અત્યારે તમારી આસપાસ કોઈ પેન પડી છે? સાવ સાદી, યૂઝ એન્ડ થ્રો પેન કે ઢાંકણવાળી નહીં, પણ ક્લિક પેન. જેમાં નીચેની બાજુએ સ્પ્રિંગ હોય અને ઉપરની તરફ આપેલા બટનને પ્રેસ કરી ક્લિક કરતાં અંદરથી રીફિલ બહાર નીકળે અને ફરી ક્લિક કરતાં રીફિલ અંદર ચાલી જાય એવી ક્લિક પેન.
તમારો સ્વભાવ પણ આ લખનાર જેવો જિજ્ઞાસુ હશે, તો નાનપણમાં આવી પેન હાથમાં આવતાંવેંત તેને ખોલીને તેની અંદરના મિકેનિઝમને સમજવાની તમે કોશિશ કરી હશે!
ઉપરનો ભાગ મેટલનો હોય એવી પેનમાં આ મિકેનિઝમ સમજવું મુશ્કેલ છે, પણ પ્લાસ્ટિક અને એમાંય ટ્રાન્સપરન્ટ પાર્ટ્સવાળી પેનમાં આ કામ બહુ સહેલું બની જાય છે.
અત્યારે તમારી આસપાસ આવી કોઈ પેન હાથવગી ન હોય તો વાંધો નહીં, યુટ્યૂબ પર how retractable pen works સર્ચ કરી જુઓ.
આવી પેન કેવી રીતે કામ કરે છે એ મિકેનિઝમ સરસ એનિમેશનની મદદથી સમજાવતા મસ્ત વીડિયોઝ તમે જોઈ શકશો.
એટલું જ નહીં, આ વીડિયોઝ તમને એવા કેટલાક અનોખા એન્જિનીયરિંગ ગુરુની યુટ્યૂબ ચેનલ કે વેબસાઇટ પર લઈ જશે, જે ફક્ત પેન નહીં, આપણી આસપાસ જોવા મળતી બીજી કેટલીય સાદી-સામાન્ય લાગતી ચીજવસ્તુઓ પાછળનું એન્જિનીયરિંગ, નવી એનિમેશન ટેકનોલોજીની મદદથી બહુ સરસ રીતે સમજાવે છે.
જો તમે એન્જિનીયર હો કે તેનો અભ્યાસ કરી રહ્યા હો તો એન્જિનીયર બનવું એટલે ફક્ત ડીગ્રી મેળવવી એવું ન માનશો. રોજબરોજની ચીજવસ્તુઓમાં તમને અદભુત મિકેનિઝમ દેખાવા લાગે અને એ કેવી રીતે કામ કરે છે એ સમજ્યા વિના તમને ચેન ન પડે ત્યારે જ તમે તમારી એન્જિનીયરિંગની ડીગ્રી સાર્થક કરશો અને તમારી પોતાની ઇન્ડસ્ટ્રી કે મોટી એન્જિનીયરિંગ કન્સલ્ટન્સી ફર્મ ઊભી કરવા તરફ આગળ વધી શકશો!
આવા વીડિયો જોયા પછી તમને મિકેનિકલ એન્જિનિરિંગના મહત્ત્વપૂર્ણ હિસ્સા ‘કેમ’ (મશીનરીમાં કોઈ રોટેટિંગ પાર્ટ પરનો ઉપસેલો – પ્રોજેક્ટેડ ભાગ) અને કમ્પ્યુટર-એઇડેડ મેન્યુફેક્ચરિંગ (કેમ) બંનેથી કેવી મિકેનિકલ કરામતોનું સર્જન કરી શકાય એના અનેક નવા આઇડિયા આવવા લાગશે એ નક્કી!

