સવાલ મોકલનાર : ગોપાલભાઈ ગોવિંદભાઈ શાહ, નડિયાદ
સાદા શબ્દોમાં ડેટા માઇનિંગ એટલે બહુ મોટા પ્રમાણમાં અને કંઇક અંશે વિખરાયેલા ડેટામાંથી જરૂરી અને ઉપયોગી ડેટા અલગ તારવવાની પ્રક્રિયા એટલે ડેટા માઇનિંગ.
ડેટા માઇનિંગમાં વિવિધ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડેટામાંથી ચોક્કસ પ્રકારની પેટર્ન તારવવામાં આવે છે. ઇન્ટરનેટને પ્રતાપે વિવિધ પ્રકારના બિઝનેસને ડેટા માઇનિંગ વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે.
આ વાતને કોઈ શોપિંગ સાઇટના સાદા ઉદાહરણ સાથે સમજીએ. કરિયાણાની સાદી દુકાન ધરાવતા કોઈ વેપારી પાસે પોતાના ગ્રાહકોનાં સરનામાં અને બહુ બહુ તો મોબાઇલ નંબર સિવાય લગભગ કોઈ ડેટા હોતો નથી.
આવા વેપારીની સરખામણીમાં કોઈ ઓનલાઇન શોપિંગ સાઇટ્સની સ્થિતિ તપાસીએ. આજની આધુનિક ટેકનોલોજીને પ્રતાપે ઓનલાઇન શોપિંગ સાઇટ્સ તેના પરથી ખરીદી કરતા લોકો તો ઠીક, માત્ર સાઇટ પર આવી આંટો મારીને ખાલી હાથે બહાર નીકળી જતા લોકો વિશે પણ અનેક પ્રકારની માહિતી એકઠી કરી શકે છે.
કોઈ પણ યૂઝર, માની લો કે કિરણબહેન શોપિંગ સાઇટના કોઈ ચોક્કસ પેજ પર કેવી રીતે પહોંચ્યાં એ માહિતીથી ડેટા કલેકશનની શરૂઆત થાય. કિરણબહેને ગૂગલમાં સીધું કંઈ સર્ચ કર્યું અને રિઝલ્ટમાંની લિન્ક પર ક્લિક કરીને શોપિંગ સાઇટમાં એન્ટ્રી કરી? કે પછી રિઝલ્ટ પેજ પર એ સાઇટની જાહેરાત પર ક્લિક કરીને એન્ટ્રી કરી? કે પછી અન્ય કોઈ વેબસાઇટમાં જોવા મળેલી લિન્ક કે સોશિયલ મીડિયાની કોઈ પોસ્ટમાંની લિન્ક પર ક્લિક કરીને શોપિંગ સાઇટ સુધી પહોંચ્યાં એ બધી વિગતો એ સાઇટના ડેટાબેઝમાં જમા થાય છે.
તમામ મોટાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ વિવિધ યૂઝર્સના પ્રોફાઇલ તૈયાર કરે છે એટલે કે એ યૂઝર વિશેની ઘણી ઝીણવટભરી માહિતી એ શોપિંગ સાઇટના ડેટાબેઝમાં પહેલેથી હોય છે. કિરણબહેન આ પહેલાં એ શોપિંગ સાઇટ પર ક્યારે આવ્યાં હતાં? ત્યારે કેવી રીતે આવ્યાં હતાં? એ સમયે સાઇટ પર તેમણે કેટલાં પેજ પર જોયાં હતાં? કેટલો સમય ગાળ્યો હતો, કેટલી પ્રોડક્ટ જોઈ હતી, કઈ કઈ પ્રોડક્ટ જોઈ હતી?
એ સમયે એમણે કોઈ ચીજવસ્તુ પોતાના વિશલિસ્ટમાં ઉમેરી હતી કે ખરીદવા માટે કાર્ટમાં ઉમેરી હતી કે ખરીદી પૂરી નહોતી કરી… આ બધી વિગતો એ શોપિંગ સાઇટ પાસે પહેલેથી હોય છે.
કિરણબહેન ફરીથી એ શોપિંગ સાઇટ પર પહોંચે ત્યારે આ બધી જ બાબતોની ઝીણવટભરી નોંધ ફરીથી લેવાવા માંડે છે અને સાઇટના તોતિંગ ડેટાબેઝમાં તેનો ઉમેરો થતો જાય છે.
શોપિંગ સાઇટના હજારો, લાખો યૂઝરનો આ રીતે વિરાટ ડેટાબેઝ તૈયાર થયા પછી તેના આઇટી નિષ્ણાતો ડેટા માઇનિંગ ટેકનોલોજીની મદદથી સાઇટ પર આવતા યૂઝર્સની વર્તણૂકમાં જોવા મળતી ચોક્કસ પેટર્ન તારવે છે.
જેમ કે શોપિંગ સાઇટ પર કઈ રીતે આવતા યૂઝર્સ વધુ ખરીદી કરે છે? કઈ પ્રોડક્ટસના પેજીસ વધુ જોવામાં આવે છે? ક્યા પ્રકારની પ્રોડક્ટસની ખરીદી વધુ થાય છે? યૂઝર્સ સરેરાશ કેટલા રૂપિયાની ખરીદી કરે છે? સાઇટ પર આંટો મારીને ચાલ્યા જતા યૂઝરની સરખામણીમાં ખરીદી કરીને જતા યૂઝરનું પ્રમાણ કેટલું છે?
આવા બધા અસંખ્ય પ્રકારના વિશ્ર્લેષણને આધારે શોપિંગ સાઇટના સંચાલકોને પોતાની સાઇટ પર વધુ લોકોને આકર્ષવા અને સાઇટ પર આવતા લોકો વધુ ને વધુ પ્રમાણમાં ખરીદી કરીને જ જાય એવા નિર્ણયો લેવામાં બહુ મોટી મદદ મળે છે.
આ બધું બિઝનેસ ઇન્ટેલિજન્સનો એક ભાગ ગણાય છે.


