
નાયગ્રા ધોધ કે આપણા સરદાર સરોવર ડેમને આ રીતે, તમે ત્યાં રૂબરૂ જાઓ તો પણ જોઈ શકો નહીં. પૃથ્વીને નવી નજરે જોવાની તક આપતો ગૂગલ અર્થ પ્રોગ્રામ હવે નવા વેબવર્ઝનમાં ઉપલબ્ધ છે!

‘‘નાઉ ગૂગલ અર્થ ઇઝ ડેડ! ગૂગલ અર્થ હવે મરવા વાંકે જીવી રહેલો પ્રોગ્રામ છે!’’ લોકો આમ કહેવા લાગ્યા હતા. વર્ષ 2001માં જેનાં મૂળ નંખાયાં અને 2004માં જે લોન્ચ થયો એ ગૂગલ અર્થ પ્રોગ્રામે શરૂઆતમાં ભારે ઉત્સુકતા જગાવી હતી. એ સમયે અને છેક હમણાં સુધી આ પ્રોગ્રામ આપણે પીસીમાં ડાઉનલોડ કરવો પડતો હતો. જોકે એટલી તસદી લો તો આ પ્રોગ્રામ તેની પાર વગરની ખૂબીઓને કારણે આપણને માઉસની પાંખે વિશ્વદર્શન કરાવે તેવો પાવરફૂલ હતો.
પરંતુ એ પછી ગૂગલના અન્ય પ્રોગ્રામ્સ કે સર્વિસીઝ જે ઝડપે વિક્સ્યા એટલી ઝડપ ગૂગલ અર્થમાં જોવા મળી નહીં. એમાં કોઈ જ અપડેટ ન આવતા જોઈને અને ગૂગલ મેપ્સમાં અર્થ જેવી જ સુવિધાઓ ઉમેરાતી જોઈને લોકોએ માની લીધું કે ગૂગલ હળવેકઙ્ખી અર્થને સમેટી લેશે.
જોકે બન્યું છે તેથી ઉલટું. ફોટો મેનેજમેન્ટ માટેના મસ્ત પ્રોગ્રામ પિકાસાને જેમ ગૂગલે ડેસ્કટોપના સોફ્ટવેરમાંથી ગૂગલ ફોટોઝ સ્વરૂપે અફલાતૂન ઓનલાઇન સ્વરૂપ આપ્યું એ જ રીતે, ગૂગલ અર્થને પણ હવે ઓનલાઇન સ્વરૂપ આપી દીધું છે.
એપ્રિલ ૨૦૧૭માં, વિશ્વ પૃથ્વી દિનના ચારેક દિવસ પહેલાં, ગૂગલ અર્થનું આ નવું સ્વરૂપ લોન્ચ થયું.
નવા સ્વરૂપે ગૂગલ અર્થ, પીસીમાં ઇન્સ્ટોલ કર્યા વિના ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જ ચલાવી શકાય છે, જોકે એ માટે સતત નેટ કનેક્શન જોઈશે. નવા સ્વરૂપના ગૂગલ અર્થમાં, પીસી પરના અર્થ જેટલી સુવિધાઓ કે ખૂબીઓ અત્યારે નથી, પણ ધીમે ધીમે ઉમેરાશે એ નક્કી. ક્રોમ ઉપરાંત, એન્ડ્રોઇડ પર પણ તેની મજા લૂંટી શકાય છે!
અર્થનું આ નવું વેબ વર્ઝન ઉપયોગમાં બિલકુલ સરળ છે. પહેલી નજરે તો એમાં ખાસ કોઈ સુવિધા જ ન હોવાનું લાગશે, પણ જેમ જેમ ઊંડા ઊતરશો તેમ તેમ જુદી ઘણી ખૂબીઓ નજરમાં આવતી જશે.
નીચે આવી કેટલીક ખૂબીઓનો પરિચય કરાવ્યો છે. તો તમારા પીસીમાં ક્રોમ ઓપન કરો, earth.google.com પર જાઓ અને આપણી પૃથ્વીને બિલકુલ નવા સ્વરૂપે જુઓ!

