ઇન્ટરનેટનું સૌથી મોટું જમા પાસું કયું? એમ કોઈ પૂછે તો એક જ જવાબ હોઈ શકે – દુનિયા આખીની તાજામાં તાજી માહિતી, ઇચ્છો ત્યારે જાણવાની સગવડ!
ઇન્ટરનેટ પર જે વાંચવા મળે એ બધું સાચું હોતું નથી, એ વાત સાચી, પણ કોઈ પણ વિષયના ખરેખર જાણકાર બનવું હોય તો ઇન્ટરનેટથી વધુ શક્તિશાળી માધ્યમ અત્યાર સુધી બીજું કોઈ જોવા મળ્યું નથી.
એમાં પણ જુદી જુદી વેબસાઇટ્સ પર મૂકાતા નવા ક્ધટેન્ટને ફીડ સ્વરૂપે એક સ્થળે ખેંચી લાવતી આરએસએસ ટેક્નોલોજીથી ઇન્ટરનેટની શક્તિ અનેકગણી વધી છે.
યાદ રહે – સર્ચ અને ફીડ બંને જુદી બાબત છે. સર્ચમાં તો, જે તે સમયે આપણા મનમાં કોઈ સવાલ હોય તો તેના જવાબ આપણે જાણી શકીએ, જ્યારે ફીડ આપણા રસના વિષયો વિશે સતત નવી નવી માહિતી બતાવતી જ રહે છે.
ગૂગલે આ ફીડની સુવિધાને હવે તેની મોબાઇલ સર્ચ એપમાં જ ઉમેરી છે. મજાની વાત એ છે કે ગૂગલ આપણા વિશે એટલું બધું જાણે છે કે આપણે તેને કશું જ કહેવા કે પૂછવાની જર રહી નથી. એ સામેથી જ આપણને વાંચવું ગમે એવું આપણને પીરસે છે.
અને હા, એક મહત્ત્વની વાત! ઇન્ટરનેટના સતત બદલાતા પ્રવાહોને ધ્યાનમાં રાખીને, ટૂંક સમયમાં ‘સાયબરસફર’ની વેબસાઇટ પણ એક બિલકુલ નવો અવતાર ધારણ કરી રહી છે, બસ થોડી રાહ જુઓ!
– હિમાંશુ

