(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટ્રુકોલર : ઉપયોગી કે જોખમી?

તમારા સ્માર્ટફોનમાં ટ્રુકોલર એપ છે? તો તમે ભારતના ૩૫ કરોડથી વધુ લોકોમાંના એક છો. ભારતમાં આ એપ જબરદસ્ત પોપ્યુલર છે – એટલી બધી કે આ એપના આખી દુનિયામાં જેટલા યૂઝર્સ છે એમાંના લગભગ અડધો અડધ માત્ર ભારતમાં છે!

ગયા મહિને, ભારતમાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી સૌથી વધુ ડાઉનલોડ થતી એપ્સમાં, ટ્રુકોલર એપે ફેસબુકને પણ પાછળ રાખી દીધી (આ રેસમાં પહેલા નંબરે વોટ્સએપ, બીજા નંબરે મેસેન્જર અને ત્રીજા નંબરે શેરઇટ, ચોથા નંબરે ટ્રુકોલર અને ત્યાર પછી ફેસબુકનો નંબર છે!)

જો તમને ટ્રુકોલરની ખાસિયતનો પૂરો પરિચય ન હોય તો એટલું જાણી લો કે આપણે આ એપને આખી દુનિયાની ક્રાઉડસોર્સડ ટેલિફોન ડિરેકટરી ગણી શકીએ. ક્રાઉડસોર્સડ એટલે એવી ડિરેકટરી કે જેમાં સંખ્યાબંધ લોકો પોતાનું યોગદાન આપતા રહે છે અને આ ડિરેકટરી વધુ ને વધુ વિરાટ બનતી જાય છે. આ એપના દાવા મુજબ “આખી દુનિયાની ટેલિફોન ડિરેક્ટરીઝ, સોશિયલ નેટવર્ક્સ અને ટ્રુકોલર કમ્યુનિટી પાસેથી તેણે આખી દુનિયાના લોકોની સંપર્ક માહિતીનો વિરાટ ડેટાબેઝ તૈયાર કર્યો છે.

વિરાટ એટલે કેટલો એવો સવાલ થયો હોય તો જાણી લો જવાબ : ૩ અબજ લોકો!

કઈ રીતે ઉપયોગી છે?

અસંખ્ય લોકોના મતે, આ એપ તેમને બહુ ઉપયોગી નીવડે છે કારણ કે તેને કારણે તેમના પર અજાણ્યા લોકોનો ફોન આવે ત્યારે તેઓ એ વ્યક્તિનું નામ પોતાની એડ્રેસ બુકમાં ન હોય તો પણ તેનું નામ જાણી શકે છે! ઉપરાંત, તમને જુદી જુદી માર્કેટિંગ કંપનીઝ તરફથી વણજોઈતા – સ્પામ – કોલ્સ આવતા હોય તો તમે તેને સ્પામ તરીકે રિપોર્ટ કરી શકો છો. જુદા જુદા અનેક લોકો આવા નંબર્સને સ્પામ તરીકે રિપોર્ટ કરે એટલે છેવટે, આપણા પણ એ જ નંબર પરથી ફોન આવે ત્યારે એપ આપણને જાણ કરે છે આ નંબરને આટલા લોકોએ સ્પામ તરીકે રિપોર્ટ કર્યો છે. આપણે કોલનો જવાબ ન આપીએ અને આપણો સમય બચાવી શકીએ!

સામે પક્ષે, ટ્રુકોલર ‘આપણી જાણ બહાર’ આપણો નંબર જાણી લેતી હોવાના મુદ્દે તેની સામે વારંવાર હોબાળો પણ ઊભો થતો રહે છે.

આપણે આ બંને પાસાંમાંથી હકીકત શું છે એ જાણીએ!

આ એપ ખરેખર આપણી જાણ બહાર આપણો નંબર જાણી લે છે?

આનો જવાબ હા અને ના બંને છે! પહેલી વાત એ કે હાલમાં ટ્રુકોલરની સર્વિસનો આપણે બે રીતે ઉપયોગ કરી શકીએ છીએ.


