વોટ્સએપના બોરિંગ સ્ટેટસ અપડેટ્સનો ઉપયોગ તમે ભૂલી ગયા હો, તો હવે એમાં મજાના ફેરફાર આવી રહ્યા છે.
વોટ્સએપમાં લાંબા સમય પછી, એક મોટો ફેરફાર આવી રહ્યો છે! આ વખતે આ ફેરફારના કેન્દ્રમાં છે તેની સ્ટેટસ સુવિધા.
વોટ્સએપ પર સક્રિય દરેક વ્યક્તિ પોતાનું સ્ટેટસ લખી શકે છે, પણ બહુ ઓછા લોકો તેનો ઝાઝો લાભ લે છે. મોટા ભાગના લોકો ‘હેય ધેર, આઇ એમ યૂઝિંગ વોટ્સએપ’ એવો બાય ડિફોલ્ટ મળતો સ્ટેટસ મેસેજ બદલવાની તસદી લેતા નથી, ફક્ત થોડા ઘણા લોકો થોડા થોડા વખતે, તેમાં કંઈક કંઈક નવું લખાણ મૂકતા રહે છે.
વોટ્સએપ આ સ્થિતિ બદલવા માગે છે અને ઇચ્છે છે કે લોકો દિવસમાં કેટલીય વાર પોતાનું સ્ટેટસ બદલતા રહે. વોટ્સએપમાં લોકો પોતાનું ડીપી (ડિસ્પ્લે પિક્ચર) જેટલી વાર બદલે છે એટલી વાર સ્ટેટસમાંનું લખાણ બદલતા નથી. એટલે જ, સ્ટેટસમાં બોરિંગ ટેક્સ્ટને બદલે બીજું ઘણું મૂકી શકાય એવી સુવિધા આવી રહી છે!
નવા ફેરફારમાં, તમે વોટ્સએપના સ્ટેટસમાં નવો શોર્ટ વીડિયો મૂકી શકશો અને ફોટોઝ કે જિફ પણ તમારા સ્ટેટસ તરીકે શેર કરી શકશો. આ સ્ટેટસ તમારા તમામ વોટ્સએપ કોન્ટેક્ટસને જોવા મળશે. અત્યારે, આપણે પોતાનું સ્ટેટસ બદલીએ તો આપણા કોન્ટેક્ટ્સ પોતાના વોટ્સએપમાં કોન્ટેક્ટ લિસ્ટમાં આપણને જુએ તો જ તેમને આપણું સ્ટેટસ જોવા મળે છે, હવે આપણું સ્ટેટસ તેમને એક નવા મેસેજ તરીકે મળશે, જે તેમને ૨૪ કલાક સુધી દેખાશે. અલબત્ત, ફેસબુકની જેમ, આપણું સ્ટેટસ કોણ કોણ જોઈ શકે તે આપણે નક્કી કરી શકીશું.
એટલે એક રીતે જોઈએ તો વોટ્સએપમાં અત્યારે જે બ્રોડકાસ્ટ લિસ્ટ અને મીડિયા શેરિંગની સુવિધા છે તે હવે સ્ટેટસમાં સાંકળી લેવામાં આવી છે. અત્યારે ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટમાં કંઈક આ જ પ્રકારની સુવિધા છે.
વોટ્સએપના સ્ટેટસમાં એક નવો ફેરફાર એ પણ છે કે હવે લોકો આપણા સ્ટેટસ વિશે પોતાનો પ્રતિભાવ પણ આપી શકશે. બ્રોડકાસ્ટ લિસ્ટની જેમ, આ પ્રતિભાવ ફક્ત આપણે જ જોઈ શકીશું. સાથોસાથ, મિત્રોએ કયા સ્ટેટસ અપડેટ માટે પોતાનો પ્રતિભાવ આવ્યો છે એ પણ જોવા મળશે.
આ ફેરફારોને કારણે વોટ્સએપના દેખાવમાં પણ થોડાં પરિવર્તન આવી રહ્યાં છે. સ્ટેટસમાં વીડિયો મૂકવા માટે બિલ્ટ-ઇન-કેમેરાને નવા, મોટા આઇકોનથી દર્શાવવામાં આવશે. અત્યાર સુધી આપણે કોઈ કોન્ટેક્ટ કે ગ્રૂપની ચેટ પસંદ કરીને પછી, તેને ઇમેજ કે વીડિયો મોકલવા કેમેરા પર ત્રાટકતા હતા, હવે પહેલાં કેમેરા ઓપન કરી, વીડિયો કે ઇમેજ કેપ્ચર કરી, તેને સ્ટેટસ તરીકે મૂકવી કે કોઈ કોન્ટેક્ટ/ગ્રૂપમાં શેર કરવી તે નક્કી કરી શકાશે.
એ જ રીતે, અત્યારે સ્ટેટસ બદલવું હોય તો વોટ્સએપના સેટિંગ્સમાં જવું પડે છે. હવે પછી હોમ પેજ પર, કોલ્સ અને ચેટ્સ વચ્ચે સ્ટેટસનો આઇકોન જોવા મળશે. આ ટેબમાં, ‘માય સ્ટેટસ’માં આપણા પોતાના સ્ટેટસ અપડેટ્સ જોઈ શકીશું અને ‘રીસન્ટ અપડેટ્સ’માં આપણા મિત્રોએ છેલ્લા ૨૪ કલાકમાં અપડેટ કરેલાં પોતાનાં સ્ટેટસ જોવા મળશે.
અહીંથી આપણે કોણે આપણું સ્ટેટસ જોયું તે જોઈ શકશું અને પોતાનું કોઈ પણ સ્ટેટસ અપડેટ ડિલીટ કરી શકીશું, જે તમામ કોન્ટેક્ટના ફોનમાંથી પણ ડિલીટ થશે. વોટ્સએપની આ સુવિધા દેખીતી રીતે જુદી જુદી પ્રોડક્ટ કે સર્વિસની જાહેરાત માટે પણ ઉપયોગી થશે, આપણા માટે સારી વાત એ છે કે આપણે પોતે જેમનો નંબર પોતાના સ્માર્ટફોનમાં સેવ કર્યો હશે એમના જ સ્ટેટસ અપડેટ્સ આપણને જોવા મળશે.
અત્યારે આ સુવિધા યુરોપના દેશોમાં રોલ-આઉટ થઈ રહી છે, પણ થોડા સમયમાં આપણા સુધી પહોંચી જશે.

