આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી દુનિયાભરના કેટલાય લોકોને પોતાની નોકરી જવાનો ભય સતાવવા લાગ્યો છે. આ બાબતે અધકચરા અભિપ્રાયોને બદલે, વૈજ્ઞાનિક અભ્યાસને આધારે, તમને પોતાને કેટલું જોખમ છે એ જાણવા જેવું છે.
થોડા સમય પહેલાં, અમેરિકાથી આવેલા મૂળ ગુજરાતી મિત્રે એક રસપ્રદ અનુભવ કહ્યો. એમની ફ્લાઇટ શિકાગોથી મુંબઈ પહોંચી, એ પછી મુંબઇથી અમદાવાદની ફ્લાઇટ પકડવા એમણે થોડો સમય એરપોર્ટ પર વિતાવવાનો હતો. એ દરમિયાન એમણે જોયું કે એરપોર્ટ પર જાહેરાતનું એક મોટું ડિસ્પ્લે હોર્ડિંગ બદલવા માટે કેટલાક લોકો આવ્યા. મિત્રે જોયું કે એક હોર્ડિંગ બદલવા માટે દસ-બાર માણસોનો કાફલો આવ્યો અને ત્રણ-ચાર કલાકની મથામણ પછી તેમણે હોર્ડિંગ બદલ્યું અને પછી ત્યાંથી રવાના થયા. મિત્રના જ શબ્દોમાં, “આ જ કામ શિકાગોના એરપોર્ટ પર કરવાનું હોત, તો માંડ બે માણસો આવ્યા હોત અને ઓટોમેટિક સાધનોની મદદથી પંદરેક મિનિટમાં એ કામ આટોપી લીધું હોત.
એ મિત્રે તરત ઉમેર્યું કે ભારત પછાત છે એવું કહેવાનો આશય નથી અને આપણા દેશમાં હજી પણ મશીનને બદલે લોકોને વધુ કામ મળે છે એ સારું જ છે, પણ મુદ્દો એ છે કે દુનિયામાં બીજે બધે (અને આપણે ત્યાં પણ) ફટાફટ કામ કરવાની ઉતાવળમાં અને ટેક્નોલોજીથી ખર્ચ અને સમય બચાવવાની લ્હાયમાં, લોકોની રોજી મશીન છીનવી રહ્યાં છે.
આગળ શું વાંચશો?
- કેવા પ્રકારની નોકરી ખતરામાં છે?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કમ્પ્યુટર સિસ્ટમ ચેસ અને એથીય જટિલ ‘ગો’ નામની રમતમાં માણસને હરાવવા લાગી ત્યારથી જગત આખામાં કેટલાય લોકોને ચિંતા થવા લાગી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એમની નોકરી જશે?
આ સવાલના જવાબમાં અત્યારે તો બિલકુલ અધ્ધરતાલ અભિપ્રાયોની આપલે કરવામાં આવે છે, પણ સદનસીબે આ દિશામાં કેટલાક વૈજ્ઞાનિક ઢબના અભ્યાસો પણ થયા છે.
જેમ કે, જગવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીના બે તજજ્ઞોએ રોજિંદી નોકરીઓમાં જરૂરી જુદી જુદી નવ પ્રકારની પાયાની કુશળતા કે જરૂરિયાતોને આધારે, જુદા જુદા પ્રકારની નોકરી કરતા લોકો સામે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કેટલો ખતરો છે એ નક્કી કરતો એક અભ્યાસ કર્યો છે.
કેવા પ્રકારની નોકરી ખતરામાં છે?
આ નિષ્ણાતોના અભ્યાસના પાયામાં એક જ વાત હતી – આપણે સૌ કોઈ, જે કંઈ કામ કરીએ છીએ તે, એટલી જ અસરકારક રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે કમ્પ્યુટર કે મશીન કે રોબોટ – જે કહો તે, કરી શકે ખરાં?
સાદો દાખલો લઈએ તો અગાઉ ખેડૂત હળને બળદ જોતરીને ખેતર ખેડતા હતા, એ કામ હવે ટ્રેક્ટર ઘણી વધુ ઝડપથી કરી આપે છે, પણ છોડ ઊગ્યા પછી ખેડૂત જેટલી માવજતથી છોડની કાળજી લે એટલી અસરકારક રીતે મશીન તેને ઉછેરી શકે ખરાં? આ સવાલનો હા કે નામાં જવાબ આપવાની ઉતાવળ કરવા જેવી નથી, કારણ કે વાતનું પલ્લું ગમે તે બાજુ નમી શકે છે.
