બહુ ગાજેલી અને બહુ સક્ષમ હોવા છતાં ખાસ લોકપ્રિય ન થઈ શકેલી યુપીઆઇ વ્યવસ્થા ધીમે ધીમે પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે.
લોકો કોઈ વોલેટ કે પેમેન્ટ ગેટવે વિના, સીધા જ એકબીજાના બેન્ક ખાતામાં રકમની આપલે કરી શકે અને એ પણ બેન્ક ખાતાની વિગતો આપ્યા વિના, એવી સગવડ આપતી યુપીઆઇ વ્યવસ્થા ટૂંક સમયમાં ઉબર અને એમેઝોન પર પણ આવી જશે. આ બંને સર્વિસ પર આ વ્યવસ્થાનો ભીમ એપ મારફત લાભ લઈ શકાશે.
એટલું જ નહીં, વોટ્સએપ પર પણ યુપીઆઈથી રકમની આપલે થઈ શકે એવા દિવસો દૂર નથી કેમ કે વોટ્સએપને એ માટે એનપીસીઆઇની મંજૂરી મળી ગઈ હોવાના અહેવાલ છે. વોટ્સએપ કોઈ એક બેન્કને બદલે વિવિધ બેન્ક સાથે જોડાણ કરવા માગતી હતી, જેથી વોટ્સએપ પર મોટી સંખ્યામાં લેવડદેવડ થાય ત્યારે તકલીફ ન પડે. એનપીસીઆઇ તરફથી તેને આ પ્રકારની જ મંજૂરી મળી છે.
ભારતમાં હાઇક મેસેન્જર એવી પહેલી મેસેન્જર એપ હતી, જેણે આવી મંજૂરી મેળવી છે.
યુપીઆઇ વિશે બહુ સાંભળ્યું હોવા છતાં, એ એક્ઝેક્ટલી શું છે એ તમને જાણતા ન હો, તો વાંચો આ લેખઃ મોબાઈલથી રૂપિયાની આપલે સાવ સહેલી બનશે આ રીતે!
