ભારતમાં ફક્ત એક આધાર નંબરને આધારે અનેક પ્રકારની સુવિધાઓ શરૂ કરવાનાં ભારત સરકારનાં સ્વપ્નો સાકાર કરવામાં એક પછી એક અડચણો આવી રહી છે. આવો એક લેટેસ્ટ અવરોધ આવ્યો છે, ફક્ત આધાર નંબરને આધારે રકમની આપલે શક્ય બનાવવાની સુવિધા આડેનો અવરોધ.
જો તમે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ)નો ઉપયોગ કરતા હશો અને ભીમ, પેટીએમ, ગૂગલ તેઝ કે બેન્કની કોઈ પણ યુપીઆઇ એપનો ઉપયોગ કરતા હશો તો તમે જાણતા હશો કે તેમાં આપણે વિવિધ રીતે કોઈ પણ વ્યક્તિને સહેલાઈથી રકમ મોકલી શકીએ છીએ.
જેમ કે, સામેની વ્યક્તિનો યુપીઆઈ આઇડી, મોબાઇલ નંબર, બેન્ક ખાતા નંબર+આઇએફએસકી કોડ અથવા આધાર નંબર. ગૂગલ તેઝ કે પેટીએમની યુપીઆઇ વ્યવસ્થામાં આધાર નંબરને આધારે પેમેન્ટ કરવાની વ્યવસ્થા નથી, પણ ભીમ એપ અને બેન્ક્સની યુપીઆઈ એપમાં આ વ્યવસ્થા છે. એટલે કે જો તમે કોઈ વ્યક્તિનો આધાર નંબર જાણતા હો તો ફક્ત એ નંબર લખીને પણ તેને પેમેન્ટ મોકલી શકો છો.
યુપીઆઇ ઉપરાંત, નેટ બેન્કિંગમાં, ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ (આઇએમપીએસ)માં પણ, સામેની પાર્ટીનો ફક્ત આધાર નંબર જણાવીને તેને રકમ મોકલી શકાય તેવી વ્યવસ્થા હતી.
ભારતમાં દરેક વ્યક્તિ માટે પોતાના બેન્ક ખાતા સાથે તેનો આધાર નંબર કનેક્ટ કરવાનું ફરજિયાત બનાવવાનું એક કારણ, ફક્ત આધાર નંબરને આધારે રકમની આપલે શક્ય બનાવવાનું પણ છે.
પરંતુ હાલ પૂરતું, આ વ્યવસ્થા પર બ્રેક લાગી જશે.
યુપીઆઇનું સમગ્ર તંત્ર સંભાળતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ હમણાં તમામ બેન્ક્સને એક સૂચના પાઠવીને, યુપીઆઇ અને આઇએમપીએસ બંનેમાં આધાર નંબરને આધારે પેમેન્ટ વ્યવસ્થા બંધ કરી દેવા કહ્યું છે. એનપીસીઆઇએ જણાવ્યું છે કે આધાર નંબર એક સંવેદનશીલ માહિતી છે અને રકમની આપલેમાં તેના ઉપયોગ માટેનું માળખું હજી વિકસી રહ્યું છે. આથી એનપીસીઆઇ દ્વારા, જુલાઈ ૫, ૨૦૧૮ના રોજ યોજાયેલી એક સ્ટીયરિંગ કમિટીની બેઠકમાં આધાર નંબરને પેમેન્ટ વ્યવસ્થા અટકાવવાનું સૂચન કરાયું હતું. આ કમિટિમાં ભારતની મોટી ૧૮ બેનક્સ તથા મોબિક્વિક, પેટીએમ વગેરે પણ સભ્ય છે.
આથી યુપીઆઇમાં સામેલ તમામ બેન્ક્સ તથા અન્ય એપ્સમાં આધાર નંબરને આધારે પેમેન્ટ કરવાની સુવિધા હશે તો તે ઓગસ્ટ ૩૧, ૨૦૧૮ સુધીમાં દૂર થઈ જશે.
આમ પણ અત્યારે ભારતમાં આધારના ઉપયોગ સંબંધિત ચિત્ર અત્યંત ધૂંધળું બની ગયું છે અને તેની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી પણ ચાલી રહી છે. અત્યાર સુધી, એનપીસીઆઇ અને ભારત સરકારે ફક્ત આધાર નંબર કોઈ જાણી જાય તો તે સલામતીનો ભંગ નથી એવી સતત સ્પષ્ટતા કરી છે, પરંતુ આધાર નંબર લીક થયા પછી, તેને સંબંધિત બીજી, બેન્ક ખાતાની વિગતો જેવી સંવેદનશીલ બાબતો પણ લીક થાય તો અંધાધૂંધી સર્જાઈ શકે છે.
આથી, હાલ પૂરતું આધાર નંબર આધારિત પેમેન્ટ અટકાવાઈ રહ્યું છે. દેખીતું છે કે આ વ્યવસ્થા ફરી શરૂ કરાશે કે નહીં અને કરાશે તો ક્યારે, એ વિશે કોઈ સ્પષ્ટતા નથી!

