ફેસબુક આપણા સૌના જીવનમાં એકદમ ગાઢ રીતે વણાઈ ગયેલી બાબત છે, પણ તેના એકાઉન્ટની સલામતી તરફ આપણે એટલું ધ્યાન આપતા નથી, જેટલું મિત્રોના સ્ટેટસ અપડેટ્સ પર આપીએ છીએ!
ફેસબુકનો તમે વર્ષોથી ઉપયોગ કરતા હો કે તેના નવા નવા યૂઝર બન્યા હો, ફેસબુકના એકાઉન્ટને સલામત રાખવું સૌ માટે જરૂરી છે. આપણી ઘણી બધી અંગત માહિતી આપણે ફેસબુક એકાઉન્ટમાં રોજે રોજ ઉમેરતા હોવાથી આપણે બદલે બીજી કોઈ વ્યક્તિ આપણા ફેસબુક એકાઉન્ટમાં ઘૂસી જાય એવું ક્યારેય ન બનવું જોઈએ.
સારી વાત એ છે કે ફેસબુક આપણા એકાઉન્ટને સલામત રાખવા માટે ઘણી બધી સુવિધાઓ આપે છે. તો સામે પક્ષે ખરાબ વાત એ છે કે આ પદ્ધતિઓ ઘણી બધી હોવાને કારણે જ આપણને તેની પૂરતી માહિતી હોતી નથી અને પરિણામે આપણે તેનો લેવો જોઇએ તેટલો લાભ લેતા નથી!
ફેસબુકના આપણા એકાઉન્ટની સલામતી જોખમાય, એટલે કે બીજી કોઈ વ્યક્તિ આપણા એકાઉન્ટને હેક કરી લે અને તેનો પાસવર્ડ બદલી નાખે, તો એ એકાઉન્ટ આપણું જ હોવાનું સાબિત કરવું બહુ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, જો આપણે પહેલેથી કેટલીક બાબતોની કાળજી લીધી હોય, તો આપણું ફેસબુકનું એકાઉન્ટ હેક કરવું બીજા માટે મુશ્કેલ બને છે અને જો એ તેમાં તે સફળ થઈ પણ જાય, તો આપણા માટે ફરી અંકુશ મેળવવો સરળ બને છે.
આ માટે તમારા ફેસબુક એકાઉન્ટમાં અહીં આપેલી બાબતો સમયસર તપાસી લો. આપણે પીસીને ધ્યાનમાં રાખીને આ પગલાં તપાસીશું, પણ મોબાઇલમાં પણ એ પગલાં લગભગ સરખાં જ છે.
આ માટે, ફેસબુકમાં લોગઇન થયા પછી, જમણા ખૂણે આપેલા ઊંધા ત્રિકોણ પર ક્લિક કરી, ‘સેટિંગ્સ’માં જાઓ.
તેમાં ‘સિક્યોરિટી એન્ડ લોગઇન’માં જાઓ. અહીં આપેલાં દરેક સ્ટેપ્સ આપણે સમજવાં ખૂબ જરૂરી છે.
૧. તમે ક્યાં ક્યાં લોગ્ડઇન છો તે તપાસો
આજના સમયમાં આપણે જુદાં જુદાં ઘણાં સ્થળો અને સાધનોમાંથી ફેસબુકમાં લોગઇન થયા હોઈએ એવું બની શકે છે.
જેમ કે તમે ઓફિસના પીસીમાં અને ઘરના પીસીમાં ફેસબુકમાં લોગઇન થયા હો.
તમારા સ્માર્ટફોનમાં ફેસબુક એપમાં અથવા ફોનમાંના બ્રાઉઝરમાં ફેસબુકની સાઇટ પર જઈને તેમાં લોગઇન થયા હો.
ક્યારેક બિઝનેસ ટ્રીપ વખતે કોઈ હોટેલમાંના બિઝનેસ સેન્ટરમાંના પીસીમાં કે કોઈ સાયબરકેફેમાંથી પણ લોગઇન થયા હો એવું બની શકે છે.
