ગયા વર્ષે મહારાષ્ટ્રના લાતૂરમાં એક વ્યક્તિની ધરપકડથી દેશભરના વોટ્સએપ ગ્રૂપના એડમિન ચિંતામાં મૂકાઈ ગયા હતા, કારણ કે એ વ્યક્તિ જે વોટ્સએપ ગ્રૂપની એડમિન હતી તેમાં અન્ય મેમ્બર્સ દ્વારા પોસ્ટ કરાયેલ વાંધાજનક કન્ટેન્ટને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.
જો તમે વોટ્સએપ કે ટેલિગ્રામ કે ફેસબુક જેવા સોશિયલ મીડિયાના કોઈ ગ્રૂપના એડમિન હો તો તમે જાણતા હશો કે ગ્રૂપના અન્ય મેમ્બર્સ ગ્રૂપમાં જે કંઈ પોસ્ટ કરે તેના પર અંકુશ રાખવો ખરેખર બહુ મુશ્કેલ હોય છે.
પરંતુ હમણાં દિલ્હી હાઈકોર્ટે આવા સોશિયલ ગ્રૂપના એડમિન માટે રાહતપ નિર્ણય આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે વોટ્સએપ ગ્રૂપના કોઈ સભ્ય ગ્રૂપમાં બદનક્ષીપૂર્ણ કે વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરે તો તે માટે તે ગ્રૂપના એડમિનને જવાબદાર ઠરાવી શકાય નહીં.
જે કેસમાં આ ચુકાદો આવ્યો એની વિગતો કંઈક એવી છે કે, દિલ્હી નજીકના ગુગ્રામમાં એક રીઅલ એસ્ટેટ કંપનીએ આપેલા વાયદા પ્રમાણે ફ્લેટ્સનું સમયસર પઝેશન ન આપતાં આ કંપનીના ફ્લેટ ખરીદનારા લોકોએ એક એસોસિએશન રચીને પોતાનું વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું. એ રીઅલ એસ્ટેટ કંપની વતી આશિષ ભલ્લા નામની એક વ્યક્તિએ આ ગ્રાહકો સાથે લેવડદેવડ કરી હતી. પરિણામે અકળાયેલા લોકોએ પોતાના વોટ્સએપ ગ્રૂપમાં આશિષ ભલ્લાને નિશાન બનાવીને તેની બદબોઈ કરતી પોસ્ટનો મારો ચલાવ્યો હતો.
આશિષે પેલી રીઅલ એસ્ટેટ કંપનીની નોકરી છોડી દીધા પછી પણ તેના પર વોટ્સએપ મેસેજિસ આવવાનું ચાલુ રહ્યું હતું. પરિણામે આશીષે એ ગ્રૂપના એડમિન વિશાલ દૂબે સામે બદનક્ષીનો દાવો કર્યો હતો.
જોકે, અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગ્રૂપના કોઈ પણ સભ્ય વાંધાજનક નિવેદનો કરે તો પણ તે માટે ગ્રૂપના એડમિનને જવાબદાર ઠેરવી શકાય નહીં.

