(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આધારને વધુ સલામત બનાવવાના પ્રયાસો કેટલા મજબૂત? કેટલા કારગત?

દરેક ભારતીયને એક અજોડ ઓળખ આપતી આધાર વ્યવસ્થા તેનાં અનેક જમા પાસાં હોવા છતાં ગૂંચવણોની રીતે પણ અજોડ બનવા લાગી છે. આપણા આધાર ડેટાની સલામતી અંગે વારંવાર પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે ત્યારે સરકારે વર્ચ્યુઅલ આઇડેન્ટિટી (વીઆઇડી) નામે આપણા આધાર ડેટા પર સલામતીનું એક નવું સ્તર રચવાનો પ્રયાસ કર્યો છે.

આ વાત દેખીતી રીતે આપણી અંગત માહિતી સાથે સંકળાયેલી હોવાથી તેને બરાબર સમજવી જરૂરી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વીઆઇડીની સાથોસાથ બેન્ક, મોબાઇલ કંપની, એલઆઈસી, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં આપણી ઓળખની ખરાઈ કરવા માટેની ‘નો યોર કસ્ટમર’ વ્યવસ્થાનું સુધારેલું સ્વરૂપ ‘લિમિટેડ કેવાયસી’ નામે રજૂ કર્યું છે.

આપણે જાણીએ છીએ તેમ અગાઉ આપણે કોઈ મોબાઇલ કંપનીનું સિમ કાર્ડ ખરીદવું હોય તો આપણી ઓળખ અને સરનામાના જુદા જુદા દસ્તાવેજની નકલો ફિઝિકલ સ્વરૂપમાં આપવી પડતી હતી, હવે મોબાઇલ કંપનીના સ્ટોરમાં ફક્ત આપણો આધાર નંબર અને ફિંગર પ્રિન્ટ આપીને પોતાની ઓળખ સાબિત કરી શકાય છે.

જે કંપની આધારને આધારે આપણી ઓળખની ખરાઈ કરે છે તે ‘ઓથેન્ટિકેશન યૂઝર્સ એજન્સીઝ’ તરીકે ઓળખાય છે આવી એજન્સીઝ દ્વારા આધારનો આપણો ડેટા લિક થતો હોવાના ગંભીર આક્ષેપો અવારનવાર થઈ રહ્યા છે તેને પગલે સરકારે આ નવી વ્યવસ્થા ઊભી કરી છે.

તેમાં કોઈ કાગળિયાની મદદ વિના આધારની મદદથી આપણી ઓળખની ખરાઈ થઈ શકશે પરંતુ આપણા આધારની વિગતો ઓથેન્ટિકેશન યૂઝર એજન્સીઝ પાસે રહેશે નહીં.

આ નવી વ્યવસ્થા આ રીતે કામ કરશે :

  1. આપણે આધારની વેબસાઇટ, મોબાઇલ એપ કે આધાર એનરોલમેન્ટ સેન્ટર્સ પર જઈને આપણા આધાર નંબર સાથે મેપ થયેલ એક વર્ચ્યુઅલ આઇડી નંબર (વીઆઇડી) જનરેટ કરી શકીશું. આપણા સિવાય બીજી કોઈ વ્યક્તિ આપણા આધાર માટે વીઆઇડી મેળવી શકશે નહીં.
  2. આ વીઆઇડી ૧૬ અંકનો રેન્ડમ નંબર હશે જે કામચલાઉ હશે. આ વીઆઇડી ક્યા મૂળ આધાર નંબરનો છે તે કોઈ જાણી શકશે નહીં.
  3. કોઈ પણ સમયે એક આધાર નંબર માટે ફક્ત એક વીઆઇડી એક્ટિવ અને માન્ય રહેશે.
  4. જે જે જગ્યાએ આપણે અગાઉ મૂળ આધાર નંબર આપીને વેરિફિકેશન કરાવતા હતા ત્યાં હવે આ વીઆઇડી આપીને ઓળખ કરાવી શકીશું.
  5. આપણા આધાર નંબરથી વેરિફિકેશન કરતી એજન્સી આપણા વતી આપણો વીઆઇડી જનરેટ કરી શકશે નહીં.
  6. આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે નવો વીઆઇડી જનરેટ કરી શકીશું. દરેક નવો વીઆઇડી જનરેટ થતાં અગાઉનો વીઆઇડી આપોઆપ કેન્સલ થઇ જશે.
  7. માર્ચ ૧, ૨૦૧૮થી યુઆઇડીએઆઈ આ નવી વ્યવસ્થા અમલી કરશે અને ત્યારથી ઇકેવાયસી અને ઓથેન્ટિકેશન માટે આધારનો ઉપયોગ કરતી એજન્સી પોતાની સિસ્ટમમાં આપણા ૧૬ અંકના વીઆઇડીનો ઉપયોગ કરી શકશે.
  8. જૂન ૧, ૨૦૧૮ સુધીમાં આવી તમામ એજન્સીઓ માટે આ નવી વ્યવસ્થાનો ઉપયોગ ફરજિયાત થઈ જશે.

લિમિટેડ ઇ-કેવાયસી શું છે?

વીઆઇડીને કારણે આપણને આપણો આધાર નંબર ખાનગી રાખવાની તક મળશે પરંતુ બીજા છેડે આપણી આધાર વિગતો ધરાવતી સંસ્થાઓ તરફથી આપણો ડેટા લીક ન થઈ શકે એ માટે લિમિટેડ કેવાયસીની વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે.

આ નવી વ્યવસ્થા અનુસાર ઓથેન્ટિકેશન યૂઝર એજન્સીને બે ભાગમાં વહેંચી નાંખવામાં આવશે : ગ્લોબલ અને લોકલ.

