આલબમ
થોડા સમય પહેલાં, આઇઓએસ માટેના વોટ્સએપમાં આલબમની સુવિધા ઉમેરાઈ હતી, હવે તે એન્ડ્રોઇડમાં પણ ઉપલબ્ધ થવા લાગી છે.
આ સુવિધા મુજબ, એક જ વ્યક્તિ તરફથી એક સાથે આવેલા ફોટોગ્રાફ્સ હવે ચારના ચોકઠામાં દેખાશે અને ચારથી વધુ ફોટોગ્રાફ્સ મોકલ્યા હશે તો ચોથા ફોટોગ્રાફ પર, બાકીના ફોટોગ્રાફની સંખ્યા જોવા મળશે. મતલબ કે હવે વોટ્સએપમાં પણ ફેસબુકની જેમ આલબમમાં ફોટોગ્રાફ્સ ગોઠવાશે અને તેમાંના કોઈ પણ ફોટો પર ક્લિક કરતાં, એક પછી એક સ્ક્રોલ કરીને બધા ફોટોગ્રાફ જોઈ શકાશે.
આ સુવિધા એન્ડ્રોઇડ વોટ્સએપના બીટા વર્ઝન ૨.૧૭.૨૩૪થી મળવાની શરૂ થઈ છે.
ફોટોફિલ્ટર્સ
વોટ્સએપે સ્નેપચેચેટની જેમ લોકોને અલગ રીતે પોતાનું સ્ટેટસ અપડેટ કરવાની સુવિધા આપ્યા પછી, હવે ફોટોઝ પર વિવિધ ફિલ્ટર એપ્લાય કરવાની સુવિધા આપી છે. અત્યારે આપણે ફોટોઝમાં વિવિધ સ્ટિકર્સ અને ટેક્સ્ટ ઉમેરી તેના કલર્સ બદલી શકીએ છીએ, હવે પાંચ પ્રકારની ઇફેક્ટ પણ આપી શકાશે.
ફાઇલ શેરિંગ
વોટ્સએપમાં અત્યારે આપણે ઇમેજીસ, વીડિયો, ઓડિયો, લોકેશન અને ડોક્યુમેન્ટ્સ શેર કરી શકીએ છીએ, પણ અત્યાર સુધી ડોક્યુમેન્ટના પ્રકાર નિશ્ચિત હતા. જેમ કે પીડીએફ અને વર્ડ, એક્સેલ કે પાવરપોઇન્ટની ફાઇલ્સ જ શેર કરી શકાય, બીજી નહીં.
હવે નવી સુવિધા અનુસાર, કોઈ પણ પ્રકારની ફાઇલ વોટ્સએપ દ્વારા શેર કરી શકાશે. ફક્ત, લોકો ફોરકે જેવાં ઊચાં રેઝોલ્યુશનમાં શેર કરેલા વીડિયોની ફાઇલ્સ શેર કરવા ન લાગે અને વોટ્સએપનાં સર્વર પર ભાર આવી ન જાય એ માટે શેર કરવાની ફાઇલની સાઇઝ, આઇઓએસમાં 128 એમબી અને એન્ડ્રોઇડમાં 100એમબી ની મર્યાદામાં રહેશે.
આ નવી સુવિધાને કારણે તમારે એપ્સની એપીકે ફાઇલ્સ શેર કરવી હોય તો પહેલાં ગૂગલ ડ્રાઇવ કે ડ્રોપબોક્સમાં અપલોડ કરીને તેની લિંક શેર કરવાની ઝંઝટ રહેશે નહીં.

