છેલ્લાં ૧૬ વર્ષથી પૃથ્વીથી ૪૦૦ કિલોમીટર ઊંચે, અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છ-છ મહિના જેટલો સમય ગાળીને વિવિધ સંશોધનો કરતા રહે છે.
જુદાં જુદાં ૧૫ મોડ્યુલ્સના બનેલા માળખામાં અવકાશયાત્રીઓ કેવી રીતે રહેતા હશે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અંદરથી કેવું દેખાતું હશે એવું આપણને કૌતુક હોય,
પણ છ મહિના સુધી સ્પેસ સ્ટેશનમાં ફ્લાઇટ એન્જિનીયર તરીકે ગાળીને પૃથ્વી પર પાછા ફરેલા, યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી થોમસ પેસ્ક્વેટનું કહેવું છે કે “મેં સ્પેસ સ્ટેશનમાં છ મહિના ગાળ્યા પણ સ્પેસમાં રહેવાનો અનુભવ કેવો છે એ દર્શાવતો ફોટોગ્રાફ લેવો કે એનું શબ્દોમાં વર્ણન કરવું બહુ મુશ્કેલ છે.
જોકે આ થોમસે સ્પેસ સ્ટેશનમાં ફ્લાઇટ એન્જિનીયર તરીકેની કામગીરી ઉપરાંત, એક અનોખા મિશન માટે પણ કામ કર્યું – ગૂગલ માટે સ્પેસ સ્ટેશનનો સ્ટ્રીટ વ્યૂ કેપ્ચર કરવાનું મિશન!
સ્પેસ સ્ટેશનમાંની વિશેષ સ્થિતિને કારણે અહીં ગૂગલની સામાન્ય પદ્ધતિ મુજબ સ્ટ્રીટ વ્યૂ કેપ્ચર કરવાનું શક્ય નહોતું. એટલે નાસાના સાથમાં વિશેષ સાધનો તૈયાર કરવામાં આવ્યાં, જેની મદદથી થોમસે સ્પેસ સ્ટેશનની અંદરની તસવીરો લીધી. એ તસવીરો નીચે પૃથ્વી પર મોકલવામાં આવી અને એ બધી ઇમેજીસને એકમેક સાથે સ્ટીચ કરીને ૩૬૦ ડીગ્રીના પેનોરમિક વ્યૂ તૈયાર કરવામાં આવ્યા!
આ ઇમેજીસ તમે આ પેજ પર જોઈ શકો છો. https://www.google.com/streetview/#international-space-station/

