આખરે ભારતમાં ‘સેમસંગ પે’ ભારતમાં લોન્ચ થઈ ગઈ છે અને તેના પગલે, તેના જેવી જ એપલ પે અને એન્ડ્રોઇડ પે પણ આવશે. જરા જુદા પ્રકારની આ પદ્ધતિ અત્યારથી સમજી લેવા જેવી છે.
આપણા દેશમાં છેલ્લા ચાર-પાંચ મહિનામાં ડિજિટલ પેમેન્ટની પદ્ધતિઓમાં રીતસર ઉછાળો આવ્યો છે. અગાઉ આપણે કોઈ દુકાન, રેસ્ટોરાં કે હોટેલમાં ડિજિટલ પદ્ધતિથી પેમેન્ટ કરવું હોય તો ફક્ત એક જ રસ્તો હતો – બેન્ક તરફથી મળેલ એટીએમ કમ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ. હવે આપણે ઇચ્છીએ (અને દુકાનદાર પણ એ માટે તૈયાર અને સજ્જ હોય!) તો મોબાઇલ વોલેટ, યુપીઆઇ, ક્યુઆર કોડનો ઉપયોગ કરીને કે ફક્ત આધાર કાર્ડ નંબર આપીને, પોતાની ફિંગર પ્રિન્ટથી ઓળખ સાબિત કરીને વગેરે જુદી જુદી ઘણી રીતે પેમેન્ટ કરી શકીએ છીએ.
આટલા વિકલ્પો ઓછા હોય તેમ હવે, ‘સેમસંગ પે’ સર્વિસ ભારતમાં આવી પહોંચી છે. તેને પગલે ‘એપલ પે’ અને ‘એન્ડ્રોઇડ પે’ સર્વિસ પણ થોડા સમયમાં આપણે ત્યાં આવી જ પહોંચશે.
અત્યારની પદ્ધતિઓથી આ પદ્ધતિ જુદી કઈ રીતે છે? બહુ મોટા ફેરફાર નથી, પણ ફાયદો એ છે કે જે જે જગ્યાએ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ સ્વીકારાતાં હોય ત્યાં આપણે તેનો ઉપયોગ કરી શકીશું અને ખિસ્સામાં કાર્ડ રાખીને ફરવાની જરૂર રહેશે નહીં.
અહીં સેમસંગ પે કેવી રીતે કામ કરે છે તેની વાત કરી છે, પણ ટૂંકમાં આવનાર એપલ પે અને એન્ડ્રોઇડ પે લગભગ આ જ રીતે કામ કરશે એટલે તમારી પાસે સેમસંગ સ્માર્ટફોન ન હોય તો પણ આ જાણકારી તમને ઉપયોગી થશે.
આગળ શું વાંચશો?
- સેમસંગ પે કયા ફોનમાં ચાલશે?
- આ સર્વિસનો ઉપયોગ કરવા શું શું જોઈશે?
- કઈ કઈ બેન્કનાં કાર્ડ ચાલશે?
- આ સર્વિસમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો?
- સેમસંગ પેનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં ક્યાં કરી શકાશે?
- સેમસંગ પેનો ઉપયોગ કરવા ઇન્ટરનેટ કનેક્શન જોઈશે?
- આ સલામત પદ્ધતિ છે?
- સ્માર્ટફોનમાંની વિગતો કાર્ડ મશીનમાં કેવી રીતે પહોંચે છે?
- આ રીતે ઓનલાઇન શોપિંગ થઈ શકે?
- સાંભળ્યું છે કે સેમસંગ પેમાં પેટીએમનો પણ ઉપયોગ થઈ શકે છે. ખરેખર?
સેમસંગ પે કયા ફોનમાં ચાલશે?
- માત્ર સેમસંગનાં ટોપ એન્ડ મોડેલ્સમાં. અત્યારે ગેલેક્સી નોટ ૫, ગેલેક્સી એસ૭, ગેલેક્સી એસ૭ એજ, ગેલેક્સી એસ૬ એજ પ્લસ, ગેલેક્સી એ૭ (૨૦૧૭), ગેલેક્સી એ૫ (૨૦૧૭), ગેલેક્સી એ૭ (૨૦૧૬) અને ગેલેક્સી એ૫ (૨૦૧૬)
- સેમસંગ કંપની ટૂંક સમયમાં અન્ય, પ્રમાણમાં સસ્તાં મોડેલમાં પણ આ સુવિધા ઉમેરે તેવી શક્યતા છે.
આ સર્વિસનો ઉપયોગ કરવા શું શું જોઈશે?
- સેમસંગનો કમ્પેટિબલ મોબાઇલ અને તેમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ સોફ્ટવેર
- સેમસંગ પે સર્વિસમાં જોડાયેલી બેન્કનું ડેબિટ/ક્રેડિટ કાર્ડ
- સેમસંગમાં તમારું એકાઉન્ટ
કઈ કઈ બેન્કનાં કાર્ડ ચાલશે?
