(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વાઇ-ફાઇનો વધતો વ્યાપ

ફ્રી વાઇ-ફાઇ! જુદી જુદી વ્યક્તિના મનમાં આ ત્રણ શબ્દ જુદી જુદી જાદુઈ અસર ઊભી કરે છે.

આપણા જેવા સરેરાશ યૂઝરને મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા પ્લાન ઘણો સસ્તો થયા પછી પણ મોંઘો લાગતો હોય એમને ફ્રી વાઇ-ફાઇનો લાભ લૂંટવામાં મજા પડે છે.

બીજી તરફ ગૂગલ અને ફેસબુક જેવી મોટી ટેક્નોલોજી કંપનીને ફ્રી વાઇ-ફાઇની મદદથી વધુ ને વધુ લોકોને પોતાની સર્વિસિઝ તરફ વાળવાની તક દેખાય છે. તો ટેલિફોન કંપનીઝ માટે ફ્રી વાઇ-ફાઇ એક રીતે હરીફ સમાન છે, પરંતુ બીજી રીતે પોતાના જ યૂઝર્સને વધારાની સગવડ આપવા માટેની એક નવી તક છે.

એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી કંપનીને પણ ફ્રી વાઇ-ફાઇમાં દેખીતા લાભ દેખાય છે. કારણ કે  જેમ વધુ લોકો ઇન્ટરનેટ સર્ફિંગ કરતા થશે તેમ તેઓ વધુ ને વધુ ઓનલાઇન શોપિંગ પણ કરશે!

ફ્રી વાઇ-ફાઇ કેન્દ્ર સરકારને પણ ગમી ગયેલી સુવિધા છે કારણ કે તેનાથી તેને ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને ઝડપથી સાકાર કરવામાં મદદ મળે તેમ છે.

આ જ કારણે આવનારા સમયમાં આપણા દેશમાં ફ્રી વાઇ-ફાઇ કે પબ્લિક વાઇ-ફાઇ શબ્દ વધુ ને વધુ ગાજવાનો છે.

ભારત સરકારે આ વર્ષના અંદાજપત્રમાં સમગ્ર ભારતના ગ્રામીણ વિસ્તારોમાં પાંચ લાખ વાઇ-ફાઇ હોટસ્પોટ ઊભા કરવાની જાહેરાત કરી છે. આ નેટવર્ક ઊભું થયા પછી અંદાજે પાંચ કરોડ ગ્રામવાસીઓને સરળતાથી બ્રોડબેન્ડ એક્સેસ મળવા લાગશે.

‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી ગયા છીએ તેમ મુજબ કેન્દ્ર સરકારે દેશનાં ગામડાઓને હાઇસ્પીડ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી જોડવા માટે ભારતનેટ નામે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સરકારે આ પ્રોજેક્ટ માટે રૂ. ૧૦,૦૦૦  કરોડ ફાળવ્યા છે. આ વર્ષના બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે તે આ પ્રોજેક્ટનો જ એક હિસ્સો છે.

ભારતનેટ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં દેશની એક લાખ ગ્રામ પંચાયતો આ નેટવર્ક સાથે કનેક્ટ થઈ ગઈ છે અને અંદાજે અઢી લાખ ગામડાના ૨૦ કરોડ લોકોને બ્રોડબેન્ડ નેટ કનેક્ટિવીટી મળવા લાગી છે.

ભારતની મોટી ઓનલાઇન શોપિંગ કંપનીઝ માટે આ બહુ સારા સમાચાર છે કારણ કે મોટા શહેરોમાં લોકોને બહુ મોટા પ્રમાણમાં ઓનલાઇન શોપિંગ તરફ વાળી દીધા પછી આ કંપનીઝ પોતાનું માર્કેટ વિસ્તારવા માટે ગામડાઓ તરફ નજર દોડાવી રહી છે.


અમુક સર્વે પ્રમાણે વર્ષ ૨૦૧૭માં ભારતમાં જેટલું ઓનલાઇન શોપિંગ થયું તેમાં લગભગ ૪૧ ટકા હિસ્સો નાના શહેરોના લોકોનો હતો.

ભારતમાં અત્યારે મોટા ભાગે પબ્લિક વાઇ-ફાઇ સર્વિસ સ્થળ આધારિત સર્વિસ છે. એટલે કે આપણે ત્યાં રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન, હોટેલ્સ, મોટા શોપિંગ મોલ્સ, રેસ્ટોરાં, કોફી શોપ્સ વગેરેમાં ફ્રી વાઇ-ફાઇ ઓફર કરવામાં આવે છે.

ટેલિકોમ કંપનીઝ આઇ.ટી. અને બિઝનેસ પાર્ક, કોલેજ, હોસ્પિટલ્સ વગેરેમાં પણ વાઇ-ફાઇ સુવિધા આપવા માટેના સોલ્યુશન્સ પૂરા પાડે છે. ‘સાયબરસફર’ના ફેબ્રુઆરી-૨૦૧૮ અંકમાં આપણે જાણ્યું તેમ દેશની આડત્રીસ હજાર કોલેજમાં ફ્રી વાઇ-ફાઇ, આ વર્ષે જ ૧૫મી ઓગસ્ટ સુધીમાં મળવા લાગે તેવી શક્યતા છે, પરંતુ વાત હવે તેનાથી પણ આગળ વધી રહી છે.

