અઢી અક્ષરનો શબ્દ. આટલું વાંચીને તમારા મનમાં ક્યો શબ્દ ઉગ્યો? પ્રેમ? તો સરસ. જો તમે ડિજિટલ દુનિયામાં સારા એવા ખૂંપેલા હશો તો કદાચ આ બીજો શબ્દ ઉગ્યો હશે – એપ્સ!
સ્માર્ટફોનને પ્રતાપે એપ્સને તો આપણે સારી રીતે જાણીએ છીએ. પરંતુ છેલ્લા થોડા મહિનાથી એપ્સને સંબંધિત એક નવો શબ્દ ચર્ચાતો થયો છે – થર્ડ પાર્ટી એપ્સ. થોડા મહિના પહેલાં ફેસબુકમાંથી ડેટા ચોરીનો જે વિવાદ થયો હતો તેમાં આ થર્ડ પાર્ટી એપ્સ વિલન તરીકે ઊભરી આવી હતી.
બરાબર એ જ રીતે હમણાં નવો વિવાદ જાગ્યો છે, જેમાં બહાર આવ્યું છે કે આપણા જીમેઇલ એકાઉન્ટમાંના મેઇલ્સ તેની સાથે કનેક્ટેડ થર્ડ પાર્ટી એપ્સના એન્જિનિયર્સ વાંચી શકે છે.
આ વાતમાં ત્રણ મુદ્દા સમજવા ખાસ જરૂરી છે. એક, આ વાત ફેસબુકની નહીં પણ જીમેઇલની છે, જેમાં આપણી અનેક પ્રકારની સંવેદનશીલ માહિતી હોઈ શકે છે. બીજો મુદ્દો, માત્ર મશીન નહીં પણ માણસ મેઇલ્સ વાંચી શકે છે અને ત્રીજો મુદ્દો, જીમેઇલ સાથે થર્ડ પાર્ટી એપ્સ કનેક્ટેડ હોઈ શકે છે એવી આપણને જાણ હોય છે ખરી?
આપણે પહેલાં તો એ જાણવું જોઈએ કે આ થર્ડ પાર્ટી એપ્સ ખરેખર છે શું?
અત્યારે ગૂગલ, ફેસબુક, એપલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન વગેરે તમામ કંપની પોતપોતાની આગવી એવી વ્યવસ્થા ઊભી કરી રહી છે જેમાં એ કંપની અમુક નિશ્ચિત પાયાની સુવિધાઓ આપતું પ્લેટફોર્મ વિકસાવે અને પછી તેમાં જાત ભાતની નવી સુવિધાઓ ઉમેરવા માટે એ પ્લેટફોર્મને જુદા જુદા અનેક થર્ડ પાર્ટી એપ ડેવલપર્સ માટે ખુલ્લું મુકી દે. આ ડેવલપર્સ જુદી જુદી જાતની એપ્સ વિકસાવે જેને આપણે, એટલે કે યૂઝર્સ જે તે પ્લેટફોર્મમાંના પોતાના એકાઉન્ટ સાથે કનેક્ટ કરી શકે અને વધારાના લાભ મેળવી શકે.
મોટે ભાગે એવું બને છે કે આપણે જ્યારે પણ થર્ડ પાર્ટી એપ્સ સાથે પનારો પાડવાનો થાય છે ત્યારે આવી એપ્સ આપણી પાસેથી કઈ કઈ મંજૂરી માંગે છે અને તેના બદલામાં આપણી કઈ કઈ માહિતી કે કઈ કઈ બાબતોની એક્સેસ માંગે છે તેના તરફ આપણે પૂરતું ધ્યાન આપતા નથી. એન્ડ્રોઇડની વાત કરીએ તો હવે બધી જ મંજૂરી ફરજિયાત રહી નથી. જેમ કે આપણે કોઈ કેમેરા એપ ઇન્સ્ટોલ કરીએ અને તે આપણો કેમેરા એક્સેસ કરવાની મંજૂરી આપણે આપવી પડે, પરંતુ તે કોન્ટેક્ટસ એક્સેસ કરવાની મંજૂરી માંગે તો તે આપણે નકારી શકીએ. અલબત્ત કઈ મંજૂરીઓ ફરજિયાત રાખવી તે એપ ડેવલપર પોતે નક્કી કરી શકે છે.