એક, પીસીમાં તેની વેબસાઇટ પર જઈને. બે, આપણા સ્માર્ટફોનમાં તેની એપ ડાઉનલોડ કરીને.

મોટા ભાગે લોકોની ફરિયાદ છે કે આપણે સ્માર્ટફોનમાં આ એપ ડાઉનલોડ કરીએ ત્યારે તે સંખ્યાબંધ પરમિશન્સ માગે છે અને તેમાંની એક પરમિશન આપણી એડ્રેસબુક એક્સેસ કરવા વિશેની પણ છે. ટ્રુકોલરનો વિરોધ કરતા લોકો કહે છે કે આ એપ ઇન્સ્ટોલ કરીને આપણે તેમાં આગળ વધીએ એટલે એ આપણી આખી એડ્રેસબુક પોતાના સર્વર પર શેર કરી લે છે!

આ ખરેખર અર્ધસત્ય છે.

ટ્રુકોલરની હાલની પ્રાઇવસી પોલિસી મુજબ, જો આપણે ગૂગલ પ્લે સ્ટોર અને એપલના આઇટ્યૂન્સમાંથી ટ્રુકોલર એપ ડાઉનલોડ કરી હોય તો આપણી ફોનબુક અન્ય યૂઝર્સ સાથે શેર થતી નથી (આ પોલિસી હવે બદલાઈ હોય અને અગાઉની પોલિસી મુજબ એડ્રેસબુક શેર થઈ જતી હોય એવી પૂરી શક્યતા છે). એ સાથે કંપનીની પ્રાઇવસી પોલિસી સ્પષ્ટતા કરે છે કે અન્ય પ્લેટફોર્મ પર આવું થઈ શકે છે!

મતલબ કે, જો તમે પીસી પર ટ્રુકોલરની વેબસાઇટ પર જઈને કોઈ વ્યક્તિનો નંબર સર્ચ કરો તો તેમાં ગૂગલ અથવા માઇક્રોસોફ્ટના એકાઉન્ટથી લોગઇન થઈને પછી જ આગળ વધી શકાય છે.

હવે અહીં ‘એન્હેન્સ્ડ સર્ચ’નો એક વિકલ્પ આપેલો છે, જેમાં પહેલેથી ખરાની નિશાની હોય છે. તમે એનો મતલબ શું એ પૂછ્યા વિના ગૂગલ કે માઇક્રોસોફ્ટના એકાઉન્ટથી લોગ-ઇન થઈ જાઓ તો – સાઇટ પર ઇન્ફર્મેશનની નિશાની પર ક્લિક કર્યા પછી ખબર પડે તેમ – આપણા આ એકાઉન્ટની એડ્રેસબુકમાંનો બધો ડેટા ટ્રુકોલર સાથે શેર થઈ જાય છે!

એટલું ચોક્કસ કે તમે વ્યક્તિનું નામ લખીને તેનો નંબર સર્ચ કરી શકતા નથી, ફક્ત નંબર લખીને નામ સર્ચ કરી શકો છો. કોઈ વ્યક્તિ તમને પરેશાન કરવા માગતી હોય તો તેને ટ્રુકોલર મદદરૂ‚પ થતી નથી, જો એ વ્યક્તિ પાસે તમારો નંબર હોય તો તેણે નામ જાણવા ટ્રુકોલર પાસે જવાની જ‚રૂર નથી!.

મતલબ કે અત્યારની સ્થિતિ અનુસાર, તમે એન્ડ્રોઇડ અને એપલમાં ટ્રુકોલર એપનો ઉપયોગ કરો તો તમારી એડ્રેસબુકનો બધો ડેટા બીજા સાથે આપોઆપ શેર થતો નથી. તેમ, તમે ટુકોલરમાં જઈે તમારી વિગતો દૂર પણ કરી શકો છો. જોકે એ જરા અટપટી વિધિ છે.

આપણી વિગતો ટ્રુકોલર પાસે કઈ રીતે પહોંચે છે?

