મોટા ભાગના લોકો એમ માનતા હોય કે કે તેમણે વાઇરસ કે માલવેરથી ડરવાની જરૂર નથી, તેમને નિશાન બનાવવામાં કોને રસ હોય? પરંતુ એવું નથી. આ અંકમાં આગળ આપેલ બેન્ક ફ્રોડ અંગેના લેખમાં તમે વાંચ્યું હશે તેમ, હેકર્સ આપણા પર નિશાન સાધીને, આપણે જેની સાથે સંકળાયેલા હોઈએ તે મોટી વ્યવસ્થામાં ઘૂસવાનો પ્રયાસ કરે એવું પણ બની શકે. એ સિવાય પણ, જુદાં જુદાં ઘણાં કારણોસર આપણે માલવેર અને વાઇરસના હુમલા સામે સતત સચેત રહેવાની જરૂર છે. વાત કોમન સેન્સની છે, પણ ધણી વાર ભૂલાઈ જતી હોય છે!
“વાઇરસ અને માલવેરનું જોખમ ફક્ત ‘ખરાબ’ વેબસાઇટ્સ પર જ હોય.
એવું નથી. ટોરેન્ટ સાઇટ્સ કે એડલ્ટ કન્ટેન્ટ ધરાવતી સાઇટ્સ સર્ફ કરતા લોકોનાં પીસી કે સ્માર્ટફોનમાં વાઇરસ કે માલવેર ઘૂસવાની શક્યતા વધુ હોય છે એ વાત સાચી, પરંતુ હેકર્સ હવે વધુ ને વધુ પ્રમાણમાં લોકપ્રિય સાઇટ્સને પણ પોતાનું નિશાન બનાવવા લાગ્યા છે.
આવી સાઇટ્સ પોતે ભલે પૂરી ભરોસાપાત્ર હોય, પણ તેના પર બતાવવામા આવતી જાહેરાતો દ્વારા કે શેર્ડ લિંક્સ દ્વારા માલવેર કે વાઇરસ ઘૂસાડવાનો પ્રયાસ થાય એવું બની શકે છે. જુદાં જુદાં સોફ્ટવેર ડાઉનલોડ કરવાની સગવડ આપતી સાઇટ્સ પર આવું થવાની સૌથી વધુ શક્યતા હોય છે.
યાદ રાખશો : કોઈ પણ લિંક પર ક્લિક કરતી વખતે કે ચેકબોક્સમાં ટિક કરતી વખતે ખાસ સાવધ રહો, જાહેરાત પર ક્લિક કરતી વખતે તો અચૂક.
“હું ક્યાં સેલિબ્રિટી છું? મારી વિગતો હેક કરવામાં કોને રસ પડવાનો?
ફરી વિચારો, તમારા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં કશું જ કિંમતી નથી? ખાસ કરીને આપણો સ્માર્ટફોન આપણા બેન્ક ખાતા સુધી પહોંચવાનો રસ્તો બની શકે છે. હવે બેન્કિંગ એપ્સ વધુ ને વધુ સલામત બની રહી છે, પરંતુ આપણે પોતે ગાફેલ રહીએ તો બેન્કની અતૂટ લાગતી વ્યવસ્થા પણ તૂટી શકે.
એ જ રીતે, જો તમે કોઈ મોટા કોર્પોરેશન બિઝનેસમાં જોડાયેલા હો, તો તમારા ફોન મારફત હેકર્સને તમારી કંપનીના નેટવર્કમાં ઘૂસવામાં પણ ઊંડો રસ હોઈ શકે. ‘આપણે શું ચિંતા?’ એવું માનીને બેપરવા રહેવાને બદલે, શક્ય એટલી વધુ સાવધાની રાખવી જરૂરી છે.
યાદ રાખશો : તમામ સાધન, એકાઉન્ટ વગેરે માટે મુશ્કેલ અને અલગ અલગ પાસવર્ડ રાખો, જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં ટુ-સ્ટેપ-વેરિફિકેશનનો ઉપયોગ કરો.
“મારી પાસે તો એપલ કે લિનક્સ ડિવાઇસ છે. એમાં વાઇરસ કે માલવેર આવે જ નહીં.
