેઇલચિમ્પ (mailchimp.com) કે અવેબર (aweber.com) જેવી સર્વિસનો ઉપયોગ કરી શકો.
મેઇલચિમ્પ જેવી સર્વિસ ૨૦૦૦ ઇ-મેઇલ એડ્રેસ સુધી મફતમાં બલ્ક ઇ-મેઇલિંગની સગવડ આપે છે. અલબત્ત, તે બિઝનેસ માટે વધુ ઉપયોગી છે અને તેનાં કેટલાંય ફીચર્સનો ઉપયોગ કરવા માટે થોડી ટેકનિકલ જાણકારી જરૂરી છે.
તમારો બિઝનેસ ઘણો નાનો હોય કે તમારે બહુ ફીચરવાળી ઈ-મેઇલિંગ સર્વિસની જરૂર ન હોય અને બિઝનેસ કોન્ટેક્ટ્સ કે મિત્રોના સંપર્કમાં રહેવા પૂરતું બલ્ક ઇ-મેઇલિંગ કરવા માગતા હો તો મેઇલચિમ્પની જ ટાઈનીલેટર (tinyletter.com) નામની સર્વિસનો ઉપયોગ કરી શકો છો. એ એકદમ સરળ છે અને ૫૦૦૦ એડ્રેસ સુધી મફત બલ્ક ઇ-મેઇલિંગની સગવડ આપે છે!