સ્વીડનમાં હેડક્વાર્ટર ધરાવતી આ એપ ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ સતત લોકપ્રિય થઇ રહી છે. આગળ જોયું તેમ એક રીતે આ એપ સ્પામ કોલ્સ અટકાવવામાં મદદરૂ‚પ થાય છે પરંતુ બીજી રીતે જોઈએ તો આ જ એપને કારણે આપણા પર આવતા સ્પામ કોલમાં વધારો પણ થઇ શકે છે, કારણ કે આ એપને કારણે આપણો નંબર વધુ વધુ લોકો જાણવા લાગે છે.

આ એપ આપણા ફોન નંબર સાવ ખુલ્લા મૂકી દે છે કે અન્ય કંપનીને વેચે છે એવું નથી પરંતુ આપણો નંબર ટ્રુકોલરના ડેટાબેઝમાં ચડી જવાથી આપણી જાણ બહાર અન્ય લોકો આપણી વિગતો ચોક્કસ જાણવા લાગે છે.

આખી વાતમાં રસપ્રદ અને કંઈક અંશે વાંધાજનક વળાંક એ છે કે આપણે પોતે ટ્રુકોલરનો એપનો ઉપયોગ કરીએ અને તેમાં આપણો નંબર આપીએ તો જ આપણી વિગતો ટ્રુકોલરના ડેટાબેઝમાં ઉમેરાય તેવું નથી.

જો તમને તમારી પ્રાયવસીની ચિંતા હોય અને તમે ટ્રુકોલરનો એપનો ઉપયોગ ન કરો એટલું પૂરતું નથી. તમારા વર્તુળમાંની બીજી કોઇ પણ વ્યક્તિ તમને ટ્રુકોલરના સકંજામાં લાવી શકે છે.

આપણા કોઈ મિત્રની એડ્રેસબુક ફોનમાંથી ટ્રુકોલરમાં શેર ન થાય, પણ એ વ્યક્તિ પીસી પર ટ્રુકોલરનો ઉપયોગ કરતી વખતે તમારા નંબર સહિત, પોતાની એડ્રેસબુક ખુલ્લી કરી દે એવું બની શકે છે!

આ રીતે, આપણી જાણ બહાર અને મંજૂરી વિના આપણી વિગતો ટ્રોકોલરના વિશાળ ડેટાબેઝમાં પહોંચી જાય છે.

આખા ભારતમાં ૩૫ કરોડથી વધુ લોકો ટ્રુકોલરનો ઉપયોગ કરતા હોવાથી આખા દેશના તમામ લોકોના મોબાઇલ નંબર-આપણા સહિત ટ્રુકોલરના ડેટાબેઝમાં ઉમેરાઇ ગયા હોય તેવી પૂરી શક્યતા છે.

ટ્રુકોલર એપના સેટિંગ્સ અનુસાર, આપણે તેમાં આપણું નામ, ફોનનંબર અને ઈ-મેઇલ એડ્રેસ આપીને આગળ વધી શકીએ છીએ. ટ્રુકોલર આટલી વિગતો તેના ડેટાબેઝમાં ઉમેરી લે છે અને બીજી કોઈ વ્યક્તિ આપણા નંબરથી સર્ચ કરે ત્યારે તેને આ વિગતો આપે છે.

એટલું ખરું કે જો કોઈ વ્યક્તિ આપણા નામથી આપણો નંબર મેળવવાની કોશિશ કરે, તો પહેલાં આપણને એક નોટિફિકેશન મળે છે કે કોઈ વ્યક્તિ સંપર્ક કરવા માગે છે. તેને હા કહેવી કે ના કહેવી એ આપણા હાથમાં છે.

જોકે એ માટે આપણે એપના સેટિંગ્સમાં, પ્રાઇવસીમાં ‘રિક્વેસ્ટ ઓન્લી’નો વિકલ્પ પસંદ કરેલો હોવો જ‚રૂરી છે.