વર્ષોથી એપલના આઇફોન કે મેક પ્રકારનાં કમ્પ્યુટર્સ અથવા લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમવાળાં કમ્પ્યુટર્સ ધરાવતા લોકો એવું માનતા આવ્યા છે કે તેમાં ક્યારેય વાઇરસ કે માલવેર ઘૂસી શકે નહીં. હકીકત જુદી છે. વિન્ડોઝ ધરાવતાં કમ્પ્યુટર્સ અને એન્ડ્રોઇડ ફોનના યૂઝર્સની સંખ્યા લિનક્સ કે એપલની સરખામણીમાં બહુ વધુ હોવાથી, હેકર્સ મોટા ભાગે વિન્ડોઝ અને એન્ડ્રોઇડને નિશાન બનાવે છે અને તેમાં હેકિંગના કિસ્સા વધુ પ્રકાશમાં આવે છે, પરંતુ એપલ કે લિનક્સ સંપર્ણ સલામત છે એવું માનવાની ભૂલ કરવી નહીં.
યાદ રાખશો : કોઈ ઓપરેટિંગ સિસ્ટમ જોખમો સામે સંપૂર્ણ સલામત નથી. આપણે પોતે કાળજી લેવી જ રહી.
“પીસી કે લેપટોપની સરખામણીમાં સ્માર્ટફોનમાં ઓછું જોખમ છે.
પીસીની સરખામણીમાં સ્માર્ટફોનનો ઉપયોગ બહુ વધ્યો હોવાથી તેમાં જોખમ વધવા માંડ્યું છે. ખાસ કરીને એપ સ્ટોર સિવાયના અન્ય સ્રોત (અને અધિકૃત એપ સ્ટોરમાંથી પણ) ડાઉનલોડ કરેલી એપ્સ જોખમી બની શકે છે. તમે માત્ર લોકપ્રિય એપ્સનો ઉપયોગ કરતા હો તો સલામત છો એવું પણ નથી. જેમ કે વોટ્સએપમાં ફોરવર્ડ થઈ કેટલીય લિંક્સ તમને જોખમી સાઇટ્સ પર લઈ જઈ શકે છે અને સ્માર્ટફોનમાં આવી લિંક પીસી જેટલી સહેલાઈથી વેરિફાઇ કરી શકાતી નથી. એવી જ અસલામતી વાઇ-ફાઇના ઉપયોગમાં છે. સ્માર્ટફોનમાં ફિશિંગ એટેક વધુ સહેલા છે.
યાદ રાખશો : સ્માર્ટફોન હંમેશા લોક્ડ રાખો, કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરતી વખતે અને લિંક્સ પર ક્લિક કરતી વખતે સાવધ રહો.
“મારા પીસી/સ્માર્ટફોનમાં સારો એન્ટિવાઇરસ પ્રોગ્રામ છે, પછી શું ચિંતા?
ઘણા લોકો માને છે કે એન્ટિવાઇરસ પ્રોગ્રામ હોય પછી ગમે તે સાઇટ વિઝિટ કરવામાં કે લિંક પર ક્લિક કરવામાં જોખમ નથી. એવું નથી. એન્ટિવાઇરસ પ્રોગ્રામ માત્ર તેની પાસે જે વાઇરસ/માલવેરની માહિતી હોય તેના આધારે સલામતી આપી શકે છે. એ કંપનીને તદ્દન નવા પ્રકારના વાઇરસની માહિતી મળી ન હોય તો તે આપણને સલામત રાખી શકશે નહીં. હેકર્સ મોટા ભાગે એન્ટિવાઇરસ સોફ્ટવેરથી એક ડગલું આગળ રહેતા હોય છે અને રોજેરોજ નવા વાઇરસ, નવાં જોખમો ઊભાં થતાં જાય છે.
યાદ રાખશો : એન્ટિવાઇરસ પ્રોગ્રામ જરૂરી છે, પણ તે ઉપરાંત સાવધાનીનાં અન્ય પગલાં તરફ જરૂર ધ્યાન આપશો.