નવા ગૂગલ અર્થમાં વિશ્વદર્શન કેવી રીતે કરશો?
અર્થના વેબવર્ઝનને શક્ય એટલું સરળ બનાવવામાં આવ્યું છે. તેમાં ડાબી તરફ સર્ચ, વોયેજર, ફિલિંગ લકી, બુકમાર્ક અને શેરિંગના વિકલ્પ છે.- કોઈ ચોક્કસ સ્થળ સુધી પહોંચવા માટે સર્ચ સુવિધાનો લાભ લો. જે તે સ્થળનું નામ ન જાણતા હો, તો તેને સંબંધિત પ્રશ્ન પણ લખી શકો છો, જેમ કે ‘કેપિટલ ઓફ ગુજરાત’ લખતાં અર્થ તમને ગાંધીનગર પહોંચાડી દેશે!
- વોયેજર એક નવી સુવિધા છે, જેમાં વિવિધ વિષયના નિષ્ણાતોએ તૈયાર કરેલ કન્ટેન્ટ આપણે પૃથ્વીના સંદર્ભ સાથે જોઈ શકીએ છીએ.
- ‘ફિલિંગ લકી’ બટન પર ક્લિક કરતાં, અર્થ તેની મરજી મુજબ કોઈ મજાના સ્થળે આપણને પહોંચાડશે. જોકે ગૂગલની ટીમે કાળજીપૂર્વક પસંદ કરેલા 20,000 સ્થળોમાંથી કોઈ એક પર આપણે પહોંચીશું, એટલે સાવ રેન્ડમલી, દરિયામાં કોઈ ડૂબકી મારવી પડે એવું નહીં થાય.
- બુકમાર્ક, આપણને ગમી ગયેલા કોઈ પણ સ્થળનું લોકેશન સેવ કરી લેવા માટે છે.
- શેરિંગ – દેખીતી વાત છે – આપણને જે ગમ્યું તે સ્થળની લિંક બીજા સાથે શેર કરવા માટે છે!
નીચે જમણી તરફના નેવિગેશન બટન્સની વાત કરીએ તો,
- નાના પૃથ્વીના ગોળાને ફેરવીને પૃથ્વીના મુખ્ય ગોળાને ફેરવી શકાશે.
- તેની ઉપરના લોકેશન બટન પર ક્લિક કરતાં, અર્થ પર આપણા લોકેશન પર પહોંચાશે (આપણે પીસી પર અર્થ જોઈ રહ્યા હોવાથી, સિસ્ટમ તમારા આઇપી મુજબ જેને તમારું લોકેશન ગણતી હશે તે જોવા મળશે).
- તેની બાજુમાં સ્ટ્રીટ વ્યૂનો આઇકન છે, જેની વાત આગળ કરી છે.

- ટુડી ને 3ડી બટન અર્થના વ્યૂને બદલવા માટે છે. હા, હવે પૃથ્વીના કોઈ પણ ખૂણાને 3ડીમાં જોઈ શકાય છે!
- તેની નીચે કમ્પાસ છે, તેને ક્લિક કરતાં, વ્યૂ ઉત્તર દિશામાં સ્થિર થશે. કમ્પાસને ડબલ ક્લિક કરતાં, તે પૃથ્વીના નાના ગોળાનું સ્થાન લેશે, પછી દિશા મુજબ આપણે નેવિગેશન કરી શકીશું.
- ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે, નીચે જમણી તરફ આપેલી પ્લસ અને માઇનસ નિશાનીનો ઉપયોગ કરો (કે માઉસને રાઇટ ક્લિક કરીને ડ્રેગ કરી શકાય).
- જે તે સ્થળ જોવાનો એંગલ બદલવા કે વ્યૂ રોટેટ કરવા માટે શિફ્ટ ક્લિક કરી રાખી, માઉસથી સ્ક્રીનને ડ્રેગ કરો.
- અર્થમાં આમતેમ જવા માટે માઉસ ક્લિક કરો અને ડ્રેગ કરો.
- સ્ક્રીન પર જમણી બાજુ, જે તે લોકેશન વિશે વધુ માહિતી મળશે, જે ગૂગલની નોલેજ ગ્રાફ ટેક્નોલોજીની મદદથી અહીં આવે છે (નોલેજ ગ્રાફ વિશે વધુ જાણવા જુઓ સાયબરસફરનો અંક ફેબ્રુઆરી 2013). અહીં ભવિષ્યમાં ઘણી વધુ માહિતી ઉમેરાશે એ નક્કી.
- તો, પૃથ્વીને બિલકુલ નવી જ નજરે જોવા માટે તૈયાર છો?
નવા ગૂગલ અર્થની નવી સગવડો

