(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્માર્ટફોનમાં હવે ગુજરાતીમાં વોઇસ-ટાઇપિંગની સુવિધા

સાચું કહેજો, તમને સ્માર્ટફોનમાં મેસેજીસ કે બીજું કંઈ પણ ટાઇપ કરવું ગમે છે?

તમે અત્યારની યંગ જનરેશનમાંના હશો તો સ્માર્ટફોનમાં ફટાફટ ટાઇપ કરી શકતા હશો, પણ એક એક કી પ્રેસ કરીને. જ્યારે તમારાથી પણ નાની, ટાબરિયા ગેંગ તો હવે ‘ગ્લાઇડ ટાઇપિંગ’ કરવા લાગી છે. એ લોકો ઇંગ્લિશમાં પ્રોગ્રામ શબ્દ ટાઇપ કરવો હોય પી, આર, ઓ… વગેરે એક એક કી શોધવા જતા નથી.

ફક્ત કીબોર્ડ પર ફક્ત એ બધા અક્ષરો પર આંગળી લસરાવે છે અને ઇન્ટેલિજન્ટ કીબોર્ડ એમને શું ટાઇપ કરવું છે એ બરાબર સમજી પણ જાય છે!

આ તો જનરેશન વાય અને જનરેશન ઝેડની વાત થઈ, પણ વોટ્સએપ પર જૂની પેઢી આ બંને જનરેશન કરતાં આગળ છે! ઘણા વડીલો કશું પણ ટાઇપ કરવાની મથામણમાં પડ્યા વિના, બોલીને રેકોર્ડ કરેલો મેસેજ જ મોકલી આપે છે!

તમારા મિત્રો અને કુટુંબીઓના વોટ્સએપ ગ્રૂપમાં ઘણા લોકો એવા હશે જે ટાઇપ કરેલા મેસેજ મોકલવાને બદલે સીધા માઇક્રોફોનના આઇકન પર ત્રાટકીને વોઇસ મેસેજિસ મોકલવાનું પસંદ કરતા હશે. લખીને જ મોકલવું હોય તો તેઓ અંગ્રેજી આલ્ફાબેટ્સમાં ગુજરાતી મેસેજ મોકલતા હશે, તેમના ફોનમાં ગુજરાતીમાં ટાઇપ કરવાની સુવિધા હોવા છતાં!

સ્માર્ટફોનમાં વોઇસ કમાન્ડ્સનો વધતો ઉપયોગ

ટેક કંપનીઝ પણ બરાબર જાણે છે કે સ્માર્ટફોનના નાના કીપેડ પર ટાઇપ કરવું સરળ તો નથી જ.

એટલે હવે ફોનમાં વોઇસ કમાન્ડ્સનો ઉપયોગ વધી રહ્યો છે, જેમાં ટાઇપિંગ પણ આવી ગયું. ફોનનો ઉપયોગ વાત કરવા માટે થાય એ તો જાણે સમજ્યા પણ હવેના સમયમાં ફોન સાથે વાત કરવાનું ચલણ વધી રહ્યું છે (આ વિશે આપણે સપ્ટેમ્બર ૨૦૧૩ના અંકમાં ઘણી વિગતવાર વાત કરી છે).

જેમ લોકોને મેસેજિંગમાં વોઇસનો ઉપયોગ કરવો વધુ સહેલો લાગે છે એમ સ્માર્ટફોનની અન્ય સર્વિસીઝમાં પણ વોઇસનો ઉપયોગ કરવાની સગવડ મળે તો લોકો ચોક્કસ તેનો વધુ ઉપયોગ કરતા થાય.

ખરેખર તો પીસી અને સ્માર્ટફોન બંનેમાં વોઇસ કમાન્ડની સુવિધામાં સતત નવાં પરિવર્તનો આવી રહ્યાં છે પરંતુ સ્માર્ટફોન એકદમ હાથવગું સાધન હોવાથી અને તેમાં ટાઇપિંગ થોડું અગવડભર્યું હોવાથી સ્માર્ટફોનમાં વોઇસ સર્ચ અને વોઇસ કમાન્ડસનો ઉપયોગ સતત વધી રહ્યો છે.