ટ્રુકોલરના બીજા ઉપયોગ

ટ્રુકોલરની વધતી લોકપ્રિયતાને પગલે તેમાં હવે ઘણાં ફીચર્સ ઉમેરાવાં લાગ્યાં છે. સ્પાલ કોલ્સની જેમ આ એપ હવે સ્પામ એસએમએસ પણ ફિલ્ટર કરી આપે છે. આપણી એડ્રેસબુકમાં જે લોકોની જેટલી વિગતો હોય તેમાં ખૂટતી વિગતો આ એપ પોતાના ડેટાબેઝમાંથી ઉમેરી આપે છે.

જેમ કે આપણા કોઈ મિત્રનો ફોટોગ્રાફ આપણે ઉમેર્યો ન હોય, પણ એમના સોશિયલ મીડિયા નેટવર્ક પર પબ્લિક પ્રોફાઇલમાંનો ફોટોગ્રાફ ટ્રુકોલર ઉમેરી આપે છે. આ જ રીતે, આપણી વિગતો એ બીજા લોકોને વહેંચે છે!

હવે આઇસીઆઇસીઆઇ બેન્કના સાથમાં ટ્રુકોલર યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) પદ્ધતિથી ટ્રુકોલરના યૂઝર્સ એકબીજાને પેમેન્ટ કરી શકે એવી વ્યવસ્થા પણ આવી ગઈ છે. આવી વ્યવસ્થા ટૂંક સમયમાં વોટ્સએપ પર પણ આવી જાય તેવી સંભાવના છે. એ દૃષ્ટિએ, ટ્રુકોલરની ઉપયોગીતા વધતી જાય છે.

આપણી સંપર્ક વિગતો પર સૌની નજર છે

એટલું ચોક્કસ નોંધવું રહ્યું કે, આપણી વિગતો માત્ર ટ્રુકોલર એપ મેળવે છે એવું નથી. ગૂગલ, ફેસબૂક, ટવીટર વગેરે ઉપરાંત સંખ્યાબંધ નાની મોટી ટેક કંપનીઝ પોતાની વેબ સર્વિસ અને એપ દ્વારા આપણી વિગતો પર હાથ નાંખે છે અને તેમાં આપણી એડ્રેસ બુક પર એમની પહેલી નજર હોય છે.

લગભગ તમામ સોશિયલ મીડિયા કંપની આપણને વારંવાર આપણા કોન્ટેક્ટ લિસ્ટમાંના તમામ લોકોની વિગતો એ વેબસર્વિસમાં ઉમેરવાનો આગ્રહ કરતી હોય છે. ફેસબૂક જેવી સર્વિસ આ વિગતોને આધારે જ આપણને જુદા જુદા લોકોના નામ ફ્રેન્ડ તરીકે સામેલ કરવાનું સૂચન કરતી હોય છે.

હવે ભારતની સંખ્યાબંધ હોટેલ અને ટ્રાવેલ બુકિંગ કંપનીઝ પણ આપણા કોન્ટેક્ટ લિસ્ટ સુધી પહોંચવા માટે એક નવો રસ્તો અજમાવી રહી છે.

આપણે આવી કોઈ સાઇટ દ્વારા બુકિંગ કરીએ ત્યારે એ સૂચવે છે કે તમે તમારા મિત્રોની ડિટેઇલ્સ એ એપ સાથે સિન્ક કરશો (મતલબ કે ખુલ્લી મૂકી દેશો!) તો આપણા કોન્ટેક્ટ્સમાં કોઈ પણ વ્યક્તિ એ એપ/સાઇટ પર બુકિંગ કરાવે તો આપણને એ એપ પર ચાલી શકે તેવી કેશ (રોકડા નહીં!) મળે!

ટૂંકમાં ઇન્ટરનેટ પરની મોટા ભાગની કંપની આપણા ફોન નંબર અને બીજી માહિતી મેળવવા મેદાને પડી છે અને ઘણી બધી રીતે એમાં સફળ પણ થઈ રહી છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!