આ બધી જગ્યામાંથી કેટલીક જગ્યાએ તમે લોગઆઉટ ન થયા હો એવું પણ બની શકે છે.
ફેસબુકમાં લોગઇન થયા પછી, સેટિંગ્સમાં ‘સિક્યોરિટી એન્ડ લોગઇન’ સેક્શનમાં, આપણે આ ક્ષણે કયા કયા સાધન અને સ્થળેથી ફેસબુકમાં લોગ્ડઇન છીએ તે તપાસી શકીએ છીએ.
આ વિભાગ થોડા થોડા વખતે તપાસતા રહો અને તમારા પોતાના પીસી અને સ્માર્ટફોન સિવાય જ્યાં જ્યાંથી તમે લોગ્ડઇન છો તેવું જોવા મળે ત્યાંથી લોગઆઉટ થઈ જાઓ. અહીં તમારા જૂના ફોનની વિગતો પણ મળી શકે છે. આ માટે યાદીની નીચે આપેલા ‘સી મોર’ પર ક્લિક કરી, એક સાથે બધેથી લોગઆઉટ થવાનો વિકલ્પ પણ મળશે.
આ યાદીમાં, તમે જે ડિવાઇસ ધરાવતા ન હો, જેમ કે આઇફોન, કે જે સ્થળે ગયા જ ન હોય તે ડિવાઇસ કે સ્થળેથી લોગ્ડઇન છો એવું જોવા મળે તો તાત્કાલિક તમારા એકાઉન્ટનો પાસવર્ડ બદલી નાખશો.
૨. પાસવર્ડ બદલતા રહો
‘સિક્યોરિટી એન્ડ લોગઇન’માંથી આપણે આપણો ફેસબુકનો પાસવર્ડ બદલી શકીએ છીએ. ફેસબુક એકાઉન્ટને સલામત રાખવા માટે, થોડા થોડા વખતે પાસવર્ડ બદલતા રહેવું એ સૌથી સારો ઉપાય છે.
એ એકાઉન્ટ સલામત બનાવવા માટેનું સૌથી પહેલું અને સૌથી પ્રાથમિક પગથિયું છે. ફેસબુકનું એકાઉન્ટ ખોલાવતી વખતે તમે જે પણ પાસવર્ડ પસંદ કર્યો હોય તે ઓછામાં ઓછા ૧૨ કે વધુ કેરેકટર્સનો હોય તો તે વધુ સલામત રહેશે. તમારા પાસવર્ડમાં આલ્ફાબેટ્સ, નંબર્સ, સ્પેશિયલ કેરેકટર્સ વગેરેનું મિશ્રણ રાખો.
ફેસબુક માટે જે પાસવર્ડ પસંદ કરો તેનો ક્યારેય બીજી કોઈ વેબસર્વિસમાં ઉપયોગ કરશો નહીં. ફેસબુકના પાસવર્ડમાં તમારી પોતાની અંગત છતાં બીજા લોકો જાણતા હોય તેવી માહિતી જેમ કે, તમારું કે નજીકના કુટુંબીજનનું નામ, જન્મતારીખ, ગામનું નામ વગેરે ન રાખશો.
ફેસબુક માટે અલગ પાસવર્ડ યાદ રાખવો મુશ્કેલ હોય તો પણ એકાઉન્ટની સલામતી માટે આ બહુ જરૂરી છે. તમારા જીવનની કોઈ મહત્વની ઘટના, ગમતા ગીતના શબ્દો, ભાવતી વાનગી વગેરેને આધારે પાસવર્ડ બનાવશો તો તેને યાદ રાખવો સરળ બનશે. ફક્ત એટલું યાદ રાખશો કે બીજી કોઈ વ્યક્તિ તેનો સહેલાઇથી અંદાજ બાંધી શકે એવો એ પાસવર્ડ ન હોવો જોઈએ.
આટલું વાંચ્યા પછી તમને લાગતું હોય કે ફેસબુક માટે તમે પસંદ કરેલો પાસવર્ડ પૂરતો સલામત નથી તો પહેલું કામ તમારો પાસવર્ડ બદલવાનું કરો!