સ્માર્ટફોનમાં થર્ડ પાર્ટી એપ્સ ઉમેરવાનો આપણને ખાસ્સો અનુભવ છે પણ ગૂગલ ક્રોમમાં કે ગૂગલ એકાઉન્ટમાં કે ફેસબુકમાં થર્ડ પાર્ટી એપ્સ કનેક્ટ કરવાના સંજોગ ઊભા થાય ત્યારે તેના વિશે આપણને ખાસ્સી સ્પષ્ટતા હોતી નથી. ઘણી વાર એવું બને કે આપણે ફોનમાં કોઈ ગેમ રમી રહ્યા હોય ત્યારે તેનો પ્રોગ્રેસ અન્ય મિત્રો સાથે શેર કરવા માટે ફેસબુકથી લોગઇન કરવાનું કહેવામાં આવે અથવા ગેમમાં આગલા લેવલમાં જવા માટે ગૂગલથી લોગઇન થવાનું કહેવામાં આવે. આ કિસ્સામાં આપણે કોઈ નવી એપ ઇન્સ્ટોલ કરી રહ્યા નથી પરંતુ એ થર્ડ પાર્ટી ગેમ એપ સાથે આપણા ફેસબુક કે ગૂગલ એકાઉન્ટને કનેક્ટ કરી રહ્યા છીએ. આ સમયે ફેસબુક કે ગૂગલ તરફથી આપણને કેટલીક ચેતવણીઓ મળે છે, પરંતુ તેના તરફ પણ આપણે પૂરતું ધ્યાન આપતા નથી.
જીમેઇલના અત્યારે ઊભા થયેલા વિવાદની વાત કરીએ તો તેમાં પણ ગૂગલ, જીમેઇલની મૂળભુત સર્વિસીસમાં કેટલીક વધારાની સર્વિસ ઉમેરી શકાય એ માટે તેમાં થર્ડ પાર્ટી એપ્સ કનેક્ટ કરવાની સુવિધા આપે છે. જેમ કે વોટ્સએપમાં જેમ સામેની વ્યક્તિએ મેસેજ જોયાનું બ્લ્યુ ટીકથી ખબર પડે છે એવી સુવિધા જીમેઇલમાં ઉમેરવી હોય તો એ માટે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડે. એ જ રીતે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ ટ્રેલોમાં તમારા પર આવેલા કોઈ ઇમેઇલને આધારે નવું ટાસ્ક ક્રિએટ કરવું હોય તો એ માટે ટ્રેલોની એપને જીમેઇલ સાથે કનેક્ટ કરી શકાય છે.
ડિજિટલ દુનિયાના પાવર યૂઝર્સ માટે આ બધી સારી સુવિધા છે. પણ તેની સામે થર્ડ પાર્ટી એપ્સના એન્જિનિયર્સ પણ આપણા મેઇલ વાંચી શકે તેવું પણ બની શકે છે. ગૂગલ ભારપૂર્વક કહે છે કે જીમેઇલના કોઈ એન્જિનિયર કે કોઈ સિસ્ટમ મેઇલ્સ વાંચતા નથી પરંતુ આવી સ્પષ્ટતા તેણે અન્ય એપ્સ માટે કરી નથી.
યૂઝર તરીકે આપણી પાસે માત્ર એક જ ઉપાય રહે છે. myaccount.google.comમાં જાઓ, ગૂગલ એકાઉન્ટથી સાઇનઇન થાઓ, સાઇન-ઇન એન્ડ સિક્યોરિટી વિભાગમાં સિક્યોરિટી ચેકઅપ પર ક્લિક કરો. અહીં તમારા ગૂગલ એકાઉન્ટ સાથે જે કોઈ થર્ડ પાર્ટી એપ્સ કનેક્ટેડ હશે તે જોવા મળશે તમને જે બિનજરૂરી કે અવિશ્વસનીય લાગે તેને દૂર કરો!

