ભારતમાં મોબાઇલ પર વાતચીત દરમ્યાન કોલડ્રોપની સમસ્યા ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે.
સામાન્ય રીતે જ્યારે આપણે કોઈની સાથે વાતચીત કરી રહ્યા હોઈએ અને કોલડ્રોપ સર્જાય તો કનેકશન તૂટી જાય છે અને આપણને સમજાય પણ છે કે કોલડ્રોપ થયો છે. અગાઉ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટેલિકોમ કંપનીની નબળી ટેકનોલોજી અને નબળા નેટવર્ક કવરેજને કારણે ગ્રાહકોને થતી અગવડના દંડરૂપે દરેક કોલ દીઠ રૂ. એકનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ હવે ટેલિકોમ કંપનીઓએ તેનો રસ્તો શોધી કાઢ્યો હોવાનું કહેવાય છે. રેડિયો લિંક તરીકે ઓળખાતી એક ટેકનોલોજીથી ટેલિકોમ કંપની ડ્રોપ થયેલા કોલને રેગ્યુલર કોલ તરીકે માસ્ક કરી શકે છે.
આ કારણે ગ્રાહક એવા અંધારામાં રહે છે છે કોલ હજી કનેકટેડ છે પરંતુ વાતચીત શક્ય બનતી નથી. પરિણામે ગ્રાહક પોતે કંટાળીને કોલ ડિસકનેક્ટ કરે છે. જ્યારે ગ્રાહક પોતે કોલ ડિસકનેક્ટ કરે ત્યારે એ ડ્રોપ કોલ ગણાતો નથી અને કોલ માસ્ક થયો હોવાથી ટેલિકોમ કંપનીને થોડી વધુ સેક્ધડ કે મિનિટનું ભાડું પણ મળે છે. આમ કોલ ડ્રોપ થવાના સંજોગમાં કંપનીઓએ દંડ ભરવાનો થાય તેને બદલે તેમાંથી પણ તેમણે વધુ કમાણીનો રસ્તો શોધી કાઢ્યો હોવાનું કહેવાય છે.
આ સ્થિતનો સામનો કરવા માટે હવે સરકાર એક નવી વ્યવસ્થા લાવી રહી છે જે મુજબ જ્યારે પણ કોલ ડ્રોપ થાય ત્યારે આપણે ૧૯૫૫ નંબર ડાયલ કરીને તેના પર કોલ ડ્રોપ થયો હોવાની ફરિયાદ નોંધાવી શકીશું. આ નંબર ટોલ ફ્રી રહેવાની શક્યતા છે. અલબત્ત ફક્ત એક નંબર પર આખા દેશમાંથી ફરિયાદો થશે ત્યારે એ બધી ફરિયાદો પર યોગ્ય રીતે પગલાં લેવાની વ્યવસ્થા પણ ગોઠવાવી જરૂરી છે. આપણે એટલી આશા રાખી શકીએ કે આપણને સતત નડતી કોલ ડ્રોપની સમસ્યાનો કંઈક ઉકેલ આવશે.