૩. પ્રોફાઇલ પિક્ચરથી લોગઇન થવાની સુવિધા તપાસો
આપણા રોજિંદા પીસી ફેસબુકમાં લોગઇન થવા માટે ફેસબુક કેટલીક સરળ સુવિધા પણ આપે છે. જેમ કે, પ્રોફાઇલ પિક્ચરથી લોગઇન થવાની સુવિધા.
આ સુવિધા ઓન રાખીએ તો, રોજિંદા પીસીના રોજિંદા બ્રાઉઝરમાં ફેસબુક પર જઈએ ત્યારે આપણું પ્રોફાઇલ પિક્ચર જોવા મળે છે અને તેને ક્લિક કરી, પાસવર્ડ પણ આપ્યા વિના લોગઇન થઈ શકાય છે. જોકે સુવિધા બહુ હિતાવહ નથી કેમ કે આપણે થોડી વાર માટે પીસીથી દૂર હોઈએ ત્યારે કોઈ પણ વ્યક્તિ આપણા પિક્ચર પર ક્લિક કરીને લોગઇન થઈ શકે છે. જો તમારા સેટિંગ્સમાં આ સુવિધા ઓન હોય તો તેને બંધ કરવી સારી છે.
૪. લોગઇન એલર્ટ ઇનેબલ કરો
ફેસબુક તરફથી તમને ઇમેઇલમાં કે મોબાઇલમાં અનેક પ્રકારનાં નોટિફિકેશન્સ આવતાં હશે. તમારા મિત્રોએ કોઈ નવી પોસ્ટ મૂકી, તમને કોઈએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી, કોઈએ તમને ગેમ રમવાની રીકવેસ્ટ મોકલી કે પછી તમે જે પોસ્ટમાં કમેન્ટ કરી હોય તેના પર કોઈ કમેન્ટ ઉમેરાઈ હોય વગેરે દરેક બાબત વિશે ફેસબુક આપણને નોટિફિકેશન્સ મોકલ્યા કરે છે.
નોટિફિકેશન્સનો આવો મારો તમને કંટાળાજનક લાગે તો સેટિંગ્સમાં જઇને તેને બંધ કરી શકાય છે.
પરંતુ ફેસબુક તરફથી કેટલાંક નોટિફિકેશન્સ મળવાં બહુ જરૂરી હોય છે.
જેમ કે, સેટિંગ્સમાં સિક્યોરિટીમાં લોગઇન એલર્ટસના વિકલ્પને તમે ઇનેબલ કરશો તો પછી કોઈ પણ અજાણ્યા સાધન કે બ્રાઉઝરમાંથી તમારા એકાઉન્ટમાં લોગઇન થાય તો તરત જ તમને તેની જાણ કરવામાં આવશે.
એ ખાસ નોંધવા જેવું છે કે જો ફેસબુકના અન્ય નોટિફિકેશન્સ બંધ રાખ્યા હશે તો આવા મહત્ત્વના નોટિફિકેશન તમારી નજરમાંથી છટકી શકશે નહીં.
તમારા બદલે અન્ય કોઈ વ્યક્તિએ ફેસબુકમાં લોગઇન કર્યાનો મેસેજ મળે, તો તેમાં જ ફેસબુક એકાઉન્ટને સિક્યોર કરવાનાં પગલાંની લિંક આપેલી હોય છે. તેનો ઉપયોગ કરી તરત જ જરૂરી પગલાં લો.
૫. ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો
ફેસબુક (કે પછી કોઈ પણ વેબસર્વિસ)માંનું આપણું એકાઉન્ટ સલામત રાખવા માટે મજબૂત પાસવર્ડ હોય એટલું પૂરતું નથી. આજના સમયમાં પાસવર્ડ આપણા ધાર્યા કરતાં વધુ સહેલાઇથી ક્રેક થઈ શકે છે. એ માટે ટુ-ફેક્ટર વેરિફિકેશન જેવી પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે.
