આમ તો વોટ્સએપનો બેકઅપ લેવો પડે એવું લગભગ કશું જ આપણને મિત્રો મોકલતા હોતા નથી, હા કોઈ મેસેજ બહુ ગમી જાય તો એ ઇમેજ કે વીડિયો સ્વરૂપે હોય તો ડાઉનલોડ કરતાં તે ગેલેરીમાં વોટ્સએપ ઇમેજ કે વીડિયોના ફોલ્ડરમાં સેવ થઈ જ જાય છે અને ટેક્સ્ટ હોય તો આપણે તેને સિલેક્ટ કરી, કોપી કરીને જીમેઇલ કે ગૂગલ કીપ કે અન્ય કોઈ જગ્યાએ સેવ કરી શકીએ છીએ.
પણ હવે વોટ્સએપ મેસેજિંગ ધીમે ધીમે ઈ-મેઇલનું સ્થાન લેવા લાગ્યું છે અને મિત્રો નહીં તો ક્લાયન્ટ્સ કે કલીગ વોટ્સએપ પર એવું ઘણું મોકલતા હોય છે, જેનો રેકોર્ડ રાખવો આપણા માટે જરૂરી હોય.
આવી સ્થિતિમાં, તમે વોટ્સએપ એકાઉન્ટને એકને બદલે બીજા ફોનમાં ટ્રાન્સફર કરવા માગતા હો તો? જૂના ફોનને સ્થાને નવા ફોનમાં વોટ્સએપનો બધો ડેટા લઈ જવો હોય તો આ કામ સહેલું છે.
પહેલું કામ એ કરો કે વોટ્સએપના સેટિંગ્સમાં, ચેટ્સમાં, ચેટ બેકઅપમાં જાઓ. તેમાં તમે જોશો કે છેલ્લો લોકલ બેકઅપ રાતના બે વાગ્યે લેવાયો હતો (આ નિયમિત બેકઅપ ફોનના એસડી કાર્ડ કે ઇન્ટર્નલ સ્ટોરેજમાં વોટ્સએપના ફોલ્ડરમાં સચવાય છે). અહીં ગૂગલ ડ્રાઈવ સાથે તમે વોટ્સએપ કનેક્ટ ન કર્યું હોય તો તે પણ કરો. તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હો તો ડ્રાઇવમાં તમારું એકાઉન્ટ છે જ, એટલે એની ચિંતા ન કરશો. ડ્રાઇવમાં બેકઅપ ક્યારે ક્યારે લેવો અને વીડિયો સાથે લેવો કે નહીં તે તમે નક્કી કરી શકશો.
હવે ફોન બદલતાં પહેલાં, બેકઅપ પર ક્લિક કરશો એટલે લોકલ ફોલ્ડર અને ગૂગલ ડ્રાઇવ બંનેમાં બેકઅપ લેવાઈ જશે.
તમે (અને તમારા મિત્રો) વોટ્સએપના બંધાણી હો અને વોટ્સએપમાં સાફસફાઈ ન કરતા હો તો બેકઅપ લેવામાં વાર લાગી શકે છે.
હવે નવા ફોનમાં જૂના ફોનનું એસડી કાર્ડ નાખો (એ ન નાખવું હોય તો નવા ફોનમાં, જૂના ફોનમાંના જ ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન કરવું પડશે). હવે વોટ્સએપ ઇન્સ્ટોલ કરી ઓપન કરશો એટલે સિસ્ટમ બેકઅપ શોધવા જશે. તેને કાર્ડ કે ગૂગલ ડ્રાઇવમાં તાજો બેકઅપ મળી જશે તો એ તેને રીસ્ટોર કરશે અને તમારો એક પણ મેસેજ જશે નહીં!

