પીસીમાં વેબબ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે કર્સરને ફટાફટ એડ્રેસબારમાં પહોંચાડવું છે? માઉસથી એડ્રેસબાર સુધી પહોંચવાને બદલે Ctrl + L, F6 અથવા Alt + D, આ ત્રણમાંથી કોઈ એક કમાન્ડ યાદ રાખી લેશો તો તમારું કામ થઈ જશે.
વિન્ડોઝ કમ્પ્યુટરમાં એકથી વધુ પ્રોગ્રામ્સ ઓપન કરીને કામ કરી રહ્યા હો ત્યારે ફક્ત એક વિન્ડો એક્ટિવ રાખવી હોય તો એ વિન્ડોને માઉસની મદદથી, ટોપ બારથી પકડીને ડાબી કે જમણી તરફ હલાવો. બાકીની બધી વિન્ડોઝ તરત મિનિમાઇઝ થઈ જશે.
પીસીમાં, ક્રોમ બ્રાઉઝરમાં એક વિન્ડોમાં સંખ્યાબંધ ટેબ ઓપન થઈ ગઈ હોય અને કોઈ નવા વિષય પર તમે નવેસરથી સંખ્યાબંધ ટેબ ઓપન કરવા માગતા હો તો Ctrl + N શોર્ટકટથી નવી ક્રોમ વિન્ડો ઓપન થશે અને Ctrl + Shift + N ક્લિક કરવાથી ઇન કોગ્નિટો મોડમાં નવી વિન્ડો ઓપન થશે. ફાયરફોક્સ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં Ctrl + Shift + P પ્રેસ કરવી પડશે.
પીસીમાં કોઈ ફાઇલનું નામ ઝડપથી બદલવું છે? વિન્ડોઝ એક્સપ્લોરરમાં એ ફાઇલને રાઇટ ક્લિક રીનેમ કરીને નામ બદલી શકાય, પણ ફાઇલ સિલેક્ટેડ હોય ત્યારે F2 પ્રેસ કરીને ઝડપથી રીનેમ કરી શકાશે.
પીસીમાં, બ્રાઉઝિંગ વખતે ડાઉનલોડ કરેલી ફાઇલ્સ જોવી છે? બ્રાઉઝરના સેટિંગ્સમાં ‘વ્યૂ ડાઉનલોડ’ વિકલ્પ મળશે જેમાં તમે ડાઉનલોડ કરેલી બધી ફાઇલ તથા પીસીમાં તે ક્યા ફોલ્ડરમાં સેવ કરી છે તે જોવા મળશે.
પીસીમાં, એકથી વધુ ફાઇલને એક સરખાં ક્રમબદ્ધ નામ આપવાં હોય (જેમ કે કોઈ ટુરના ફોટોગ્રાફ) તો બધી ફાઇલ સિલેક્ટ કરીને F2 પ્રેસ કરશો, તો પહેલી ફાઇલનું નામ બદલતાં બાકીની દરેક ફાઇલને પણ એ જ નામ મળશે ફક્ત પાછળ ૨, ૩, ૪ વગેરે ક્રમ ઉમેરાઈ જશે.
જીમેઇલમાં કોઇના તરફથી વારંવાર આવી પડતા ઇમેલથી પરેશાન છો? તેને સ્પામ તરીકે રિપોર્ટ કરવા ઉપરાંત તમે એ ઇમેલ એડ્રેસને બ્લોક પણ કરી શકો છો. એ માટે પીસીમાં રીપ્લાય બટન બાજુના ડ્રોપ ડાઉન મેનુમાં જતાં એ યૂઝરને બ્લોક કરવાનો વિકલ્પ મળશે.
એક્સેલમાં કામ કરતી વખતે, કોઈ સેલમાં આજની તારીખ ઉમેરવાની થઈ? જાતે તારીખ લખવા બેસવાને બદલે, ટેબ ઓપન થાય છે અને Ctrl + ; (Semi colon) પ્રેસ કરો. એ જ રીતે, કરન્ટ ટાઇમ ઉમેરવા માટે Ctrl + Shift + ; (Semi colon) પ્રેસ કરો.
કમ્પ્યુટરમાં આપણે કોઈ પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય અને તેને ધરાર બંધ કરવો હોય તો ત્યારે Ctrl+Alt+Del કીનો ઉપયોગ કરીને ટાસ્ક મેનેજર ઓપન કરીએ છીએ. એ રીતે, ક્રોમમાં, Ctrl+Shift+Del કી પ્રેસ કરવાથી ક્લિયર બ્રાઉઝિંગ ડેટા વિન્ડો ઓપન થાય છે અને આપણો બધો જ પ્રાઇવેટ ડેટા ક્લિન કરી શકીએ છીએ!
તમે કોઈ ટેબમાં સંખ્યાબંધ વેબપેજીસ જોયાં હોય, પછી એ ટેબ બંધ કરી દો અને કશુંક મહત્ત્વનું એ ટેબમાં જોયાનું યાદ આવે તો? તો Ctrl + Shift + T કી એક સાથે પ્રેસ કરતાં, એ ભૂલથી બંધ કરેલી ટેબ ફરી ઓપન થશે!

