આપણે ફેમિલી ફોટોગ્રાફ્સ કે ઓફિસની મહત્ત્વની ફાઇલ્સ અન્ય કોઈ વ્યક્તિને મોકલવી હોય ત્યારે સામાન્ય રીતે જીમેઇલ જેવી જૂની અને જાણીતી મેઈલ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણી ફાઇલ સાઇઝ ઘણી મોટી હોય તો આવી મેઇલ સર્વિસની મર્યાદા આવી જાય છે.
જીમેઇલની વાત કરીએ તો તેમાં ૨૫ એમબીથી હેવી ફાઇલ્સ એટેચમેન્ટ તરીકે મોકલવી હોય તો જીમેઇલ તેને પહેલાં ગૂગલ ડ્રાઇવમાં અપલોડ કરે છે અને પછી તેની લિંક તરીકે સામેની પાર્ટીને મોકલે છે. આ કામ સરળ હોવા છતાં કેટલાક લોકોને ગૂંચવાડાભર્યું લાગે છે કારણ કે તેમાં એટેચમેન્ટની ફાઇલ્સ માટે એક્સેસ પરમિશન સેટ કરવાનો મુદ્દો વચ્ચે આવે છે.
તેના ઉપાય તરીકે ઘણા લોકો હેવી ફાઇલ્સ મોકલવા માટે ડ્રોપ બોક્સ, વીટ્રાન્સફર, સેન્ડસ્પેસ કે એરડ્રોપ જેવી ક્લાઉડ સર્વિસનો ઉપયોગ કરે છે પરંતુ આવી સર્વિસમાં આપણી ફાઇલ્સ જે તે સર્વિસના સર્વરમાં સ્ટોર થતી હોવાથી આપણને તેની પ્રાયવસીની ચિંતા રહી શકે છે.
ફાયરફોક્સ બ્રાઉઝર માટે જાણીતા મોઝિલા કોર્પોરેશને હવે આ ચિંતાનો ઉપાય આપ્યો છે.
મોઝિલાએ સેન્ડ નામનું એક ઓનલાઇન પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જેની મદદથી આપણે એક જીબી સુધીની ફાઇલ્સ સહેલાઇથી બીજી વ્યક્તિને મોકલી શકીએ છીએ.
આ સેન્ડ પ્રોજેક્ટ મોઝિલાનો ટેસ્ટ પાયલોટ પ્રોજેક્ટ છે. અન્ય ટેક કંપનીની જેમ મોઝિલા તેની નવી સર્વિસિઝ પહેલાં બીટા સ્વરૂપે લોન્ચ કરે છે જેથી તેમાં રહેલી ખામીઓ સુધારી શકાય અને જો તેને નબળો પ્રતિસાદ મળે તો સહેલાઇથી બંધ પણ કરી શકાય!
મોઝિલા સેન્ડનો મોટો ફાયદો એ છે કે તેમાં આપણે કશું જ ડાઉનલોડ કરવાનું નથી કે એડઓન કે એક્સટેન્શનનો ઉપયોગ કરવાનો નથી. આપણે તેમાં કોઈ રજિસ્ટ્રેશન કે એકાઉન્ટ ઓપન કરવાની પણ જરૂર નથી.
મોઝિલા સેન્ડનો ઉપયોગ કરવા માટે…
- કોઈ પણ બ્રાઉઝરમાં યુઆરએલ એડ્રેસબારમાં firefox.com લખો.
- જે પેજ ઓપન થાય તેમાં સિલેક્ટ એ ફાઇલ ઓન યોર કમ્પ્યુટર બટન પર ક્લિક કરીને અથવા કમ્પ્યુટરમાંથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને અપલોડ કરવાની ફાઇલ્સ અહીં લાવો.
- એટલું કરતાં આપણી ફાઇલ મોઝિલાના સર્વરમાં અપલોડ થશે.
- આ ફાઇલને ડાઉનલોડ કરવા માટેની એક યુનિક લિંક જનરેટ થશે.
- આપણે તેને કોપી કરીને સામેની વ્યક્તિને રોજિંદા ઇમેઇલ પ્રોગ્રામ કે અન્ય કોઈ રીતે મોકલી શકીશું.
- સામેની વ્યક્તિ તેને મળેલી લિંક પર ક્લિક કરીને આ ફાઇલ ડાઉનલોડ કરી શકશે.

મોઝિલા સેન્ડનો મોટો ફાયદો એ છે કે આપણી ફાઇલ મોઝિલાના સર્વર પર અપલોડ થાય એ સાથે એન્ક્રિપ્ટ થાય છે. એટલે મોઝિલા સહિત કોઈ પણ તેનું કન્ટેન્ટ જોઈ શકતું નથી. બીજો ફાયદો એ છે કે આપણે અપલોડ કરેલી ફાઇલ ફક્ત ૨૪ કલાક સુધી મોઝિલાના સર્વર પર રહે છે ત્યાર પછી તે આપોઆપ ડિલીટ થાય છે. સામેની વ્યક્તિએ તેને ડાઉનલોડ ન કરી હોય તો પણ તે ડિલીટ થઇ જાય છે.
સેન્ડની સરખામણીમાં ડ્રોપબોક્સ જેવી સર્વિસ બે જીબી સુધીની ફાઇલ અને એકથી વધુ લોકોને એક સાથે શેર કરવાની સુવિધા આપે છે. જોકે મોઝિલા સેન્ડનો ઉપયોગ એટલો સરળ છે કે તે વધુ લોકપ્રિય બને તો નવાઈ નહીં.
મોટી ફાઇલ મોકલવાના અન્ય રસ્તા
ડ્રોપબોક્સ (www.dropbox.com)

આ સર્વિસમાં એકાઉન્ટ ખોલાવી, ડ્રોપબોક્સ ફોલ્ડરની વેબલિંક બનાવી તેને શેર કરી શકાય. સામેની વ્યક્તિનું ડ્રોપબોક્સમાં એકાઉન્ટ હોવું જરૂરી નથી.
ડ્રોપબોક્સમાં ૨ જીબીની સ્ટોરેજ મફત મળે છે.
ગૂગલ ડ્રાઇવ (drive.google.com)

ડ્રોપબોક્સની જેમ, ગૂગલ ડ્રાઇવમાંના ફોલ્ડરને સામેની વ્યક્તિ સાથે શેર કરી શકાય. ડ્રાઇવમાં તમારા જીમેઇલ અને ગૂગલ ફોટોઝ સર્વિસ સાથે કુલ ૧૫ જીબીની સ્પેસ મફત મળે છે.
મીડિયાફાયર (www.mediafire.com)
આ સર્વિસમાં એકાઉન્ટ ખોલાવતાં ૧૦ જીબીની ફ્રી સ્ટોરેજ મળે છે. પછી અન્ય સર્વિસની જેમ, આપણી ફાઇલ્સ અપલોડ કરી તેને અન્ય લોકો સાથે શેર કરી શકાય છે.
વીટ્રાન્સફર (wetransfer.com)
અન્ય વિકલ્પની સરખામણીમાં ઘણી સરળ સર્વિસ. ૨ જીબી સુધીની ફાઇલ્સ ઉમેરો, સામેની વ્યક્તિનું અને તમારું મેઇલ એડ્રેસ આપો અને ફાઇલ સીધી જ ટ્રાન્સફર કરો.