- શરૂઆતમાં આ સર્વિસનો ફક્ત એક્સિસ, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ, એસબીઆઇ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના ખાતાધારકો જ લાભ લઈ શકશે.
આ સર્વિસમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો?
- સૌથી પહેલાં, તમારા ફોનમાં એન્ડ્રોઇડ સોફ્ટવેર અપડેટનો મેસેજ આવ્યો હોય તો તે તપાસો. તમે જાતે પણ સોફ્ટવેર અપડેટની લિંક શોધીને તેને અપડેટ કરી શકો છો. જો તમારા ફોનમાં સોફ્ટવેર અપડેટેડ હશે તો તેના સ્ક્રીન પર સેમસંગ પેનો આઇકન જોવા મળશે.
- આ આઇકન પર ક્લિક કરી, સેમસંગ પે એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી લો (પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે નહીં).
- હવે સેમસંગ પે એપ ઓપન કરી, તેમાં તમારું એક વાર રજિસ્ટ્રેશન કરવું જોઈશે. આ માટે તમારું સેમસંગ એકાઉન્ટ જોઈશે.
- તમારી પાસે સેમસંગ ફોન હોવાથી મોટા ભાગે તમે સેમસંગમાં તમારું એકાઉન્ટ ખોલ્યું હશે, ન હોય તો અહીંથી તે ક્રિએટ કરી શકાશે.
- સેમસંગ પે એપમાં, તમારા સેમસંગ એકાઉન્ટની વિગતો આપ્યા પછી, આગળ વધશો એટલે ફોનમાં તમારી ફિંગરપ્રિન્ટ આપી શકાશે (તેને બદલે પિનનો ઉપયોગ પણ કરી શકાય).
- હવે તમારી બેન્કની ડેબિટ/ક્રેડિટ કાર્ડને આ એકાઉન્ટ સાથે લિંક કરવાનું છે.
- એ માટે ‘એડ’ પર ક્લિક કરતાં ફોનનો કેમેરા ચાલુ થશે, તેને કાર્ડ સામે ધરતાં સિસ્ટમ કાર્ડની જરૂરી વિગતો ઓટો-રીડ કરી લેશે (અથવા તમે જાતે આ વિગતો લખી શકો છો).
- સ્ક્રીન પરની સૂચનાઓ પ્રમાણે આગળ વધતાં, ફક્ત એક વાર કરવાની આ વિધિ પૂરી થશે.
સેમસંગ પેનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં ક્યાં કરી શકાશે?
- જે જે જગ્યાએ ક્રેડિટ/કાર્ડ સ્વાઇપ કે રીડ કરી શકતાં મશીન હોય તે બધી જ જગ્યાએ હવે તમે તમારા સેમસંગ ફોનથી પેમેન્ટ કરી શકશો.
- ફોન સ્ક્રીનમાં ગમે તે સમયે ઉપરની બાજુએ સ્વાઇપ કરતાં, સેમસંગ પે એપ લોન્ચ થશે.
- હવે સ્ક્રીન પર તમારું બેન્ક કાર્ડ જોઈ શકાશે, તમે એક કરતાં વધુ કાર્ડની વિગતો આપી હશે તો ડાબે કે જમણે સ્વાઇપ કરીને એકને બદલે બીજું કાર્ડ પસંદ કરી શકશો.
- કાર્ડ પસંદ કર્યા પછી, તમારી ફિંગરપ્રિન્ટ કે પિન આપીને તમારી ઓળખ સાબિત કરો.
- તમારા ફોનને દુકાનદારના કાર્ડ મશીનની નજીક લઈ જાઓ, પેમેન્ટ થઈ જશે! જો પૂછવામાં આવે, તો તમારે કાર્ડનો પિન આપવો પડશે.
સેમસંગ પેનો ઉપયોગ કરવા ઇન્ટરનેટ કનેક્શન જોઈશે?
- દેખીતી રીતે, પહેલી વારના રજિસ્ટ્રેશનની વિધિ વખતે નેટ કનેક્શન જોઈશે. સેમસંગ કહે છે કે દુકાનમાં પેમેન્ટ કરતી વખતે ફોનમાં એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી નથી, પણ સેમસંગ પેના બેસ્ટ અનુભવ માટે નેટ કનેક્શન હોય તો સારું!
આ સલામત પદ્ધતિ છે?
- એક રીતે જોઈએ તો સેમસંગ પે આપણા વાસ્તવિક બેન્ક કાર્ડને ડિજિટલ કાર્ડમાં ફેરવી નાખે છે. જો તમે પર્સમાં વાસ્તવિક કાર્ડ રાખીને ફરતા હો તો સેમસંગ પે તેના જેટલી જ જોખમી કે સલામત પદ્ધતિ છે.
