આપણો દેશ ખરેખર ગજબ વિરોધાભાસોનો દેશ છે.
એક તરફ આપણે, આખી દુનિયામાં લગભગ ક્યાંય જોવા મળે નહીં એવા સ્કેલ પર (સવા અબજ લોકો કંઈ જેવી તેવી વાત નથી) કામ કરવાનું હોવા છતાં, સ્માર્ટ બેન્કિંગની એક પછી એક નવી પહેલ રજૂ થતી જોઈ રહ્યા છીએ અને બીજી તરફ, આપણા જ દેશમાં ભેજાબાજ લોકો એક સાથે ૬-૭ લાખ લોકોને શીશામાં ઉતારીને હજારો કરોડનાં કૌભાંડ આચરી શકે છે!
એક તરફ આપણાં અખબારો અને ન્યૂઝ વેબસાઇટ્સ આ નવી પહેલો કે કૌભાંડોની સમજ આપણને આપે છે અને બીજી તરફ, એ જ અખબારોમાં અઘોરી, તાંત્રિક, ચમત્કારી બાબાની જાહેરાતો અને વેબસાઇટ્સમાં ‘ક્લિક કરો અને રાતોરાત લખપતિ બનો’ પ્રકારની જાહેરાતો ઉત્પાત મચાવતી જોવા મળે છે. આ અંકમાં, ગૂગલ એડવર્ડ્ઝની ‘પે પર ક્લિક’ અને ફેસબુકમાં લાઇક સિસ્ટમનો કઈ રીતે દુરુપયોગ કરવામાં આવે છે એની વાત કરી છે. આ બાબતોની સમજ વધશે તો કૌભાંડોમાં ફસાતા લોકોની સંખ્યા ઘટશે એવી આશા સાથે, બાકી લોભનો કોઈ ઉપાય નથી!
આ અંકમાં ભારતક્યુઆર કોડ, ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ કે રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઇની સુવિધા વગેરે નવી પહેલની પણ વિગતવાર વાત આલેખી છે. તમે આ સુવિધાઓનો ઉપયોગ શરૂ કર્યો હોય તો તમારા અનુભવો જરૂર લખી મોકલશો.
– હિમાંશુ

