સવાલ મોકલનાર : ગીરિજા જોશી, સુરત
કોઈ મોલ, રેસ્ટોરાં કે એરપોર્ટ જેવી જગ્યાએ તમે સ્માર્ટફોનમાં વાઇ-ફાઇ ઓન કરો અને કોઈ ફ્રી વાઇ-ફાઇ કનેકશન મળતું દેખાય તો તેનો લાભ લેવાની લાલચ થઇ આવે છે? ફ્રીનો લાભ લેવામાં દેખીતું કોઈ નુક્સાન નથી, પણ સાથોસાથ નીચેની બાબતો ધ્યાનમાં રાખશો તો પાછળથી પસ્તાવાનો વારો નહીં આવે.
કોઈ લેવડદેવડ ન કરશો :
ફ્રી પબ્લિક વાઇ-ફાઇનો ઉપયોગ કરીને ક્યારેય કોઈ પણ પ્રકારનું ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરશો નહીં. તમારી બેન્કની સાઇટ કે એપમાં લોગ-ઇન થવું કે ઓનલાઇન શોપિંગ કરીને તેને માટે ઓનલાઇન પેમેન્ટ કરવું ચોક્કસપણે જોખમી બની શકે.
માત્ર એનક્રિપ્ટેડ સાઇટ્સ સર્ફ કરો :
તમે બ્રાઉઝરમાં કોઈ પણ એડ્રેસ ટાઇપ કરો ત્યારે એડ્રેસ બારમાં શરૂઆતમાં લીલા રંગા તાળાની નિશાની સાથે સિક્યોર અને પછી એચટીટીપીએસ જોવા મળે છે? આવી સાઇટ અન્ય સાઇટની સરખામણીમાં, આપણા માટે વધુ સલામત ગણાય. તમે સિક્યોર પર માઉસ લઈ જશો તો વાંચી શકશો કે આ સાઇટ પર તમે મોકલેલ પાસવર્ડ કે ક્રેડિટ કાર્ડ નંબર્સ ખાનગી રહે છે.
તેની વિરુદ્ધ જો તમે ફક્ત એચટીટીપી સાઇટ સર્ફ કરી રહ્યા હો તો એવું બની શકે કે તમારી આસપાસ બેઠેલી કોઈ વ્યક્તિ તમે જે સાઇટ જોઈ રહ્યા હો તે સાઇટ એ તેમાં જે પાસવર્ડ કે ક્રેડિટ/ડેબિટ કાર્ડનો નંબર આપી રહ્યા હોય તે પણ જોઈ શકતી હોય!
હોટસ્પોટમાં સાવચેતી :
હોટસ્પોટનો ઉપયોગ કરવામાં સાવધ રહો. તમે જાણતા જ હશો કે તમે તમારા પોતાના મોબાઇલમાં મોબાઇલ ડેટા કનેકશન અને હોટસ્પોટ સુવિધા ઓન કર્યા પછી બીજા મોબાઇલ કે લેપટોપમાં મોબાઇલમાંથી મળતાં વાઇ-ફાઇ સિગ્નલની મદદથી નેટ કનેકશન કરી શકો છો (જુઓ ‘સાયબરસફર’ ડિસેમ્બર ૨૦૧૩ અંક). આ જ પદ્ધતિ બીજી કોઈ વ્યક્તિ પણ અજમાવી શકે છે.
સામાન્ય રીતે આપણે પોતે જ્યારે હોટસ્પોટ ક્રિએટ કરીએ અને બીજી વ્યક્તિને તેનો લાભ આપીએ ત્યારે તેને પાસવર્ડથી પ્રોટેક્ટ કરી શકીએ છીએ. પરંતુ ખોટા ઇરાદા સાથે હોટસ્પોટ ઊભું કરનાર વ્યક્તિ આવું કોઈ પાસવર્ડ પ્રોટેકશન ન રાખે અને ઓપન હોટસ્પોટ મળતું જોઇને આપણે તેનો ઉપયોગ કરવા લલચાઈ જઇએ એવું બની શકે છે.
જો તમે આવી જાળમાં ફસાઓ તો એ વ્યક્તિ તમે જે કંઈ સર્ફ કરો એ તો જોઈ જ શકે એ ઉપરાંત તમને દેખાતી સાઈટ પણ એ વ્યક્તિ બદલી પણ શકે. આવું કરવું એ સામાન્ય હેકરના ગજા બહારની વાત છે પણ એ શક્ય જરૂર છે.
આવી સ્થિતિમાં તમને એમ લાગતું હોય કે તમે જીમેઇલ કે ફેસબુકમાં લોગ-ઇન કરી રહ્યા છો પણ વાસ્તવમાં હેકરે બનાવેલા જીમેઇલ કે ફેસબુક જેવા જ લાગતા કોઈ બનાવટી વેબપેજ પર તમે તમારા લોગ-ઇનની વિગતો આપી રહ્યા હો તેવું બની શકે છે.
જરૂર ન હોય ત્યારે વાઇ-ફાઇ બંધ રાખો :
આપણને કોઈ વાઇ-ફાઇ સિગ્નલ ન મળી રહ્યાં હોય છતાં આપણે વાઇ-ફાઇ કનેકશન ઓન રાખીએ તો તેમાં બહુ મોટું જોખમ નથી પરંતુ તેમ છતાં કોઈ હેકર તેનો લાભ લઇ શકે છે.
આપણા ફોનમાં વાઇ-ફાઇ બંધ રાખીને હેકર માટે દરવાજો પણ બંધ રાખવો સારો છે. એ રીતે ફોનની બેટરી પણ બચશે.
વીપીએનનો ઉપયોગ કરો :
આ સલાહ સાચી છે, પણ એમાં બે તકલીફ છે. ફ્રી વીપીએન સર્વિસ બહુ અસરકારક હોતી નથી અને એ જ આપણી માહિતી મેળવી લે એવું બની શકે છે અને પેઇડ વીપીએન ખર્ચાળ બાબત છે! તમે કોઈ મોટી કંપનીના એક્ઝિક્યુટિવ હો કે તમારો પોતાનો સારો બિઝનેસ હોય તો એ તમને પોસાઈ શકે અને તો જ તમને એની ખરેખર જરૂર છે.
સલામત પાસવર્ડનો ઉપયોગ કરો :
વારંવાર કહેવામાં આવતી અને છતાં વારંવાર અવગણવામાં આવતી વાત. હજી પણ બહુ મોટા પ્રમાણમાં લોકો જુદા જુદા એકાઉન્ટ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરતા હોય છે. ફ્રી પબ્લિક-વાઇ-ફાઇનો ઉપયોગ કરતી વખતે જો કોઈ હેકરને તમારા એક એકાઉન્ટ માટેનો પાસવર્ડ મળી જાય તો એ ઘડીના છઠ્ઠા ભાગમાં તમારા એક એકાઉન્ટ ઉપરાંત અન્ય સંખ્યાબંધ એકાઉન્ટસમાં એ એક જ પાસવર્ડની મદદથી ઘૂસી શકે છે.


