ફેસબુક પર યૂઝર્સ જે કંઈ પોસ્ટ મૂકે છે તે ડેટાને આધારે એ વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ પ્રેરાઈ રહી છે તેવાં કોઈ ચિહ્નોની એક પેટર્ન પારખવા વિશે ફેસબુકે અમેરિકામાં કેટલાક પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગોમાં સફળતા મળ્યા પછી ફેસબુક આ નવી વ્યવસ્થાને અન્ય દેશોમાં અમલમાં મૂકવાનું આયોજન કરી રહી છે.
ફેસબુકે આ વિશે ટેકનિકલ જાણકારી જાહેર કરી નથી પરંતુ એક શક્યતા અનુસાર ફેસબુકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક પેટર્ન રેકગ્નેશન સોફ્ટવેર વિકસાવ્યું છે.
આ આખી વાત સાદા શબ્દોમાં જોઇએ તો એવું કહી શકાય કે ફેસબુક પર કોઈ બે વ્યક્તિની વાતચીતમાં “બધું ઠીકઠાક તો છે ને?, “હું કંઈ મદદ કરી શકું? કે “તું એવા વિચારો છોડી દે વગેરે પ્રકારના શબ્દો જોવા મળે તો ફેસબુકના સોફ્ટવેરને એવો અંદાજ આવી જાય છે કે કંઇક ગરબડ છે અને આ વ્યક્તિ આપઘાત કરવા તરફ જઈ રહી છે. આવી પેટર્ન જોવા મળે તો ફેસબુક તરફથી એ વ્યક્તિ કે તેના મિત્રોને આત્મહત્યા રોકવા સંબંધી માર્ગદર્શન આપવામાં આવે છે.
ઉપરાંત કેટલાક ખાસ કિસ્સામાં ફેસબુકના અધિકારીઓ સ્થાનિક સત્તાવાળાનો સંપર્ક કરીને તેમને એ વ્યક્તિના લોકેશન સાથે પગલાં લેવાનું કહે છે. ફેસબુક આ વ્યવસ્થા આખા વિશ્વમાં અમલી કરવા માગે છે. યુરોપના દેશોમાં પ્રાઇવસી સંબંધીત કાનૂની ગૂંચવણો હોવાથી યુરોપમાં આ વ્યવસ્થા અમલમાં ન મૂકાય તેવી શક્યતા વધુ છે.
અત્યાર સુધી ફેસબુક પર બાળકો અને વયસ્કો વચ્ચેની વાતચીતમાં અયોગ્ય ભાષાનો ઉપયોગ થતો લાગે તો ફેસબુક સત્તાવાળાઓનું એ તરફ ધ્યાન દોરતી હોવાનું મનાતું હતું. ઇન્ટરનેટ પર બાળકોની સલામતી માટે આ જરૂરી પણ છે.
‘સાયબરસફર’માં આપણે અગાઉ જાણ્યું છે તેમ ગૂગલ પર કોઈ આત્મહત્યા સંબંધિત કંઈ સર્ચ કરે તો ગૂગલ તેને મદદરૂપ સંસ્થાનો હેલ્પ નંબર બતાવે છે.
આ બધી સારી સુવિધાઓ છે, પણ લોકોને ડર છે કે આ રીતે જમ ઘર ભાળી જશે. ફેસબુક, ગૂગલ વગેરે આપણી બધી માહિતી આ રીતે વાંચવા લાગે તો એનો ઉપયોગ તે ક્યાં ક્યાં અને કેવી રીતે કરશે તેની સીમાઓ આંકવી બહુ મુશ્કેલ છે!

