એવું લાગે છે કે માઇક્રોસોફ્ટ કંપનીએ હજી પણ સ્માર્ટફોન માર્કેટમાં પોતાનો વ્યાપ વિસ્તારવાની આશા છોડી નથી.
એન્ડ્રોઇડ અને એપલની સરખામણીમાં સ્માર્ટફોન માર્કેટમાં માઇક્રોસોફ્ટ લગભગ નહીંવત ફાળો ધરાવે છે, પણ કંપની સ્માર્ટફોન અને પીસીને એકમેકની નજીક લાવીને લોકો ફરી માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ્સ તરફ વળે એવા પ્રયાસ કરી રહી છે.
આ માટે માઇક્રોસોફ્ટે પીસી અને સ્માર્ટફોન બંનેને સાનુકૂળ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપી અને ગયા વર્ષે, કંપનીએ ‘કન્ટીનમ’ નામની ટેક્નોલોજીથી સ્માર્ટફોનને પીસીમાં ફેરવી શકાય એવી સગવડ પણ આપી હતી. પરિણામે, વિન્ડોઝ ફોનને મોનિટર સાથે જોડતાં એ પીસી જેવું જ કામ આપી શકે છે. અલબત્ત, આ રીતે ફોનનો સ્ક્રીન પીસી જેવો લાગે છે, પણ તેના પર પીસી જેવા બધા પ્રોગ્રામ્સ ચલાવી શકાતા નથી. હવે માઇક્રોસોફ્ટ કંપની, ડેસ્કટોપ કે લેપટોપના પ્રોગ્રામ્સ સ્માર્ટફોનની મદદથી ચલાવી શકાય એવી સગવડ ધરાવતું વિન્ડોઝ 10નું નવું વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં છે.

