સ્માર્ટફોન જ્યારે નવા નવા લોન્ચ થયા હતા ત્યારે આપણે તેમાં લાઇવ વોલપેપર રાખીને ગોળમટોળ પથ્થરો પર લહેરાતા પાણીને હળવેકથી સ્પર્શ કરતાં ઊભી થતી લહેરોની મજા માણવાનો કેવો રોમાંચ અનુભવતા હતા એ યાદ છે?!
પછી તો સ્માર્ટફોન તદ્દન સામાન્ય થઈ પડ્યા અને હવે લગભગ કોઈના ફોનમાં એ ખાસ્સું બેટરી ખાતું લાઇવ વોલપેપર જોવા મળતું નથી. પરંતુ ફોનને અવનવા સ્ટેટિક વોલપેપરથી સજાવવાનો મહિમા હજી પણ અકબંધ છે.
આમ તો તમને ઇન્ટરનેટ પર જે કોઈ ઇમેજ ગમે તેને ફોનમાં ડાઉનલોડ કરી, ગેલેરીમાં એ ઇમેજ સિલેક્ટ કરીને તેને વોલપેપર તરીકે સેટ કરવાનો વિકલ્પ મળી શકે છે. પરંતુ જો તમે જુદી જુદી ઇમેજ શોધવા માટે વારંવાર ઇન્ટરનેટમાં ખાંખાખોળાં કરવા માગતા ન હો તો પ્લેસ્ટોરમાં જઇને વોલપેપર સંબંધિત સંખ્યાબંધ એપ્સ ડાઉનલોડ કરી શકાય છે.
અલબત્ત આ બધામાં ગૂગલની પોતાની વોલપેપર એપ જરા અલગ તરી આવે છે. એ કેમ જૂદી છે એની આપણે વોલપેપર ડાઉનલોડ કરીને જ વાત કરીએ.
અગાઉ ફક્ત ગૂગલના પિક્સેલ ફોનમાં મળતી આ સુવિધા હવે અલગ એપ તરીકે સૌ કોઈને મળી ગઈ છે. હમણાં આ એપમાં બે નવી કેટેગરી ઉમેરાઇ છે એટલે તે જરા વધુ રસપ્રદ બની છે.
જો તમે તમારા સ્માર્ટફોનમાં જુદા જુદા પ્રકારના વોલપેપર રોજે રોજ બદલાય એવું ઇચ્છતા હો તો ગૂગલ વોલપેપર એપ ડાઉનલોડ કરી લો. આ એપ ડાઉનલોડ કરીને તમે લોન્ચ કરશો એટલે તેમાં મથાળે તમે ઓલરેડી કોઈ વોલપેપર સેટ કરેલ હશે તો તે જોવા મળશે. ત્યાર પછી તમારા સ્માર્ટફોનમાંના તમારા પોતાના ફોટોગ્રાફ્સમાંથી મનગમતા ફોલ્ડરને સિલેક્ટ કરીને તેમાંથી કોઈ ફોટોગ્રાફને વોલપેપર તરીકે સેટ કરી શકશો. પરંતુ આટલા માટે આપણે ગૂગલ વોલપેપર એપની જરૂર નથી.
આ એપની ખરી મજા તેમાં રહેલી આર્ટ, અર્થ, લેન્ડસ્કેપ્સ, સીટી સ્કેપ્સ, લાઇફ, ટેક્સચર્સ, સોલિડ કલર્સ કે લાઇવ વોલપેપર્સ કેટેગરીમાંથી કોઈ પણ એક કેટેગરી પસંદ કરવામાં છે.
મજા એ છે કે આમાંની કોઈ પણ કેટેગરી આપણે સિલેક્ટ કરીએ પછી જોવા મળતા ઓપ્શનમાં ડેઇલી વોલપેપરના વિકલ્પને ઓન કરી દઈએ તો આ એપ તેને જ્યારે પણ વાઇ-ફાઇ કનેકશન મળે ત્યારે એ કેટેગરીમાંની નવી ઇમેજ આપોઆપ ડાઉનલોડ કરીને રોજે રોજ વોલપેપર બદલતી રહેશે.
આટલી સુવિધા તો આપણને બીજી એપમાં મળી શકે, પણ વાત ગૂગલની છે એટલે તેમાં ઇન્ટરનેટ પર આગળ વધવાની સુવિધા ન હોય એવું બની ન શકે. આપણને જે નવા વોલપેપર વિશે વધુ જાણવામાં રસ પડે તેને ગૂગલ વોલપેપર એપમાં ઓપન કરીને એ ઇમેજના મૂળ સ્ત્રોત સુધી પહોંચી શકીએ છીએ અને તેના વિશે થોડી વધુ માહિતી મેળવી શકીએ છીએ.
આ એપની હાઇલાઇટ તેની અર્થ કેટેગરી છે. આ કેટેગરી સિલેક્ટ કરતાં આ એપ ગૂગલ અર્થની મદદથી પૃથ્વીના વિવિધ ભાગની રસપ્રદ ઇમેજીસ આપણને વોલ પેપર તરીકે બતાવે છે અને એ દરેક ઇમેજને વોલપેપર એપમાં ક્લિક કરીને આપણે મેપ્સ પર એ ચોક્કસ જગ્યા સુધી પહોંચી શકીએ છીએ.
રોજ કંઇક નવું જોવું અને જાણવું હોય તો આ એપ ખરેખર મજાની છે.

