ફેસબુક માટે ભારત હવે સૌથી મહત્ત્વનું માર્કેટ છે. ભારતમાં ફેસબુકના કુલ ૨૪.૧ કરોડ એક્ટિવ યૂઝર્સ છે. ફેસબુક પર અત્યાર સુધી યુએસના સૌથી વધુ એક્ટિવ યૂઝર્સ હતા, પણ હવે આ સ્થાને ભારત છે.
જોકે યૂઝર્સમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ સરખાવીએ તો યુએસ હજી ભારત કરતાં ઘણું આગળ છે. યુએસમાં ફેસબુકના કુલ એક્ટિવ યૂઝર્સમાંથી પૂરા ૫૪ ટકા મહિલાઓ છે. જ્યારે ભારતમાં આ પ્રમાણ ફક્ત ૨૪ ટકા છે.
શહેરની રીતે જોઈએ તો ૧.૫ કરોડ યૂઝર્સ સાથે દિલ્હી ભારતમાં સૌથી વધુ ફેસબુક યૂઝર્સ ધરાવતું શહેર છે. આખી દુનિયામાં, બેંગકોક ૩.૫ કરોડ યૂઝર્સ સાથે સૌથી ટોચનું શહેર છે.
જોકે ફેસબુકને ભારતમાં ૨૪.૧ કરોડ યૂઝર્સથી સંતોષ નહીં હોય કેમ કે ભારતમાં હવે ૪૬.૨ કરોડ લોકો સુધી ઇન્ટરનેટ પહોંચી ગયું હોવાનું આંકડા કહે છે.