ફોન સાથે વાત કરવાના ટ્રેન્ડની શરૂઆત એપલે તેના સીરી પ્રોગ્રામથી કરી અને હવે માઇક્રોસોફ્ટમાં કોર્ટના, ગૂગલમાં નાઉ (જેનું હવે સત્તાવાર કોઇ નામ રહ્યું નથી!) તથા ગૂગલ હોમ, એમેઝોન એલેક્સા વગેરે સર્વિસમાં સ્માર્ટ ડિવાઇસ સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ.

આમ તો આ બધી સુવિધાઓ આપણને વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની સર્વિસ પૂરી પાડવા માટે શરૂ થઈ પરંતુ હવે તેનો વ્યાપ વિસ્તરીને સ્માર્ટ ડિવાઇસ સાથેના બધા પ્રકારના ઇન્ટરએકશન સુધી પહોંચી ગયો છે.

સ્માર્ટફોનમાં ભારતીય ભાષાઓ

હજી હમણાં સુધી આપણે ગૂગલના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં અંગ્રેજી અને હિન્દી ભાષામાં વોઇસનો ઉપયોગ કરી શકતા હતા. હવે તેમાં બીજી આઠ ભારતીય ભાષાઓ ઉમેરાઇ ગઈ છે અને તેમાંની એક ગુજરાતી પણ છે!

ગૂગલને ભારતની સ્થાનિક ભાષાઓમાં આટલો રસ જાગવાનું કારણ ફ્કત એ નથી કે ભારતમાં સ્માર્ટફોન વધુ વેચાઇ રહ્યા છે. ખરું કારણ એ છે કે, લોકો સ્થાનિક ભાષામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. એક અભ્યાસ મુજબ અત્યારે ભારતમાં લગભગ ૧૭.૫ કરોડ લોકો સ્માર્ટફોનમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે જ્યારે ૨૩.૪ કરોડ લોકો પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતા પાંચ વર્ષમાં જે નવા ભારતનાં સર્જનની વાત કરી છે તેમાં ઇન્ટરનેટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની વાત છે જ અને નિષ્ણાતોના મત મુજબ આવતા ૪ વર્ષમાં ભારતમાં સ્થાનિક ભાષામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા ૫૩ કરોડના આંકને વટાવી જાય તેમ છે!

ગૂગલ માટે ભારત એક બહુ મોટું માર્કેટ છે અને ભારતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો વ્યાપ જે રીતે સતત વધી રહ્યો છે એ ધ્યાને લઇને ગૂગલ તેની દરેક સર્વિસીઝમાં ભારતીય ભાષાઓની સુવિધાઓ ઉમેરી રહી છે. અલબત્ત સ્માર્ટ ડિવાઇસમાં ભારતીય ભાષાના ઉપયોગની ગુણવત્તા હજી ઘણે અંશે પ્રારંભિક તબક્કામાં છે. ગૂગલની દરેક સર્વિસની ગુણવત્તાનો આધાર તેને એ ભાષામાં કેટલો ડેટા અને કન્ટેન્ટ મળે છે તેના પર છે. ભારતીય ભાષાઓમાં ગૂગલને હજી પ્રમાણમાં ઘણું ઓછું કન્ટેન્ટ મળે છે.

આ કારણે, જો તમે ગૂગલ ટ્રાન્સલેશનનો ઉપયોગ કરતા હો તો તેમાં જોયું હશે કે અંગ્રેજીમાંથી હિન્દી કે ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેશન કરતી વખતે આ સ્માર્ટ કહેવાતી સર્વિસ ખરેખર બહુ ગરબડ ગોટાળા કરે છે. પરંતુ તમે કદાચ એ પણ નોંધ્યું હશે કે સમય સાથે આ સર્વિસીઝની ગુણવત્તામાં રીતસર, દેખીતો સુધારો આવી રહ્યો છે.

આ બેકગ્રાઉન્ડ સાથે જો તમે એમ માનતા હો કે સ્માર્ટફોનમાં ગૂગલ સાથે આપણે ગુજરાતીમાં વાત કરવા જઈશું તો એ ગરબડ કરશે, તો તમે ભૂલો છો! એક વાર તમારા ફોનમાં ગુજરાતી ભાષા માટે જરૂરી સેટિંગ્સ કરો એ પછી ગૂગલ સારી એવી ચોક્સાઇથી ગુજરાતી શબ્દો સમજી શકે છે.

