ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો કન્સેપ્ટ ધીમી પણ મક્કમ ગતિએ આપણા દેશમાં પણ પ્રસરી રહ્યો છે. વિકસિત દેશોમાં ઇન્ટરનેટનો ઉપયોગ હવે સ્માર્ટફોન કે પીસી પૂરતો મર્યાદિત રહ્યો નથી. ઘરનાં વિવિધ સાધનો જેમ કે ટીવી, એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, કોફી મેકર વગેરે બધું જ હવે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ રહ્યું છે.
ઉપરાંત આ બધાં જ મશીન હવે એકમેક સાથે પણ કમ્યુનિકેટ કરવા લાગ્યાં છે, જે મશીન-ટુ-મશીન કમ્યુનિકેશન તરીકે ઓળખાય છે. ભારતમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) આ પ્રકારના કમ્યુનિકેશન માટે નિશ્ચિત ધોરણો સ્થાપવા માગે છે. ટ્રાઇએ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને સૂચવ્યું છે કે વર્તમાન ટેલિઓપરેટર્સને મશીન-ટુ-મશીન કનેક્ટિવિટી સુવિધા આપવાની છૂટ આપવી.
અત્યારે સામાન્ય રીતે આ બધાં મશીન્સ વાઇ-ફાઇ કે બ્લુટૂથથી એકબીજા સાથે કનેક્ટ થઇને કમ્યુનિકેટ કરે છે પરંતુ જો ટ્રાઇની ભલામણો પર અમલ થશે તો ભવિષ્યમાં આ સાધનોમાં સ્માર્ટફોનની જેમ સિમકાર્ડ ફિટ કરી શકાશે અને સાધનો તેની મદદથી પણ એકમેક સાથે કમ્યુનિકેટ કરશે.