આ વિશે હજી પૂરતી સ્પષ્ટતાઓ નથી પરંતુ બેન્ક્સ અને ઇન્કમટેક્સ સત્તાવાળાઓ ગ્લોબલ એજન્સી ગણાશે. ગ્લોબલ પ્રકારની એજન્સી આપણા આધાર સંબંધિત બધી વિગતો સ્ટોર કરી શકશે અને જોઈ શકશે.


વીમા કંપની, મ્યુ્ચ્યૂઅલ ફંડ, મોબાઇલ કંપની વગેરે લોકલ એજન્સી ગણાશે.

આવી તમામ એજન્સીને આધારના સર્વર પરથી આપણા આધાર સંબંધિત તમામ ડેટાની એક્સેસ નહીં મળે, પણ ઓળખની ખરાઈ માટે તેમણે ૭૨ અંક અને અક્ષર ધરાવતા એક ખાસ પ્રકારના ‘યુઆઇડી ટોકન’નો ઉપયોગ કરવો પડશે.

આ નવી વ્યવસ્થાને કારણે આવી એજન્સીને આપણા આધાર સંબંધિત બધી વિગતો મળશે નહીં.

આધારમાં ફેસ રેકગ્નિશન

સરકારે આગામી થોડા સમયમાં આધારથી ઓળખ વધુ મજબૂત બનાવવા માટે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. સરકારની દલીલ છે કે વૃદ્ધોની ઉંમર સાથે તેમની ફિંગર પ્રિન્ટ અને આંખની આઇરિસથી ઓળખ મુશ્કેલ બને ત્યારે ફેસ રેકગ્નિશન મદદરૂપ થશે.

વર્ચ્યુઅલ આઇડી અને લિમિટેડ ઇ-કેવાયસી મોડાં છતાં ઉપયોગી પગલાં ગણી શકાય, પરંતુ ફેસ રેકગ્નિશન ટેકનોલોજી આધારના કિસ્સામાં કેટલી ઉપયોગી થશે તે વિશે બહુ મોટી શંકા છે.

‘સાયબરસફર’ના ઓક્ટોબર ૨૦૧૭ના અંકમાં, એપલની ફેસ આઇડી ટેક્નોલોજી વિશેના લેખમાં આપણે જાણ્યું હતું, તેમ એપલનો આઇફોન પહેલી વાર આપણો ચહેરો સ્કેન કરીને તેનો ૩ડી મેપ તૈયાર કરે છે અને બીજી વાર કોઈ ચહેરો સામે આવે ત્યારે બંને વચ્ચે ૩૦,૦૦૦ જેટલા ડોટ્સ સરખાવીને નક્કી કરે છે કે બંને ચહેરા એક જ છે કે અલગ અલગ.

આધાર માટે આપણો ફોટોગ્રાફ લેવાયો ત્યારે તે તદ્દન સસ્તા વેબકેમથી લેવાયો હતો. આધાર કાર્ડમાંનો આપણો ફોટો, આપણે પોતે માંડ ઓળખી શકીએ તેવો હોય છે તો સિસ્ટમ તેને આધારે જે ખરાઈ કરશે એ કેટલી વિશ્વસનીય ગણી શકાશે?

આપણે શું કરવાનું?

અત્યારે વિવિધ સર્વિસીઝ સાથે આધારને સાંકળવામાં રહેલાં જોખમો સંબંધિત ઘણા કેસ સર્વોચ્ચ અદાલત સમક્ષ છે.

આ કેસીઝનું જે પરિણામ આવે તે, પણ અત્યારે આપણે તો આ ફેરફારો બરાબર સમજવાના અને જ્યારે તે અમલી બને ત્યારે આધારની વર્ચ્યુઅલ આઇડી (વીઆઇડી) જનરેટ કરતાં શીખી જવું પડશે.

આધારના ડેટાને સલામત બનાવવા માટે વીઆઇડી ઉપયોગી થશે, પણ અત્યાર સુધીમાં જે કંઈ લીક થયું તેમાં માત્ર આધાર નંબર હતા કે બાયોમેટ્રિક્સ વિગતો પણ હતી તેનો જવાબ નથી.

આપણા રોજબરોજના જીવન સંબંધિત લગભગ દરેક બાબતો માટે હવે આધારને અનિવાર્ય આધાર બનાવવાનો સરકાર પ્રયાસ કરી રહી છે ત્યારે તેના ડેટાને વધુ ને વધુ સલામત બનાવવાના આ પ્રયાસો આવકાર્ય છે પરંતુ અત્યાર સુધીમાં આધારનો આપણો જે કોઈ ડેટા લિક થઈને ખુલ્લેઆમ બજારમાં વેચાઈ ગયો છે તેનું શું એ પ્રશ્નનો અત્યારે સ્પષ્ટ જવાબ મળતો નથી.

આધાર તંત્રની દલીલ છે કે જેમ કોઈ વ્યક્તિને આપણો ફક્ત બેન્ક ખાતા નંબર આપવાથી ખાતાની સલામતી જોખમાતી નથી તેમ ફક્ત આધાર નંબર બીજી કોઈ વ્યક્તિ જાણે તો તેમાં કોઈ જોખમ નથી. આધાર તંત્રના દાવા મુજબ અત્યાર સુધી આધારનો ડેટા લિક થયો હોવાના જે કોઈ સમાચારો આવ્યા છે તેમાં માત્ર આધાર નંબર જાહેર થયો છે, જે તે વ્યક્તિની બાયોમેટ્રિક્સ વિગતો નહીં. અલબત્ત આ દાવો કેટલે અંશે સાચો છે તે ચોક્કસ એક મોટો પ્રશ્ન છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!