આટલું વાંચીને, તમને પણ ફોન સાથે ગુજરાતીમાં વાત કરવાની ચટપટી થઈ? આવો સમજીએ એનાં સ્ટેપ્સ!

પહેલાં આટલી વાત બરાબર સમજશો…

જો તમે સ્માર્ટફોનનો ખરેખર સ્માર્ટ ઉપયોગ કરતા હો તમે જાણતા હશો કે ફોનમાંની ગૂગલ એપને તમે તમારો અવાજ ઓળખવાની ટ્રેનિંગ આપીને, ‘ઓકે ગૂગલ’ કહીને તમારા અવાજ માત્રથી ફોનને અનલોક કરી શકો છો.

પછી તમે ફોન હાથમાં પકડીને માત્ર ‘ઓકે ગૂગલ, ઓપન કેમેરા’ કે ‘ઓકે ગૂગલ, શો માય ઈમેઇલ્સ’ કે ‘ઓકે ગૂગલ, કોલ માય હોમ’ જેવા કમાન્ડ આપી શકો છો.

સ્માર્ટફોનમાં ગુજરાતીમાં બોલીને ટાઇપ થયેલા શબ્દો

આ ફોન સાથે વોઇસથી ઇન્ટરએક્શનનું એક પાસું થયું. બીજું પાસું, ફક્ત વોઇસની મદદથી ફોનમાં ટાઇપિંગ કરવાનું છે.

જો તમારા સ્માર્ટફોનમાંનાં વોઇસ સેટિંગ્સમાં પ્રાઇમરી લેંગ્વેજ તરીકે અંગ્રેજી ભાષા પસંદ કરેલી હશે તો તમે અંગ્રેજીમાં બોલીને વોઇસ કમાન્ડસ આપી શકશો અને વોઇસ ટાઇપિંગ પણ કરી શકશો. સિસ્ટમ તમારા અંગ્રેજી કમાન્ડ્સ સમજી શકશે.

પરંતુ, જ્યારે તમે પ્રાઇમરી લેંગ્વેજ તરીકે ગુજરાતી ભાષા પસંદ કરશો ત્યારે સિસ્ટમ તમારા અંગ્રેજી કે ગુજરાતી કોઈ કમાન્ડ સમજી શકશે નહીં! હા, તમે ગુજરાતીમાં બોલશો તો સિસ્ટમ ગુજરાતી ભાષામાં ટાઇપ જરૂર કરી આપશે (તમારા ફોનમાં ગુજરાતી ફોન્ટ હોવા જરૂરી છે).

ગુજરાતી ટાઇપિંગ માટેનાં સેટિંગ્સ

અત્યારે ગૂગલે એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસીસમાં આ નવી સ્થાનિક ભાષાઓનો સપોર્ટ આપવાનું શરૂ કર્યું છે. નવી સુવિધાઓ ધીમે ધીમે રોલઆઉટ થઇ રહી છે. નીચેના સ્ક્રીનશોટ્સ પર ક્લિક કરી, તેની ઇમેજગેલેરીમાં આપેલાં સ્ટેપ્સ અથવા નીચે આપેલા મુદ્દાઓ વાંચી, તેને અનુસરીને તમે સ્માર્ટફોનમાં ગુજરાતી વોઇસ ટાઇપિંગ એક્ટિવેટ કરી શકશો.