- સેમસંગ પેમાં ફાયદો એ છે કે તે કાર્ડની વિગતો (કાર્ડ નંબર, એક્સાયરી ડેટ, સિક્યોરિટી કોડ વગેરે)ને એ જ સ્વરૂપે સાચવવાને બદલે, જે તે ડિવાઇસ સાથે સંકળાયેલ ટોકનમાં ફેરવી નાખે છે. ઉપરાંત આ વિગતોનો આપણી ફિંગરપ્રિન્ટ કે પિન સિવાય ઉપયોગ થઈ શકતો નથી.
- જો ફોન ખોવાઇ કે ચોરાઈ જાય તો તમે સેમસંગની ‘ફાઇન્ડ માય મોબાઇલ’ સર્વિસથી સેમસંગ પેને લોક કરી શકો છો કે તેમાંની બધી જ વિગતો ભૂંસી શકો છો.
સ્માર્ટફોનમાંની વિગતો કાર્ડ મશીનમાં કેવી રીતે પહોંચે છે?
- બે રીતે. એક તો, અગાઉ આપણે જેની વાત કરી ગયા છીએ તે એનએફસી (નીયર ફિલ્ડ કમ્યુનિકેશન) ટેક્નોલોજીથી. ભારતમાં આ સગવડ ફક્ત પ્રીમિયમ ફોનમાં હોય છે (ક્રેડિટ/ડેબિટ કાર્ડ પણ કોન્ટેક્ટ લેસ હોય છે, જેને કાર્ડ મશીન પર ઠપકારતાં તેની વિગતો મશીનમાં પહોંચી જાય છે).
- ભારતમાં મુશ્કેલી એ છે કે આ રીતે, સ્માર્ટફોનમાંનો ડેટા સ્વીકારી શકે તેવાં એનએફસી ઇનેબલ્ડ કાર્ડ મશીનની સંખ્યા ઓછી છે. આના ઉપાય તરીકે, સેમસંગે મેગ્નેટિક સિક્યોર ટ્રાન્સમિશન (એમએસટી) નામની ટેક્નોલોજી વિક્સાવી છે, જે મેગ્નેટિક વેવ્સની મદદથી સાદાં કાર્ડ રીડર મશીનને ડેટા પહોંચાડી શકે છે.
- પરિણામે, આપણે સાદી રેસ્ટોરાંમાં પેમેન્ટ કરવું હોય કે ફાઇવ સ્ટાર હોટેલમાં, ત્યાં સાદું કાર્ડ રીડર હોય તો પણ સેમસંગ ફોન તેની નજીક લઈ જઈને પેમેન્ટ કરી શકીએ છીએ.
આ રીતે ઓનલાઇન શોપિંગ થઈ શકે?
- અત્યારે નહીં.

સાંભળ્યું છે કે સેમસંગ પેમાં પેટીએમનો પણ ઉપયોગ થઈ શકે છે. ખરેખર?
- આ આમ તો ગૂંચવણ ઊભી કરતી સગવડ છે, પણ ભારતમાં પેમેન્ટ પદ્ધતિની વિવિધતા જોઈને સેમસંગે તે ઉમેરી છે. સેમસંગ પે સામાન્ય રીતે ફક્ત બેન્ક કાર્ડથી પેમેન્ટ કરી શકે છે, પણ જ્યાં કાર્ડ રીડર મશીન જ ન હોય ત્યાં? આ સ્થિતિ ધ્યાને રાખીને, સેમસંગે પહેલેથી સેમસંગ પેમાં પેટીએમ જેવું મોબાઇલ વોલેટ ઉમેરવાની સગવડ ઉમેરી છે. પછી, ફોનમાં પેટીએમ વોલેટ એપ ન રાખીએ તો પણ વાયા સેમસંગ પે એપ, પેટીએમનો ક્યુઆર કોડ સ્કેન કરીને કે ફોન નંબર આપીને રકમ મોકલી શકાય છે.
- આ જ કારણે સેમસંગ પેમાં ટૂંક સમયમાં યુપીઆઈની સુવિધા પણ ઉમેરાઈ જશે.
આ બધી વિવિધ પેમેન્ટ પદ્ધતિમાં, આપણી સ્વદેશી ભીમ એપ સૌથી ચઢિયાતી સાબિત થાય તેવી શક્યતા છે, કારણ કે એ એક એપમાં આપણને કાર્ડ, ભારત ક્યુઆર કોડ, આધાર નંબર, ખાતા નંબર, આઇએફસી કોડ વગેરે બધી રીતે પેમેન્ટની સગડવ મળે છે. તાજા અહેવાલો અનુસાર, પેટીએમ, મોબિક્વિક જેવાં મોબાઇલ વોલેટને પણ યુપીઆઇ વ્યવસ્થા સાથે સાંકળી લેવાય તેવી શક્યતા છે. એ પછી, કોઈ દુકાનમાં પેટીએમનો કોડ, આપણે ભીમ એપથી સ્કેન કરીને ડાયરેક્ટ પોતાના બેન્ક ખાતામાંથી પેમેન્ટ કરી શકીશું.

