[vc_row][vc_column][vc_column_text]છેલ્લા કેટલાય સમયથી વિશ્વની તમામ મોટી ટેકનોલોજી કંપનીઝને ભારતમાં ઊંડો રસ પડ્યો છે. દેખીતું છે, ભારત તેમના માટે એક બહુ મોટું માર્કેટ છે અને અહીં તેમનો વ્યાપ વિસ્તારવા માટે પૂરતી તકો છે. આમાં મહત્ત્વનું – અને આપણા સૌ માટે ફાયદાનું – પાસું એ છે કે ભારતમાં આ કંપનીઝનો ફેલાવો વધારવો હોય તો એમને ભારતીય યૂઝર્સ ઉપરાંત, ભારતને સમજતા હોય તેવા ડેવલપર્સની પણ જરૂર છે. જે ભારતીય યૂઝર્સને ગમે અને તેમને જરૂરી હોય તેવી વેબસાઇટ્સ અને એપ્સ ડેવલપ કરી શકે.
આ કારણે પાછલાં કેટલાંક વર્ષોથી ગૂગલે ભારતમાં આઇટી પ્રોફેશનલ્સ તેમ જ સ્ટુડન્ટ્સની ક્ષમતા વિક્સાવવા પર ભાર મૂકવાનું શરૂ કર્યું છે. ગૂગલ તેના આ પ્રયાસને ‘રીસ્કિલિંગ ઇન્ડિયા પ્રોગ્રામ’ તરીકે ઓળખાવે છે.
ટેક કંપનીઝ માટે ભારત બહુ મોટું માર્કેટ હોવાથી તેમને યૂઝર્સ ઉપરાંત, ભારતને સમજતા હોય તેવા ડેવલપર્સ પણ જોઈએ છે.
આ પ્રયાસોના ભાગરૂપે ગૂગલે વિવિધ પહેલ હાથ ધરી છે. આ વિશે તમે https://developers.google.com/training/programs/india/ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો. જો તમને એન્ડ્રોઇડ પ્રોગ્રામિંગનો બિલકુલ અનુભવ ન હોય તો ‘એન્ડ્રોઇડ ફોર બિગિનર્સ’ અને જો જાવા પ્રોગ્રામિંગ અનુભવ હોય તો ‘એન્ડ્રોઇડ ફોર પ્રોગ્રામર્સ’ એવા બે ફ્રી કોર્સ શરૂ કરવાની લિંક તમને આ જ પેજ પરથી મળશે. આ બંને કોર્સ યુડેસિટી.કોમ પર ગૂગલના સહયોગમાં ચલાવવામાં આવે છે.
તમે આથી આગળ વધવા માગતા હો તો હમણાં જ ગૂગલે યુડેસિટી (https://in.udacity.com/google-india-scholarships) અને પ્લુરલસાઇટ (https://www.pluralsight.com/partners/google) નામની ઓનલાઇન આઇટી એજ્યુકેશનની બે નામાંકિત કંપનીના સાથમાં ખાસ ભારતના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ પ્રોગ્રામ શરૂ કર્યા છે.
પ્લુરલસાઇટ પર
ગૂગલે પ્લુરલસાઇટ સાથે જોડાણ કરીને, આ સાઇટ પર એક લાખ ભારતીય ડેવલપર્સને ફ્રી એક્સેસ મળે તેવી વ્યવસ્થા કરી છે. આ સાઇટ પર એકાઉન્ટ ખોલાવીને, એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ, જાવા, યુએક્સ ફંડામેન્ટલ્સ વગેરેના ૭૦થી વધુ કોર્સ માટે ૬૦ દિવસ સુધી ફ્રી એક્સેસ મેળવી શકાય છે. આ સગવડ કુલ ૧ લાખ લોકોને મળશે.
યુડેસિટી પર
યુડેસિટી સાથેનું ગૂગલનું જોડાણ જરા જુદા પ્રકારનું છે. જો તમે ૧૮ વર્ષથી મોટી ઉંમરના અને ભારતમાં રહેતા હો તો આ સાઇટ પર જઈને ફેબ્રુઆરી ૧, ૨૦૧૮ પહેલાં તમારે એક એપ્લિકેશન કરવાની છે.
એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે, તમને વેબ ડેવલપમેન્ટ અથવા એન્ડ્રોઇડ ડેવલપમેન્ટમાંથી એક વિકલ્પ પસંદ કરવા કહેવામાં આવશે. સાથોસાથ જે તે ક્ષેત્રમાં તમારો અનુભવ જણાવતા વિવિધ સવાલોના જવાબ આપવાના રહેશે. અરજી કરતી વખતે કોઈ જ પેમેન્ટ કે ક્રેડિટ/ડેબિટ કાર્ડ નંબરની જરૂર નથી. તમને કોઈ અનુભવ ન હોય તો પણ તમે આ અરજી કરી શકો છો, કોર્સમાં વિવિધ પૂર્વભૂમિકા ધરાવતા લોકોની પસંદગી કરવામાં આવશે.
જો તમારી અરજી મંજૂર થશે, તો તમને ફેબ્રુઆરી ૮, ૨૦૧૮ના રોજ જાણ કરવામાં આવશે અને ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૮થી તમારો કોર્સ શરૂ થશે. આ કોર્સ બિલકુલ બિનઅનુભવી માટે અને થોડો અનુભવ ધરાવતા એમ બે પ્રકારના લોકો માટે અલગ રહેશે.
યુડેસિટી પર ફેબ્રુઆરી ૧, ૨૦૧૮ પહેલાં એપ્લિકેશન કરવી જરૂરી છે.
બધા મળીને કુલ ૩૦,૦૦૦ લોકોને આ રીતે પ્રાથમિક કોર્સ મફતમાં કરવાની તક મળશે. એ પછી, વેબ અને એન્ડ્રોઇડ, બંને ટ્રેકમાં જેમનું પરફોર્મન્સ સૌથી સારું હશે તેવા ૩૫૦-૩૫૦ બિનઅનુભવી અને ૧૫૦-૧૫૦ થોડા અનુભવી લોકોને આગળના નેનોડિગ્રી કોર્સ માટે ફ્રી સ્કોલરશીપ મળશે.
જો તમે વેબ ડેવલપમેન્ટ પસંદ કરીને તેમાં ટોપલિસ્ટમાં સિલેક્ટ થયા હશો અને બિનઅનુભવી હશો તો ફ્રન્ટ-એન્ડ વેબ ડેવલપર અને અનુભવી હશો તો મોબાઇલ વેબ સ્પેશિયલિસ્ટનો નેનો ડિગ્રી કોર્સ મફત કરી શકશો.
જો તમે એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ પસંદ કરીને તેમાં ટોપલિસ્ટમાં સિલેક્ટ થયા હશો અને બિનઅનુભવી હશો તો એન્ડ્રોઇડ બેઝિક્સ અને અનુભવી હશો તો એન્ડ્રોઇડ ડેવલપરનો નેનો ડિગ્રી કોર્સ મફત કરી શકશો.
આ ચારેય કોર્સની મૂળ કિંમત રૂ. ૨૦,૦૦૦થી રૂ. ૨૭,૦૦૦ સુધીની છે. તમે વેબ કે એન્ડ્રોઇડ ડેવલપમેન્ટમાં આગળ વધવા માગતા હો તો આ તક ચૂકવા જેવી નથી, તમને કદાચ નેનો ડિગ્રી કોર્સની સ્કોલરશીપ ન મળે તો પણ ઓનલાઇન કોર્સીઝ કેવી રીતે ચાલે તે બરાબર સમજવા મળશે![/vc_column_text][/vc_column][/vc_row]