ભારતના ૨૭૦ રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઈની સગવડ આપ્યા પછી ગૂગલે તેના ગૂગલ સ્ટેશન પ્રોજેક્ટ હેઠળ હવે શહેરોમાં પણ ફ્રી વાઇ-ફાઇ કનેક્ટિવિટી આપવાની શરૂઆત કરી દીધી છે.

મહારાષ્ટ્રના પૂણે શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ગૂગલ કંપની આખા શહેરના ૧૫૦ સ્થળોએ વાઇ-ફાઇ હોટસ્પોટ ઉભા કરી રહી છે. આ માટે કંપનીએ મુંબઈ સ્થિત લાર્સન એન્ડ ટોબ્રો કંપની સાથે જોડાણ કર્યું છે.

આ પ્રોજેક્ટ હેઠળ પૂણે શહેરના જુદા જુદા બગીચા, હોસ્પિટલ્સ, પોલિસ સ્ટેશન્સ જેવા જાહેર સ્થળોએ ફ્રી વાઇ-ફાઇ એક્સેસ મળશે. એક અંદાજ મુજબ આ હોટસ્પોટથી લગભગ આખું શહેર આવરી લેવાશે અને શહેરની ૩૦ લાખ જેટલી વસ્તીને તેનો લાભ મળશે.

આ વર્ષના અંત સુધીમાં ભારતના કુલ ૪૦૦ રેલવે સ્ટેશન તથા વિવિધ મોટા શહેરોમાં ગૂગલની ફ્રી વાઇ-ફાઇ સર્વિસ શરૂ થઇ જવાની ધારણા છે.

ફેસબુક કંપનીએ એરટેલ સાથે જોડાણ કરીને દેશમાં ૨૦,૦૦૦ સ્થળોએ પબ્લિક હોટ-સ્પોટ ઊભાં કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તો રિલાયન્સ જિઓએ તો પૂરા ૧૫ લાખ વાઇ-ફાઇ હોટસ્પોટ્સ ઊભા કરવાનું ભગીરથ કાર્ય ઊપાડ્યું છે.

હવે આપણા દેશમાં એવી વેબ સર્વિસ પણ શરૂ થવા લાગી છે જે ભારતમાં ઉપલબ્ધ તમામ વાઇ-ફાઇ હોટસ્પોટ્સ આપણને નક્શા પર બતાવે છે!

જોકે પબ્લિક વાઇ-ફાઇની સુવિધા જેટલી લોભામણી છે એટલી જ જોખમી પણ છે. રેલવે સ્ટેશન, એરપોર્ટ કે મોલ, રેસ્ટોરાં જેવી જાહેર જગ્યાઓએ મળતી વાઇ-ફાઇ હોટસ્પોટની સુવિધા કોઈ પણ હેકર સહેલાઇથી હેક કરી શકે છે. મોટી હોટેલ્સની રૂમમાં, હોટેલ તરફથી મળતી ફ્રી વાઇ-ફાઇની સુવિધામાં પણ આ જ જોખમ રહે છે.

આથી એ ખાસ યાદ રાખવા જેવું છે કે આપણે સામાન્ય બ્રાઉઝિંગ કે ગીતો સાંભળવા માટે કે વીડિયો જોવા માટે ફ્રી વાઇ-ફાઇનો ભલે ઉપયોગ કરીએ, પરંતુ ઓનલાઇન શોપિંગ કરીને પેમેન્ટ કરવાનું હોય, બેન્કિંગનું કોઈ પણ કામકાજ કરવાનું હોય કે કોઈ મહત્ત્વની સાઇટ પર આપણા યૂઝરનેમ પાસવર્ડ આપીને લોગ-ઇન થવાનું હોય તો એવા સંજોગમાં ક્યારેય પબ્લિક વાઇ-ફાઇ પર ભરોસો મૂકવો નહીં.

ભારત જેવા ત્રાસવાદગ્રસ્ત દેશમાં પબ્લિક વાઇ-ફાઇ દેશની સલામતીની રીતે પણ જોખમી બની શકે છે. ભારતમાં આ જ કારણે મોટાપાયા પરના પબ્લિક વાઇ-ફાઇ હોટસ્પોટ નેટવર્કને સરકાર તરફથી સહેલાઈથી મંજૂરી મળી રહી નથી.

જોકે જે રીતે ભારતના વિવિધ શહેરોમાં સ્માર્ટ સિટીનો કન્સેપ્ટ આગળ ધપાવવામાં આવી રહ્યો છે. એ જોતાં ઇન્ટનેટ ઓફ થિંગ્સનો વ્યાપ જેમ વધતો જશે તેમ તેમ પરંપરાગત નેટ કનેક્ટિવીટીને સ્થાને પબ્લિક વાઇ-ફાઇના ઉપયોગનું ચલણ પણ વધતું જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!