  • સ્થાનિક ભાષાનો સપોર્ટ આપણને જીબોર્ડ એપ અને ગૂગલ એપ બંનેમાં મળી શકશે.
  • બંનેમાં તેનો લાભ લેવા માટે સૌથી પહેલાં તો તમારા ફોનમાં, પ્લે સ્ટોરમાં જઈને આ બંને એપ અપડેટેડ ન હોય તો તે કરી લો.
  • ત્યાર પછી, ફોનના હોમ સ્ક્રીન પર ગૂગલ સર્ચ બોક્સ હોય તો તેના પર ક્લિક કરો અથવા એપ્સ ડ્રોઅરમાં ગૂગલ એપ શોધી તેના પર ક્લિક કરો.
  • હવે મથાળે ડાબી તરફના ગૂગલના આઇકન પર ક્લિક કરી, ત્રણ લિટી દેખાય તેના પર ક્લિક કરી, આ એપનું મેનુ ઓપન કરો.
  • તેમાં સેટિંગ્સમાં જાઓ.
  • અહીં વોઇસ વિભાગમાં જાઓ.
  • તેમાં સૌથી ઉપર, લેંગ્વેજીસ પર ક્લિક કરો.
  • અહીં તમે ઇંગ્લિશ (ઇન્ડિયા), હિન્દી, ગુજરાતી વગેરે ભાષા પસંદ કરી શકો છો. કુલ પાંચ ભાષા સામે તમે ટિક કરી શકો છો.
  • હવે આપણે ગુજરાતી ભાષાને પ્રાઇમરી ભાષા તરીકે પસંદ કરવી પડશે. એ માટે આ જ લિસ્ટમાં, ‘ગુજરાતી’ પર જરા લાંબો સમય પ્રેસ કરી રાખો.
  • ગુજરાતી ભાષા પ્રાઇમરી લેંગ્વેજ તરીકે પસંદ કરી, તમે સેવ કરશો એટલે સિસ્ટમ તમને ચેતવશે કે ગુજરાતીને બદલે ઇંગ્લિશ પ્રાઇમરી ભાષા રાખશો તો તમે ‘ઓકે ગૂગલ’ જેવા કમાન્ડનો ઉપયોગ કરી શકશો.
  • આપણે ‘નો થેંક્સ’ કહીશું, એટલે ગુજરાતી ભાષા જ પ્રાઇમરી લેંગ્વેજ તરીકે સેટ થશે અને વોઇસ સેટિંગ્સમાં લેંગ્વેજની યાદીમાં પ્રાઇમરી તરીકે ગુજરાતી દેખાશે.

યાદ રહે, આ રીતે ફક્ત વોઇસ સેટિંગ્સમાં જ ગુજરાતી ભાષા પ્રાઇમરી લેંગ્વેજ બને છે એટલે ફોનમાં બીજે બધે ઇંગ્લિશ જ ચાલશે.

હવે તમે હોમ સ્ક્રીન પરની ગૂગલ એપમાં માઇક્રોફોનના આઇકનને ક્લિક કરી, અસલ ગુજરાતી ભાષામાં ‘ઝવેરચંદ મેઘાણીનાં કસુંબલ ગીતોનો વૈભવ’ કે ‘નવરાત્રિના ગરબાની રમઝટ’ બોલશો તો સ્ક્રીન પર ગુજરાતીમાં એ જ શબ્દો ટાઇપ થતા જોઈ શકશો અને તેનાં રિઝલ્ટ પેજ ગૂગલ બતાવશે.!

વોટ્સએપ જેવી એપમાં તમારે ગુજરાતીમાં બોલીને ટાઇપ કરવું હોય તો ગુજરાતી કી-બોર્ડ પસંદ કરીને પછી માઇક્રોફોન પર ક્લિક કરી ગુજરાતીમાં બોલવાનું રહેશે.

અલબત્ત, હજી ગૂગલને ગુજરાતીમાં પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન કે પ્રશ્નાર્થ ચિહ્ન વગેરે કે નો, ની, નું, ના જેવી અભિવ્યક્તિ શબ્દની અડોઅડ આવે એવી સમજ પડતી નથી (અંગ્રેજીમાં વોઇસ ટાઇપિંગ વખતે આ બધું તેને સમજાય છે!), એટલે આપણે બોલીને ટાઇપ કર્યા પછી લખાણ થોડું સુધારવું પડે છે, પણ એક વાર શરૂ કરશો પછી મજા પડશે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ અંકના કેટલાક લેખો આ રીતે સ્માર્ટફોનમાં બોલીને જ ટાઇપ થયા છે, પછી સુધારવામાં આવ્યા છે!

જેમ ધીમે ધીમે લોકોની લખવાની ટેવ લગભગ છૂટી ગઈ છે તેમ થોડા સમયમાં લોકોની ટાઇપ કરવાની ટેવ પણ છૂટી જાય એવા ફેરફારો આવી રહ્યા છે, એ પણ બહુ ઝડપથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!