એ જ રીતે, હૉસ્પિટલમાં કોઈ દર્દીની કાળજી લેવાનો સવાલ હોય તો? જો દર્દીના દરેક અંગની કામગીરી, મગજ, હૃદય વગેરેનું સ્કેનિંગ અને લોહીનાં પરીક્ષણ વગેરેનો ક્ષણે ક્ષણનો રિપોર્ટ મેળવવવામાં આવતો હોય તો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આ ડેટાને એ દર્દીના પોતાના ઇતિહાસ, તેના પરિવારના અન્ય લોકો અને એ જ પ્રકારના અન્ય અસંખ્ય લોકોના ડેટા સાથે સરખાવીને તેના આધારે દર્દીને હવે કેવી સારવાર આપવી જરૂરી છે એનો નિર્ણય કરવાનો હોય તો કદાચ જોરદાર અનુભવી અને કુશળ ડોક્ટર તથા મશીન વચ્ચે સ્પર્ધા થઈ શકે, પણ દર્દીને પીડામાં રાહત આપવાની વાત હોય ત્યારે ડોક્ટર કે નર્સનો હૂંફાળો સ્પર્શ જે અસર કરી શકે, એ મશીન ક્યારેય ન કરી શકે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના નિષ્ણાતોએ જે અભ્યાસ કર્યો, તેમાં જુદાં ક્ષેત્રમાં લોકોએ પોતાની નોકરી દરમિયાન કેવી આવડતોનો ઉપયોગ કરવો પડે છે અને કેવી સ્થિતિમાં કામ કરવું પડે છે એના આધારે, મશીન તેમનું સ્થાન લઈ શકે કે નહીં તેની શક્યતા તપાસી છે.
જેમ કે, જો તમારે પોતાના કામકાજમાં બીજી વ્યક્તિ સાથે સતત વાતચીત કરી, તેમની સાથે વાટાઘાટ કે ચર્ચા કરીને નિર્ણયો લેવાના હોય, બીજાને તમારી આવડતથી મદદરૂપ થવાનું હોય કે તમારે પોતે સતત નવા નવા વિચારો કરીને, આઇડિયા દોડાવીને કામ આગળ ધપાવવાનું હોય તો તમારી નોકરીને તરત કોઈ જોખમ નથી.
આથી બિલકુલ બીજા છેડાની સ્થિતિમાં, જો તમારે રોજેરોજ એક સરખી બીબાંઢાળ રીતે, એક જ પ્રકારનું કામ કરવાનું હોય, જે તમે રજા પર હો ત્યારે તમારે બદલે બીજી કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી કરી શકે અને કામના પરિણામમાં તમારી ગેરહાજરીની કોઈ અસર ન થાય અને તમારે નાની, સાંકડી, તકલીફદાયક જગ્યાઓમાં કામ કરવાનું હોય તો તમારી નોકરી સામે મશીનથી ચોક્કસ મોટું જોખમ છે!
આ જોખમ ફક્ત કારખાનાના કામદારો પૂરતું નથી. જે જે જગ્યાએ કે ઓફિસમાં એક સરખું, પહેલેથી નક્કી કરેલી પ્રક્રિયા મુજબ જ કામ કરવાનું હોય ત્યાં સોફિસ્ટિકેટેડ અલ્ગોરિધમથી લોકોની નોકરી સામે જોખમ ઊભાં થઈ રહ્યાં છે.
અચ્છા આ બધી વાતો તો સમજી શકાય એવી છે, તમારી પોતાની નોકરી કેવુંક જોખમ છે એ જાણવું હોય તો? તો આગળ જેની વાત કરી છે એ ઓક્સફર્ડ યુનિવર્સિટીના નિષ્ણાતોના અભ્યાસ અને અન્ય ડેટાને આધારે બીબીસી.કોમ પર એક ઇન્ટરએક્ટિવ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે (http://www.bbc.com/news/technology-34066941).
તમે એ વેબપેજ પર જઈને, જુદા જુદા 365 પ્રકારની નોકરીમાંથી તમારી નોકરી શોધીને તેના પર કેટલા ટકા જોખમ છે એ જાણી શકો છો. આ યાદી મુજબ, ટેલિફોન સેલ્સપર્સનની નોકરી જવાનું 99 ટકા જોખમ છે, જ્યારે સાયકોલોજિસ્ટ જેવી વ્યક્તિ, જેણે દર્દી સાથે લાંબો સમય વાતચીત કરીને તેનો ઉપચાર કરવાનો હોય તેની નોકરી જવાનું જોખમ ફક્ત 0.7 ટકા છે!
નોકરી સામે ઓટોમેશનના જોખમનો આ અભ્યાસ યુકે અને યુએસએના આંકડાઓ અનુસાર છે એટલે આપણે ત્યાં, એ વિકસિત દેશોની સરખામણીમાં ઓછું જોખમ હશે, પણ સાથે એ પણ યાદ રાખશો કે આ ઇન્ટરએક્ટિવ વર્ષ 2015માં તૈયાર થયેલું છે અને બે વર્ષમાં ટેક્નોલોજી ઘણી આગળ વધી ગઈ છે!
તમારે નોકરી દરમિયાન નવા નવા વિચારોને આધારે આગળ વધવાનું હોય તો તમારી નોકરી સામે બહુ ઓછું જોખમ છે.
તમારે એકધારું, એક સરખું કામ કરવાનું હોય, જે તમારે બદલે બીજી કોઈ પણ વ્યક્તિ કરી શકે, તો તમારી નોકરી પર મશીન તરાપ મારી શકે છે.