જૂના અર્થ પ્રોગ્રામની જેમ, નવા અર્થમાં આપણે કોઈ પણ સ્થળને સર્ચ કરીને ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. આ સર્ચ હવે નેચરલ લેંગ્વેજ પણ સમજે છે, એટલે ‘બર્થ પ્લેસ ઓફ મહાત્મા ગાંધી’ પૂછતાં તે આપણને પોરબંદર લઈ જશે!

તમે કોઈ પણ સ્થળ સર્ચ કરશો ત્યારે જમણી તરફ એ સ્થળની વધુ વિગતો દશર્વિતાં કાર્ડ જોવા મળશે. એ કાર્ડ નીચે ‘પ્લેસીઝ ઓફ ઇન્ટરેસ્ટ’ પર ક્લિક કરશો, જેમ કે ગુજરાત સર્ચ કર્યા પછી, તો અર્થ તમને ગીર, દ્વારકા, સાબરમતી આશ્રમ, કાંકરિયા તળાવ, રાણકી વાવ વગેરે સ્થળની સફરે લઈ જશે. જે સ્થળમાં વધુ રસ પડે તેના કાર્ડ પર ક્લિક કરતાં તેની વધુ વિગતો મળશે અને કાગળના પ્લેન પર ક્લિક કરશો તો અર્થ ઘૂમીને એ સ્થળ પર આપણને પહોંચાડી દેશે.

ગૂગલ અર્થની ખરી મજા, પૃથ્વીનાં વિવિધ સ્થળોને થ્રી-ડાયમેન્શનમાં જોવામાં છે. ધારો કે આપણે સરદાર સરોવર ડેમ સર્ચ કરીને તેની સાઇટ પર પહોંચ્યા. હવે જો આ સ્થળ સ્થિર ઇમેજ સ્વરૂપે દેખાઈ રહ્યું હોય તો નીચે દેખાતું ૩ડી બટન ક્લિક કરો. આપણો વ્યૂ ૩ડીમાં ફેરવાશે અને આપણે, એ સ્થળ પર ગોળાકાર ઊડી રહેલા પંખીની નજરે એ સ્થળનું ખરા અર્થમાં વિહંગાવલોકન કરી શકીશું.

અલબત્ત, આ ૩ડી વ્યૂની મજા પૂરેપૂરી માણવા માટે આપણે વિદેશનાં લોકેશન સર્ચ કરવાં પડે. તમે નાયગ્રા ફોલ્સ કે ‘જર્ની બીહાઇન્ડ ધ નાયગ્રા ફોલ્સ’ સર્ચ કરશો તો બરાબર યુએસએ અને કેનેડાની સરહદ પર આવેલા આ ધૂઆંધાર ધોધને નજીકથી જોઈ શકશો. તમારા વ્યૂને ૩ડીમાં ઓટોમેટિકલી ઘૂમવા દો અથવા તમને પસંદ પડે તે રીતે માઉસથી કે કી-બોર્ડના એરોથી તમારા વ્યૂને ઘુમાવો અને ચાહો તે એંગલથી ધોધ જુઓ.

નવા ગૂગલ અર્થનું એક મજાનું પાસું છે વોયેજર. જૂના અર્થમાં, વિવિધ સ્થળોની ટૂર ક્રિએટ કરવાની સગવડ હતી. એ જ રીતે, અહીં ગૂગલે બીબીસી જેવા વિવિધ પાર્ટનર્સના સહયોગમાં, પૃથ્વીનાં જુદાં જુદાં પાસાંનું નિકટદર્શન કરાવતી ટૂર્સ ક્રિએટ કરી છે. પૃથ્વીના વણખેડાયેલાં કુદરતી સ્થળો, વિવિધ શહેરો, ટ્રાવેલ કે કલ્ચરની રીતે જોવાલાયક સ્થળો વગેરેની અહીંથી, એક પ્રકારની ગાઇડેડ ટૂર કરી શકાશે.