આ પદ્ધતિમાં આપણા પાસવર્ડ ઉપરાંત આપણા ફોનનો પણ ઉપયોગ થાય છે. આ બંને બાબત હેકરના હાથમાં આવે એ શક્ય ન હોવાથી એકાઉન્ટ વધુ સલામત બને છે. તેમાં ફેસબુકમાં લોગઇન થવા માટે આપણે પાસવર્ડ આપીએ તે પછી ફેસબુક આપણા ફોનમાં એક કોડ મોકલે છે એ કોડ આપણે આપીએ તો જ ફેસબુકમાં લોગઇન થઈ શકીએ છીએ. ફેસબુકમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ઇનેબલ કરવા માટે સેટિંગ્સમાં સિક્યોરિટી વિભાગમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનમાં જાઓ.
તેમાં ફોનમાં એસએમએસ દ્વારા, સિક્યુરિટી કી દ્વારા અથવા કોડ જનરેટર દ્વારા આવો કોડ મેળવવાના વિકલ્પ મળશે. જો તમે સ્માર્ટફોનમાં પણ ફેસબુકનો ઉપયોગ કરતા હો તેમાં જ કોડ જનરેટ કરવાની સુવિધા મળે છે. રીકવરી કોડ્સ અને એપ્સ પાસવર્ડ જનરેટ કરીને સાચવી રાખવા પણ હિતાવહ છે, જે ક્યારેક આપણે એસએમએસ કે ફેસબુક એપ દ્વારા કોડ મેળવી શકીએ તેમ ન હોઈએ ત્યારે કામ લાગે છે.
‘ઓથોરાઇઝ્ડ લોગઇન્સ’ વિભાગમાં, તમે જે જે સાધનને વિશ્વાસપાત્ર કહ્યાં હોય (જેના પર લોગઇન થતી વખતે વધારાનો કોડ પૂછવામાં ન આવે) તેની યાદી જોવા મળશે એ પણ તપાસી લો.
લોગઇન એપ્રૂવલ્સની વ્યવસ્થા ગમે ત્યારે બંધ કરી શકાય પરંતુ એકાઉન્ટની સલામતી માટે, તે અગવડભરી કે કંટાળાજનક લાગે તો પણ તેનો ઉપયોગ ચાલુ રાખવો હિતાવહ છે.
૬. ફેસબુકને ટ્રસ્ટેડ કોન્ટેક્ટ્સ જણાવો
આ પણ એક બહુ મહત્ત્વની બાબત છે, જે આપણું ફેસબુક એકાઉન્ટ હેક થાય તે પહેલાં અમલમાં મૂકવી જરૂરી છે.
કોઈ કારણસર તમે પાસવર્ડ ભૂલી જાવ, કોઈ હેકર પાસવર્ડ બદલી નાખે, તમે ફેસબુકને આપેલ ઈ-મેઇલ એડ્રેસ કે મોબાઇલ નંબર તમે હવે એક્સેસ કરી શકતા હો કે હેકરે તે બદલી નાખ્યાં હોય, એવા સંજોગમાં ફેસબુક પરના આપણા મિત્રો આપણને મદદરૂપ થઈ શકે છે, જો આપણે ફેસબુકને પહેલેથી તેમનાં નામ જણાવ્યાં હોય તો.
આ માટે, સેટિંગ્સમાં જ સિક્યોરિટી એન્ડ લોગઇન વિભાગમાં ફેસબુકને ૩થી ૫ મિત્રો જણાવી શકાશે. અહીં તમારી નજીકના અને ખરેખર ભરોસાપાત્ર પાંચેક મિત્રોના નામ પસંદ કરી લો. ભવિષ્યમાં તમે ફેસબુકમાં લોગઇન ન થઈ શકો, તો ફેસબુક આ મિત્રોમાંથી કોઈને સિક્યોરિટી કોડ મોકલશે, જે કોડની મદદથી તમે તમારી ઓળખ સાબિત કરી શકશો.
આ સિવાય, ફેસબુકમાં તમે કઈ એપ્સને તમારું એકાઉન્ટ એક્સેસ કરવાની છૂટ આપી છે તે પણ તપાસવું જરૂરી છે. જોકે આ એક આખા લેખનો વિષય હોવાથી તેની વાત આપણે આગળ કરીશું!