વોયેજર સેક્શનમાં ધારો કે તમે ‘નેચરલ ટ્રેઝર્સ’ સેક્શન પસંદ કર્યું. તો આ સેક્શનમાં સમાવાયેલાં વિવિધ લોકેશન્સ પૃથ્વીના નક્શા પર જોવા મળશે. ચાહો તો તેને ક્લિક કરો અથવા નીચે જમણી તરફના એરોનો ઉપયોગ કરીને એક પછી એક સ્થળો જુઓ. આ દરેક સ્થળ વિશે નોલેજ કાર્ડમાં ટેક્સ્ટ, ફોટોગ્રાફ, વીડિયો વગેરે સ્વરૂપે વધુ માહિતી મળશે. જ્યારે ફુરસદ મળે ત્યારે આ રીતે અર્થની ગાઇડેડ ટૂર્સ માણશો તો કલાકો ઓછા પડશે.

વોયેજરમાં પૃથ્વીનાં અલગ અલગ પ્રકારનાં અનેક સ્થળોની ગાઇડેટ ટુર માણી શકાય છે. જેમ કે પ્રખ્યાત પૂલોના સેક્શનમાં, જગવિખ્યાત પૂલોને ૩ડી સ્વરૂપમાં જોઈ તપાસી શકાશે.

કોઈ પણ પૂલને તમે નજીકથી જોઈ રહ્યા હો ત્યારે વ્યૂને ૨ડી કે ૩ડીમાં ફેરવી શકો છો અને ચાહો ત્યારે માઉસથી કે એરો કીથી દિશા બદલી શકો છો અને શિફ્ટ સાથે માઉસ ક્લિક કરીને ડ્રેગ કરશો કો વ્યૂઇંગ એંગલ પણ બદલી શકાશે.

ઉપરતની તસવીર ભારતના તાજમહાલ સંકૂલની છે. તેને તમે ગૂગલ અર્થમાં જોશો ત્યારે, તેમાં ઘણો ખરો ભાગ આ રીતે બ્લુ રંગથી માર્ક કરેલો દેખાશે. નીચે જમણી બાજુના નેવિગેશન કંટ્રોલ સેક્શનમાં માણસના આઇકોન (પેગમેન) પર ક્લિક કરશો ત્યારે આવું ખાસ દેખાશે. જે સ્થળ માટે સ્ટ્રીટ વ્યૂ કે ફોટોસ્ફિયર ઉપલબ્ધ હોય તેના માટે આવો બ્લુ રંગ દેખાય છે. આવો રંગ દેખાય તો માણસના આઇકોનને માઉસથી તે રંગ પર ડ્રેગ કરીને લઈ જાઓ. સ્ક્રીન પરનો વ્યૂ બદલાશે અને નીચે બતાવ્યા મુજબ, તમે એ જ સ્થળે પહોંચી ગયા હોય એ રીતે ત્યાંનાં દૃશ્યો જોઈ શકશો.

ગૂગલ અર્થમાં આ સિવાય પણ ઘણી ખૂબીઓ છે. તમે જેમ વધુ સર્ચ કરતા જશો તેમ એ વિશે વધુ જાણી શકશો. ‘સાયબરસફર’ના આગામી અંકોમાં એ વિશે આપણે જાણતા રહીશું!
નોંધઃ તમારા પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલ અર્થની સાઇટ ઓપન કરવામાં મુશ્કેલી પડે તો સેટિંગ્સમાં જઈને બ્રાઉઝિંગ ડેટા ક્લીયર કરીને ફરી પ્રયાસ કરી જુઓ.
વધુ જાણવા માટે…
ગૂગલ અર્થ વિશે વધુ જાણવામાં રસ હોય તો જુઓ ‘સાયબરસફર’નો જુલાઈ ૨૦૧૨ અંક.
ગૂગલ અર્થ આધારિત, આખી પૃથ્વી પર પ્લેન ઊડાડવાની સગવડ આપતી એક મજાની વેબસર્વિસ માટે જુઓ જાન્યુઆરી, ૨૦૧૩નો અંક.


